બ્રિટન ક્રાઇમ ફાઇલ્સ

Tuesday 06th June 2023 14:01 EDT
 

બ્રિટનમાં 16,000 પાઉન્ડની છેતરપિંડી બદલ ભારતીયને ત્રણ વર્ષની જેલ

લંડનઃ  બ્રિટનમાં પ્રોપર્ટી ખરીદવા મદદ કરવાના નામે 16,000 પાઉન્ડની છેતરપિંડી કરનાર ભારતીય મૂળની વ્યકિતને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેણે જેટલા લોકો સાથે છેતરપિંડી કરી હતી તેમાં મોટે ભાગે ભારતીયો હતાં. 64 વર્ષીય જસપાલ સિંહ જુટલાને લંડનના આઇલવર્થ ક્રાઉન કોર્ટમાં ખોટી માહિતી, છેતરપિંડી કરવાના ચાર કેસ અને ઓથોરિટી ન હોવા છતાં વિનિયમિત પ્રવૃત્તિ કરવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું છે કે અપરાધ મે 2019થી જાન્યુઆરી 2021ની વચ્ચે થયો હતો અને જુટલાએ ગયા વર્ષે ઓગસ્ટમાં ઉક્સબ્રિજ મેજિસ્ટ્રેટ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન પોતાના અપરાધ સ્વીકારી લીધા હતાં.
અપરાધ ચાર પીડિતો સાથે સંબધિત છે. જેમને 15,790 પાઉન્ડ ચુકવવા માટે ધમકાવવામાં આવ્યા હતાં. મેટ પોલીસના સેન્ટ્રલ સ્પેશિયાલિટ ક્રાઇમ યુનિટના ફાઇનાન્સિયલ ઇન્વેસ્ટીગેટરના ડિટેક્ટીવ કોન્સ્ટેબલ અનિતા શર્માએ જણાવ્યું હતું કે જસપાલ સિંહ જુટલા સતત અપરાધ કરનાર વ્યકિત છે.

ગુજરાતી શિક્ષિકા પર ઈંગ્લેન્ડની શાળાઓમાં બે વર્ષ માટે પ્રતિબંધ

લંડનઃ 37 વર્ષીય ભારતીય મૂળના શાળાના શિક્ષકને ઈંગ્લેન્ડની શાળાઓમાં બે વર્ષ માટે શિક્ષણથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડના ઉત્તર પશ્ચિમના રહેવાસી દિપ્તી પટેલે પોતાની વિરુદ્ધના છેતરપિંડીના આરોપોને છૂપાવ્યા હતાં. દિપ્તી પટેલ માન્ચેસ્ટર એકેડેમીમાં શિક્ષક હતાં અને તેમણે સેન્ટ અલબેન્સ ક્રાઉન્ટ કોર્ટ દ્વારા સપ્ટેમ્બર, 2020માં દોષિત ઠેરવવાની વાત પોતાની શાળા સાથે છુપાવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે તેણે ખોટું બોલીને રજા લીધી હતી. બાળકને એપોઇન્ટમેન્ટ પર લઇ જવાનું કારણ બતાવી તેણે રજા લીધી હતી જો કે તેણે સેન્ટ અલબેન્સ ક્રાઉન કોર્ટમાં હાજર થવા માટે રજા લીધી હતી.
દિપ્તી પટેલે પોતાના ઘરમાં ચોરી થવાની ફરિયાદ દાખલ કરી હતી. આ ચોરી બદલ તેમના પરિવારે હજારો પાઉન્ડનો વીમાનો દાવો કર્યો હતો. જોકે, તપાસમાં જાણવા મળ્યું હતું કે આ એક કાલ્પનિક ચોરી હતી અને વીમાનો દાવો ખોટો હતો. ત્યારબાદ તેમને છેતરપિંડી આચરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતાં. જોકે પટેલે આ તમામ વાતો પોતાની શાળામાં છુપાવી હતી. જ્યારે કોર્ટમાં હાજર થવાનું હોય ત્યારે તે ખોટું કારણ આપી રજા લેતી હતી.

પિકનિક મનાવી રહેલા પરિવાર પર વંશીય હુમલો

લંડનઃ બ્લેક કન્ટ્રી ખાતે પિકનિક મનાવી રહેલા એક પરિવાર પર વંશીય ટિપ્પણીઓ કરી હથિયારો વડે હુમલો કરતાં પોલીસે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, 28મેના રવિવારના રોજ વાલસાલના ડો બેન્ક પાર્ક ખાતે એક પરિવાર પિકનિક મનાવી રહ્યો હતો ત્યારે 38થી 55ની વયજૂથના ચાર લોકોએ શસ્ત્રો વડે હુમલો કર્યો હતો. હાલ તેમને કસ્ટડીમાં રાખી પૂછપરછ કરાઇ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter