લંડનઃ ખાદ્યપદાર્થો પર પ્રાઇસ કેપ લગાવવાના મુદ્દે કેબિનેટ મંત્રીઓમાં અસંતોષ હોવા છતાં સરકાર ખાદ્ય પદાર્થોની કિંમતોમાં બજાર નિષ્ફળતાઓ સુધારવા વધુ નીતિઓ ઘડવાની યોજના બનાવી રહી છે. ડિપાર્ટમેન્ટ ફોર એન્વાયરમેન્ટ, ફૂડ એન્જ રૂરલ અફેર્સ સિંગલ ફૂડ પ્રાઇસ મોડેલ તૈયાર કરવા હાલ સંશોધકોની ભરતી કરી રહ્યો છે. સિંગલ ફૂડ પ્રાઇસ મોડેલ સરકારને ખાદ્યપદાર્થોની વધતી કિંમતો પર નિયંત્રણ રાખવામાં મદદરૂપ થશે.એપ્રિલ મહિનામાં ખાદ્યાન્ન ફુગાવો 19.1 ટકા પર પહોંચી ગયો હતો.
વડાપ્રધાન રિશી સુનાકે વર્ષના અંત સુધીમાં ફુગાવાનો દર 10.1 ટકા પર લાવવાનું આશ્વાસન તો આપ્યું છે પરંતુ ફૂડ અને એનર્જી સેક્ટરોમાં કેટલાક પડકારનો સામનો કરી રહ્યા છે. પાયાની જરૂરીયાતના ખાદ્યપદાર્થો પર રિટેલરો જાતે જ પ્રાઇસ કેપ લાદે તેવી 10 ડાઉનિંગ સ્ટ્રીટની અપીલ છતાં મોટા સુપર માર્કેટોનું કહેવું છે કે આ પ્રકારની નીતિથી કિંમતોમાં કોઇ મોટો તફાવત સર્જાવાનો નથી. તેમણે વડાપ્રધાન પર 1970ના દાયકાના પ્રકારના ભાવ નિયંત્રણો લાવવાનો આરોપ મૂક્યો છે. સરકારના મંત્રીઓ પર રિશી સુનાકની આ યોજનાનો વિરોધ કરી રહ્યાં છે. તેમની દલીલ છે કે આ પ્રકારની યોજના અત્યારના સમયમાં સફળ થઇ શકે તેમ નથી.


