લંડનઃ બ્રિટનની કાઉન્સિલોમાં કેટલાક વિચિત્ર પ્રકારના પ્રતિબંધોના કારણે મોટી સંખ્યામાં લોકો દંડાયા હતા. આ પ્રકારના અપરાધોને બિઝીબોડી ઓફેન્સ તરીકે ઓળખાય છે અને તેના માટે સ્થળ પર જ દંડ પણ વસૂલવામાં આવે છે. 2022માં કાઉન્સિલો દ્વારા આ પ્રકારના બિઝીબોડી ઓફેન્સ માટે રેકોર્ડ સંખ્યામાં લોકોને દંડ કરાયો હતો. આ પ્રકારના પ્રતિબંધોમાં જાહેરમાં ઊંઘ લેવી, પક્ષીઓને ચણ નાખવા, બૂમો પાડવી, અપશબ્દો બોલવા જેવા અપરાધોનો સમાવેશ થાય છે. 2019માં આ પ્રકારના અપરાધો માટે 10,412 લોકોને દંડ કરાયો હતો જે 2022માં વધીને 13,433 પર પહોંચી ગયો હતો. 150 કરતાં વધુ કાઉન્સિલ પૈકી 4માં જાહેરમાં બૂમો પાડવા પર પ્રતિબંધ છે, ચાર કાઉન્સિલમાં ઘોંઘાટ કરવા પર, 22 કાઉન્સિલમાં જાહેરમાં કચરો કરવા પર, 11 કાઉન્સિલમાં જાહેરમાં અપશબ્દો બોલવા પર, 6 કાઉન્સિલમાં પંખીઓને ચણ નાખવા પર જ્યારે સાત કાઉન્સિલમાં જાહેરમાં અથવા કારમાં ઊંઘવા પર પ્રતિબંધ છે.


