લંડનઃ જીપી અને હોસ્પિટલો પરનો બોજો ઘટાડવા માટે સામાન્ય બીમારીઓમાં દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવા ફાર્માસિસ્ટને પરવાનગી અપાશે. હેલ્થ મિનિસ્ટર સ્ટિફન ડોનેલીએ જણાવ્યું હતું કે, આ પગલાંને કારણે દર્દીઓ તેમના માટે જરૂરી દવાઓ સરળતા અને ઝડપથી મેળવી શકશે. ફાર્માસિસ્ટની ભુમિકાના વિસ્તરણ માટે મેં એક નિષ્ણાત ટાસ્કફોર્સની રચના કરી છે.
ડોનેલીએ જણાવ્યું હતું કે, રોજિંદા જીવનમાં દર્દીઓને મદદરૂપ થવા દવાઓના મામલામાં પોતાની નિપુણતા અને તેમની વ્યાપક તાલીમનો ઉપયોગ કરતા ફાર્માસિસ્ટ આરોગ્ય સિસ્ટમમાં મહત્વનું સ્થાન ધરાવે છે અને તેઓ તાલીમબદ્ધ હોય છે. ચોક્કસ પ્રકારના સામાન્ય દર્દોમાં ફાર્માસિસ્ટની નિપુણતાનો ઉપયોગ કરવા તેમને દવા પ્રિસ્ક્રાઇબ કરવાનો અધિકાર આપવાથી દર્દીઓને તેમના ઘરની નજીક અને ઝડપથી સારવાર તો મળી રહેશે તે ઉપરાંત પણ સમાજને તેના લાભ થશે કારણ કે તેનાથી હોસ્પિટલો, વોક ઇન પ્રેકટિસ અને જીપી પ્રેકટિસમાં ધસારો ઘટાડવામાં મદદ મળી રહેશે.
આઇરિશ ફાર્મસી યુનિયન દ્વારા હેલ્થ મિનિસ્ટરે કરેલી જાહેરાતને આવકારવામાં આવી છે. તેણે જણાવ્યું હતું કે, આ પગલું કોમ્યુનિટી કેરમાં ક્રાંતિકારી સાબિત થશે. જોકે ફાર્માસિસ્ટને ચૂકવાતી ફીના સ્તરમાં વધારો કરવો જોઇએ.


