બ્રિટન એટ એ ગ્લાન્સ

Tuesday 25th July 2023 12:14 EDT
 
 

બીબીસીના ન્યૂઝ રીડર જ્યોર્જ અલાગિયાહનું નિધન

લંડનઃ બીબીસીના ન્યૂઝ રીડર જ્યોર્જ અલાગિયાહનું 67 વર્ષની વયે નિધન થયું છે. તેઓ એક દાયકાથી બોવેલ કેન્સરથી પીડાતા હતા. બીબીસીના જાણીતા અને લોકપ્રિય પત્રકારો પૈકીના એક એવા જ્યોર્જ અલાગિયાહ છેલ્લા 20 વર્ષથી બીબીસી પર ન્યૂઝ એટ સિક્સ રજૂ કરતા હતા. 24 જુલાઇના રોજ તેમનું નિધન થયું ત્યારે તેમના તમામ પરિવારજનો તેમની સાથે હતા.

યુકેમાં મેકડોનાલ્ડની શાખાઓ બંધ કરી દેવાની ચેતવણી

લંડનઃ કર્મચારીઓ સાથે વંશીય ભેદભાવ, મહિલા કર્મચારીઓની જાતીય સતામણીના આરોપો બાદ યુકેની બિઝનેસ એન્ડ ટ્રેડ કમિટીએ મેકડોનાલ્ડ્સને ફ્રેન્ચાઇઝી કરારો રદ કરી દેવાની ચેતવણી આપી છે. બિઝનેસ એન્ડ ટ્રેડ કમિટીના અધ્યક્ષે ચેતવણી આપી છે કે જો કંપનીએ દેશના શ્રમ કાયદાઓનું પાલન ન કરવું હોય તો તેણે યુકેની શાખાઓ સાથેની ફ્રેન્ચાઇઝી ડીલ્સ રદ કરી દેવી જોઇએ. 100 કરતાં વધુ કર્મચારીઓની ફરિયાદો બાદ મેકડોનાલ્ડે માફી માગતા જણાવ્યું હતું કે, આ મામલામાં અમારી ત્રુટિ રહી ગઇ છે. અમે આ મામલામાં મજબૂતત ટ્રેક રેકોર્ડ ધરાવીએ છીએ.

2026ની કોમનવેલ્થ ગેમ્સનું યજમાન લંડન બને તેવી સંભાવના

લંડનઃ 2026માં કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાંથી ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા સ્ટેટે પીછેહઠ કરતાં હવે સંભાવના છે કે લંડન શહેર કોમનવેલ્થ ગેમ્સ 2026ની યજમાની કરે. લંડનના મેયર સાદિક ખાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ પ્રકારનો કોઇપણ નિર્ણય સરકારે કરવો જોઇએ. જોકે લંડન વિશ્વની રમત રાજધાની છે અને મોટા રમતોત્સવનું આયોજન કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. 2026ની કોમનવેલ્થ ગેમ્સ અને ભવિષ્યની ગ્લોબલ ઇવેન્ટ્સનું આયોજન કરવા મેયર તૈયાર છે.

લંડન મેયરની ચૂંટણી માટે કન્ઝર્વેટિવ ઉમેદવાર તરીકે સુસાન હોલની પસંદગી

લંડનઃ આગામી વર્ષે યોજાનારી લંડનના મેયરની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર તરીકે સુસાન હોલની પસંદગી કરાઇ છે. કન્ઝર્વેટિવ પાર્ટીના 57 ટકા સભ્યોએ સુસાન હોલની ઉમેદવારીના સમર્થનમાં મતદાન કર્યું હતું. આગામી વર્ષે મે મહિનામાં યોજાનારી લંડનના મેયરની ચૂંટણીમાં હવે સુસાન હોલ લેબર પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન મેયર સાદિક ખાન સાથે ટકરાશે. ઉમેદવારીની ચૂંટણીમાં સુસાન હોલે મોઝમ્મલ હોસૈનને પરાજિત કર્યા હતા. હોસૈનને 43 ટકા મત પ્રાપ્ત થયાં હતાં. પસંદગી બાદ સુસાન હોલે જણાવ્યું હતું કે, કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર તરીકે મારી પસંદગી મોટું સન્માન છે અને સાદિક ખાનને પરાજિત કરવા હું અથાક પ્રયાસ કરીશ.

