લંડનઃ હેરો આર્ટસ સેન્ટર ખાતે 18 મેના રોજ આયોજિત એન્યુઅલ કાઉન્સિલ મિટિંગ અને વિશેષ મેયર મેકિંગ સેરેમનીમાં કાઉન્સિલર રામજી ચૌહાણે હેરોના નવા મેયર તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. યુગાન્ડામાં જન્મેલા રામજી ચૌહાણ હેરોના પહેલા ઇસ્ટ આફ્રિકન મૂળના મેયર છે. તેઓ વર્ષ 2023-24 માટે હેરોના ફર્સ્ટ સિટિઝન રહેશે. રામજી ચૌહાણે સાધુ યોગવિવેકદાસ સ્વામીની મેયરના ચેપ્લિન તરીકે વરણી કરી હતી. સાધુ યોગવિવેકદાસ નિસ્ડેન સ્થિત બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના વડા છે. રામજી ચૌહાણે મેયર કાઉન્સિલર જેનેટ મોટનું સ્થાન લીધું છે. આ પ્રસંગે ચૌહાણે પોતાની અંગત પ્રાર્થના કરીને અવસાન પામેલા પૂર્વ મેયરો અને કોરોના મહામારીમાં માર્યા ગયેલાને શ્રદ્ધાંજલિ આપી હતી.
યુગાન્ડામાં જન્મેલા રામજી ચૌહાણ 70ના દાયકામાં કિશોરાવસ્થામાં યુગાન્ડાથી બ્રિટન આવ્યા હતા. 58 વર્ષીય ચૌહાણ છેલ્લા 30 કરતાં વધુ વર્ષથી હેરોમાં વસવાટ કરે છે. 2010માં પહેલીવાર કાઉન્સિલર તરીકે ચૂંટાઇને તેમણે રાજકીય જીવનનો પ્રારંભ કર્યો હતો. એક દાયકા કરતાં વધુની કાઉન્સિલરની સેવાઓમાં તેમણે વિવિધ સમિતિઓમાં ફરજ બજાવી છે. તેઓ સ્થાનિક પર્યાવરણ અને કન્ઝર્વેશન સંગઠનોનું પણ કાઉન્સિલમાં પ્રતિનિધિત્વ કરે છે. પરિવાર પ્રત્યે પ્રતિબદ્ધ એવા ચૌહાણ ફાર્મા ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, મેયર તરીકે આ વર્ષે મારીથીમ યુનિટી અને ડાયવર્સિટી રહેશે. હું સમાજને એકજૂથ કરવા, આપણા મતભેદો દૂર કરવા અને સાંસ્કૃતિક વૈવધ્યતાને એકરૂપ કરવા કામ કરતો રહીશ.


