લંડનઃ એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડવા માટે સરકારે વધુ પ્રાઇવેટ ક્લિનિકનો ઉપયોગ કરવાની જાહેરાત કરી છે. એનએચએસ પરનું ભારણ ઘટાડવા માટે સરકાર પ્રાઇવેટ કંપનીઓને એનએચએસ માટે ડાયગ્નોસ્ટિક સેન્ટરો ચલાવવા અને ભંડોળ પુરું પાડવા મોટી ભુમિકા સોંપશે. સરકારે વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો કરવા માટે પ્રાઇવેટ કંપનીઓને આમંત્રિત કરી છે.
સરકારે જણાવ્યું છે કે એનએચએસની હોસ્પિટલો પરનું ભારણ ઘટાડવા માટે સમગ્ર ઇંગ્લેન્ડમાં 13 નવા કોમ્યુનિટી ડાયગ્નોસ્ટિક સેન્ટર ખોલાશે જેમાં વધારાના 7,42,000 સ્કેન, ચેક અને ટેસ્ટ પ્રતિ વર્ષ કરાશે. તેમાંથી આઠ સીડીએસનું સંચાલન પ્રાઇવેટ સેક્ટર દ્વારા અને પાંચનું સંચાલન એનએચએસ દ્વારા કરાશે. જોકે તેમાં તમામ સેવાઓ વિનામૂલ્યે અપાશે. સરકારના આ પગલાંના કારણે જનતા આરોપ મૂકી રહી છે કે સરકાર એનએચએસના સંપુર્ણ ખાનગીકરણ તરફ આગળ વધી રહી છે. લેબર પાર્ટી પણ તેનો વિરોધ કરવાના બદલે સરકારને સાથ આપી રહી છે.
જો કે સરકારે જણાવ્યું હતું કે, નવા શરૂ કરાનારા પ્રાઇવેટ સેન્ટર પણ એનએચએસની જેમ જ કામ કરશે પરંતુ સ્ટાફની ભરતી પ્રાઇવેટ ઓપરેટર દ્વારા કરાશે અને તેમના પોતાના જ બિલ્ડિંગ રહેશે. રેડરૂથ, બ્રિસ્ટોલ, ટોર્બે, યેઓવિલ અને વેસ્ટોન સુપર મારેમાં શરૂ થનારા નવા સેન્ટરોનું સંચાલન ઇનહેલ્થ કંપની દ્વારા કરાશે. અન્ય પ્રાઇવેટ સેન્ટર સાઉથએન્ડ, નોર્ધમ્પ્ટન અને સાઉથ બર્મિંગહામમાં શરૂ કરાશે જે હાલમાં કાર્યરત બ્રાઇટોન, નોર્થ સોલિહૂલ, ઓક્સફોર્ડ અને સાલફોર્ડના સેન્ટરો સાથે મળીને કામ કરશે. હોર્નચર્ચ, સ્કેગનેસ, લિન્કન, નોટિંગહામ અને સ્ટોક-ઓન-ટ્રેન્ટમાંના સેન્ટરોનું સંચાલન એનએચએસ દ્વારા કરાશે. સરકારે માર્ચ 2025 સુધીમાં 160 કોમ્યુનિટી ડાયગ્નોસ્ટિક સેન્ટરો શરૂ કરવાની જાહેરાત કરી હતી તેમાંથી 108 સેન્ટર શરૂ થઇ ચૂક્યાં છે. તેમાંથી કેટલાંકનું સંચાલન એનએચએસ દ્વારા અને કેટલાંકનું પ્રાઇવેટ કંપનીઓ સાથેની ભાગીદારીમાં થાય છે. પ્રાઇવેટ કંપનીઓ દ્વારા સંપુર્ણપણે સંચાલિત હોય તેવા બહુ ઓછા સેન્ટર હજુ સુધીમાં શરૂ થયાં છે.
તાજેતરમાં રિશી સુનાકે કબૂલાત કરી હતી કે મારા વડાપ્રધાન બન્યા પછી ઇંગ્લેન્ડમાં એનએચએસના વેઇટિંગ લિસ્ટમાં વારો થયો છે પરંતુ તેના માટે એનએચએસના કર્મચારીઓની હડતાળો જવાબદાર છે. જોકે અમે છેલ્લા બે વર્ષથી વેઇટિંગ લિસ્ટમાં રહેલા દર્દીઓની સંખ્યા ઘટાડવામાં સફળ રહ્યાં છીએ. અમે વેઇટિંગ લિસ્ટ ઘટાડવાની દિશામાં પ્રગતિ કરી રહ્યાં છીએ. સરકાર નાણા આપી રહી નથી તેથી નહીં પરંતુ હડતાળોના કારણે વેઇટિંગ લિસ્ટમાં વધારો થઇ રહ્યો છે.


