બ્રિટન ક્રાઇમ ડાયરી

Tuesday 25th July 2023 12:16 EDT
 
 

કોવેન્ટ્રીમાં હાજી ચૌધરીની હત્યા માટે પાંચ દોષી ઠેરવાયાં

લંડનઃ 2 ઓક્ટોબર 2022ના રોજ કોવેન્ટ્રીમાં જામિયા મસ્જિદ ખાતે એક દફનક્રિયામાં હાજરી આપીને બહાર આવેલા હાજી ચૌધરી રાબ નવાઝ પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર બર્મિંગહામ અને બ્લેક કન્ટ્રીના પાંચને દોષી ઠેરવવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરો અને મૃતકના પરિવારો વચ્ચે લાંબા સમયથી વિખવાદ ચાલી રહ્યો હતો. હાજી ચૌધરી અને તેમનો ભાઇ મસ્જિદમાંથી બહાર નીકળી કાર પાર્કિંગ તરફ જતા હતા ત્યારે આદમ રઝાક, ફૈસલ મોહમ્મદ, હસનૈન રઝાક, હાશમ રઝાક અને જિનૈદ માહમૂદે તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ હુમલામાં હાજી ચૌધરીના નાના ભાઇનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો.

પ્રેમી માટે મહિલાએ કંપનીમાં 1 મિલિયન પાઉન્ડની ઉચાપત કરી

લંડનઃ પોતે લગ્ન કરવા ઇચ્છતી હતી તેવા પુરુષને મદદ કરવા કંપનીમાંથી 1 મિલિયન પાઉન્ડની ઉચાપત કરનાર મહિલાએ પોતાને નિર્દોષ ગણાવી હતી. મનજિત સિંહ લીવરપુલ સિટી સેન્ટર ખાતેની લી ડાટ એન્ડ બૈગ સોલિસિટર્સ કંપનીમાં 2014 સુધી નોકરી કરતી હતી. તેણે કંપનીમાંથી 1 મિલિયન પાઉન્ડની ઉચાપત કરીને પોતાના પ્રેમીના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા.

ગર્ભવતી મહિલાને કચડી નાખનાર આદિલ ઇકબાલને 12 વર્ષની કેદ

લંડનઃ 123 માઇલ પ્રતિ કલાકની ઝડપે કાર હંકારી એક ગર્ભવતી અભિનેત્રીને કચડી નાખનાર આદિલ ઇકબાલને 12 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. 13 મેના રોજ ગ્રેટર માન્ચેસ્ટરના બરીમાં એમ66 પર પોતાના પિતાની બીએમડબલ્યુ લઇને નીકળેલા આદિલ ઇકબાલ ડ્રાઇવ કરતો હતો ત્યારે તેના એક હાથમાં મોબાઇલ ફોન હતો. આ અકસ્માતમાં 38 વર્ષીય ફ્રેન્કી જુલ્સ હોગનું અવસાન થયું હતું. તે સમયે તે 17 સપ્તાહની ગર્ભવતી હતી.

કેમ્બ્રિજ યુનિ.ના રિસર્ચ ડોક્ટર પર ગાર્ડનની જમીન પચાવવાનો આરોપ

લંડનઃ પાડોશીના ગાર્ડનની જમીન પચાવી પાડવાના આરોપનો સામનો કરી રહેલા કેમ્બ્રિજ યુનિવર્સિટીના રિસર્ચ ડોક્ટર વીના પાએસ પર 2,00,000 પાઉન્ડનો દંડ તોળાઇ રહ્યો છે. ડો.પાએસ પર આરોપ છે કે તેમણે સાઉથ લંડનમાં આવેલી જમીનની માલિકીના વિવાદમાં 3 પાડોશીઓ સાથે ઝગડો કર્યો હતો અને ગુસ્સામાં આવીને ગાર્ડનની વાડને તોડી નાખી હતી. સેન્ટ્રલ લંડન કાઉન્ટી કોર્ટના જજ સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે, 84 બાય 20 ફૂટના આ ગાર્ડનનો ઉપયોગ તમામ લોકો દ્વારા સહિયારો ઉપયોગ થતો હતો.

લંડનમાં થતી લૂટમાં રીઢા અપરાધીઓની વધુ સંડોવણી

લંડનઃ લંડનમાં થતી દર 10માંથી 6 લૂટ વારંવાર અપરાધ આચરતા તત્વો દ્વારા થતી હોય છે. સશસ્ત્ર લૂટારા ઝડપાઇ જતાં પહેલાં સરેરાશ 3 લૂટને અંજામ આપતાં હોય છે. મેટ્રોપોલિટન પોલીસ દ્વારા કરાયેલી સમીક્ષા અનુસાર 10 સૌથી રીઢા શંકાસ્પદ લૂટારાને પોલીસ જાણે છે અને તેઓ 200 કરતાં વધુ લૂટમાં સંડોવાયેલા છે. પોલીસે જણાવ્યું છે કે લૂટ થાય કે તરત પોલીસને જાણ કરો જેથી અપરાધીને ઝડપી લેવાની સંભાવના વધે છે. લંડનમાં રોલેક્સ ઘડિયાળો ઝૂંટવી લેવાની ઘણી ઘટના બને છે. મેટ પોલીસના રેકોર્ડ અનુસાર છેલ્લા બે વર્ષમાં 7396 શંકાસ્પદ લૂટારા દ્વારા 11,438 લૂટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. દર ચારમાંથી એક લૂટ સશસ્ત્ર લૂટારા દ્વારા કરાય છએ. લૂટનો ભોગ બનનારા દર 10માંથી 6 શ્વેત લોકો હોય છે.

અંજેમ ચૌધરી પર આતંકવાદ ધારા અંતર્ગત આરોપ ઘડાયાં

લંડનઃ ઇસ્ટ લંડનના 56 વર્ષીય અંજેમ ચૌધરી પર આતંકવાદ ફેલાવવાના આરોપ ઘડાયા હોવાની જાણકારી મેટ્રોપોલિટન પોલીસે આપી હતી. અંજેમ ચૌધરી પર ટેરરિઝમ એક્ટ અંતર્ગત આતંકવાદી સંગઠનના સભ્ય હોવા, આતંકવાદી સંગઠનને સમર્થન માટે ઉશ્કેરણીજનક ભાષણો કરવા અને આતંકવાદી સંગઠનને માર્ગદર્શન આપવાના આરોપ ઘડાયાં છે. ગયા સપ્તાહમાં પોલીસે અંજેમ ચૌધરીની તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. અંજેમ ચૌધરીની સાથે કેનેડિયન નાગરિકએવા ખાલેદ હુસેન સામે પણ આતંકવાદના આરોપ ઘડાયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter