લંડનઃ લેસ્ટરની દ મોન્ટફોર્ટ યુનિવર્સિટીમાં 150 ભારતીય વિદ્યાર્થીઓને એક પેપરમાં નાપાસ કરવાની ઘટનાની શાહી હજુ સૂકાઇ નથી ત્યાં ડીએમયુ ખાતે એડવાન્સ્ડ બાયોમેડિકલ સાયન્સ કોર્ષમાં અભ્યાસ કરતા 50 ભારતીય વિદ્યાર્થીઓ પાસિંગ માર્ક્સ મેળવવામાં નિષ્ફળ રહ્યાં છે. આ પહેલાં એન્જિનિયરિંગમાં નાપાસ કરાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ તેમની સાથે બેવડું વલણ અપનાવાઇ રહ્યું હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે જણાવ્યું છે કે યુનિવર્સિટીઓ આ પેપર બંધ કરી દીધું હોવાથી તેઓ બીજીવાર આ પેપરની પરીક્ષા આપી શકે તેમ નથી તેથી તેમના પર ભારત પરત ફરવાનું જોખમ સર્જાયું છે.
લેસ્ટરના સાંસદ અને ઇન્ટિગ્રેશન ફાઉન્ડેશનના ચેરમેન કીથ વાઝે ડીએમયુના વાઇસ ચાન્સેલર કેટી નોર્મિંગ્ટનને પત્ર લખીને ભારતીય વિદ્યાર્થીઓ સાથે થઇ રહેલા અન્યાયનો મુદ્દો ઉઠાવ્યો છે. કીથ વાઝે પત્રમાં જણાવ્યું હતું કે, એન્જિનિયરિંગના નાપાસ કરાયેલા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી યોગ્ય જવાબ આપી રહી નથી. તેમની પાસે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ ન હોવાના કારણે અપીલ કરી શક્તાં નથી. વિદ્યાર્થીઓ તેમને મળેલા માર્ક્સ પણ જાણી શક્તાં નથી. યુનિવર્સિટી દ્વારા જવાબમાં વિલંબને કારણે સ્થિતિ વધુ ગુંચવાડાભરી બની રહી છે.
વાઝે જણાવ્યું હતું કે, એડવાન્સ્ડ બાયોમેડિકલ સાયન્સમાં એમએસસી કરી રહેલા 50થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ પાસિંગ માર્ક્સ ન મળવાના કારણે ડિગ્રીથી વંચિત બની રહ્યાં છે. આ વિદ્યાર્થીઓ અપીલ કરશે તો પણ તેમને પાસ નહીં કરાય કારણ કે તેઓ યુનિવર્સિટીના ધોરણો પૂરા કરી રહ્યાં નથી તેવા કારણો આપવામાં આવી રહ્યાં છે. તેમને લેખિત પરીક્ષાના પેપર પણ બતાવવામાં આવી રહ્યાં નથી. તેમને યોગ્ય વિકલ્પ ન મળવાથી વિઝા સ્વીચ કરવાની સલાહ આપવામાં આવી રહી છે.