બેન્ક ખાતુ બંધ કરવાના 3 મહિના પહેલા નોટિસ આપવી પડશે

લંડનઃ વાણી સ્વાતંત્ર્યની સુરક્ષા માટે ગ્રાહકના રાજકીય મંતવ્ય સાથે અસહમત થઇ બેન્ક ખાતા બંધ કરી દેનારી બેન્કોના લાયસન્સ રદ કરવાની ચેતવણી સરકારે આપી છે. કાઉટ્સ બેન્કે યુકે ઇન્ડિપેન્ડન્સ પાર્ટીના પૂર્વ નેતા નાઇજલ ફરાજનું બેન્ક ખાતુ એમ કહીને બંધ કરી દીધું હતું કે તેમના મંતવ્યો અમારા મૂલ્યો સાથે મેળ ખાતા નથી. કસ્ટમરનું ખાતુ બંધ કરતા પહેલાં 3 મહિનાની નોટિસ આપવાનું ફરજિયાત કરવા પણ સરકાર વિચારણા કરી રહી છે અને ટ્રેઝરી દ્વારા ટૂંકસમયમાં તેની જાહેરાત કરાશે.

રોમિંગ ચાર્જના ટેક્સ્ટ મેસેજ ફરજિયાત કરાશે

લંડનઃ મોબાઇલ ફોન ઓપરેટરોને તેમના ગ્રાહકો જ્યારે વિદેશ પ્રવાસમાં હોય ત્યારે લાગુ થતાં તોતિંગ રોમિંગ ચાર્જ અંગે ટેક્સ્ટ મેસેજ દ્વારા માહિતી આપવાની ફરજ પડાશે. ઘણા ગ્રાહકોને રોમિંગ ચાર્જની જાણકારી રહેતી નથી અને યુરોપિયન યુનિયનની બહાર તોતિંગ રોમિંગ ચાર્જ લાગુ થતાં હોય છે, જે પ્રતિ દિવસ 2 થી 7 પાઉન્ડ સુધી હોઇ શકે છે. જો કોઇ બ્રિટિશ સાઉદી અરબની મુલાકાતે જાય છે તો 3 નેટવર્ક પર એક સપ્તાહ માટે ફોનના ઉપયોગ માટે તેને 11,244 પાઉન્ડ જેટલું બિલ આવી શકે છે.

પિતાની સારવાર કરનાર હોસ્પિટલ માટે અરજન 15 કિમીની ચેરિટી દોડ લગાવશે

લંડનઃ પિતાની સારવારમાં મદદરૂપ થનારી હોસ્પિટલ માટે ભંડોળ એકત્ર કરવા 18 વર્ષીય અરજન દયાલ 15 કિમીની ચેરિટી દોડ લગાવશે. અરજનના પિતાને કરોડરજ્જુ પાસે રગ્બીના દડાના કદની ગાંઠ હતી. અરજન લેસ્ટરના વિક્ટોરિયા પાર્કથી પહેલી ઓગસ્ટના રોજ આ દોડનો પ્રારંભ કરશે. તેના પિતા હરદીપ દયાલને ગાંઠ હોવાનું 2019માં નિદાન થયું હતું. હવે અરજન હોસ્પિટલ ચેરિટી માટે ભંડોળ એકઠું કરવા દોડ લગાવી રહ્યો છે.

સડક પર ગાબડાંના કારણે 4 વર્ષમાં 11 મિલિયન પાઉન્ડ વળતર ચૂકવાયું

લંડનઃ સડકો પરના ગાબડાંના કારણે વાહનોને થયેલા નુકસાન પેટે છેલ્લા 4 વર્ષમાં કાઉન્સિલોને 11 મિલિયન પાઉન્ડ કરતાં વધુ વળતર વાહનચાલકોને ચૂકવવાની ફરજ પડી છે. આરએસીના આંકડા અનુસાર એપ્રિલ-જૂન 2023 વચ્ચે સડક પર ગાબડાંના કારણે વાહનને નુકસાન થવાની 8100 ઘટના બની હતી જે છેલ્લા પાંચ વર્ષની સૌથી અધિક છે. 17 વર્ષ પહેલાંની સરખામણીમાં અત્યારે સડક પર ગાબડાંના કારણે વાહનને નુકસાન થવાની સંભાવના 1.6 ગણી વધી ગઇ છે. છેલ્લા 4 વર્ષમાં કાઉન્સિલો દ્વારા 11 મિલિયન પાઉન્ડ કરતાં વધુ વળતર ચૂકવાયું હોવા છતાં 2018-19થી 2021-22ની સરખામણીમાં તાજેતરના વર્ષોમાં વળતરની ચૂકવણીમાં ઘટાડો થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter