નેશનલ ટ્રસ્ટ અંગ્રેજોએ લૂટેલી વસ્તુઓ જે તે દેશને પરત કરવાની નીતિ ઘડશે

મ્યુઝિયમ એસોસિએશન અને આર્ટ્સ કાઉન્સિલ ઇંગ્લેન્ડના સૂચનોના આધારે નીતિ પર વિચારણા

Tuesday 06th June 2023 12:58 EDT
 

લંડનઃ નેશનલ ટ્રસ્ટ તેની સંપત્તિઓમાં સામેલ કોલોનિયલ યુગમાં લૂંટીને યુકે લવાયેલી મૂલ્યવાન ચીજવસ્તુઓ જે તે દેશને પરત કરવાની નીતિ પર કામ કરી રહ્યું છે. નેશનલ ટ્રસ્ટના ચેરમેન રેની ઓલિવીરીએ હે ફેસ્ટિવલમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, સંસ્થાનવાદી શાસન દરમિયાન અન્ય દેશોમાંથી લવાયેલી ચીજ વસ્તુઓ એક મોટો મુદ્દો છે. કઇ વસ્તુ કયા દેશમાંથી લાવવામાં આવી છે તે બાબત જાહેર કરવી આવશ્યક છે.

ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના કરનાર રોબર્ટ ક્લાઇવ દ્વારા યુકેમાં લવાયેલી ભારતીય ચીજ વસ્તુઓ હાલ પોવિસ કેસલમાં રખાઇ છે. શું આ ભારતીય વસ્તુઓ ભારતને પરત કરી દેવી જોઇએ તેવા સવાલના જવાબમાં ઓલિવીરીએ જણાવ્યું હતું કે, અન્ય દેશોમાંથી લૂટીને લવાયેલી વસ્તુઓ પરત કરવી કે કેમ તે સવાલ ભવિષ્યનો છે. હાલ તો નેશનલ ટ્રસ્ટ તેની પોતાની નવી નીતિ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી છે જેમાં મ્યુઝિયમ એસોસિએશન અને આર્ટ્સ કાઉન્સિલ ઇંગ્લેન્ડ દ્વારા અપાયેલી સલાહોના આધારે નિર્ણય લેવાશે.

મ્યુઝિયમ એસોસિએશનની માર્ગદર્શિકા કહે છે કે મ્યુઝિયમોમાં રહેલી કિંમતી અને મૂલ્યવાન ઐતિહાસિક વસ્તુઓ પરત કરવાની નીતિ શક્તિશાળી સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને પ્રતિકાત્મક કૃત્ય બની શકે છે. જ્યારે મ્યુઝિયમો માટેની આર્ટ્સ કાઉન્સિલ ઇંગ્લેન્ડની માર્ગદર્શિકા કહે છે કે એવી કોઇ વસ્તુ, પ્રક્રિયા અથવા તો પ્રક્રિયાઓનો સમૂહ નથી જે ચીજો પરત કરવાની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી શકે. મ્યુઝિયમોએ તેમની પાસે રહેલી આ પ્રકારની વસ્તુઓ, તેમના ઇતિહાસ, મૂળ ઉદ્દગમ સ્થાન અને સંપાદન સહિત તે વસ્તુઓનું  જે તે સ્થળના લોકો માટે શું મહત્વ છે તે ધ્યાનમાં લેવું જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter