બ્રિટિશરોને ભય પમાડતો વારસાઇ ટેક્સ નાબૂદ કરી દેવો જોઇએઃ નદીમ ઝહાવી
લંડનઃ ટોરી નેતા નદીમ ઝહાવીએ જણાવ્યું છે કે, દરેક માતાપિતા તેમની સંપત્તિ પોતાના સંતાનોને વારસામાં આપવા ઇચ્છતા હોય છે પરંતુ સરકાર દ્વારા તેનો મોટો હિસ્સો પોતાની તિજોરીમાં જમા કરી દેવાય છે. યુકેમાં વસૂલાતો વારસાઇ ટેક્સ વ્યક્તિને મરણપર્યંત પરેશાન કરતો હોય છે. કોઇ વ્યક્તિના નિધન બાદ તેની સંપત્તિમાંથી કેટલોક હિસ્સો લઇ લેવો નૈતિક રીતે યોગ્ય નથી. વારસાઇ ટેક્સ આપણા પર્સનલ ફાઇનાન્સ અને દેશની ઇકોનોમીને પણ નુકસાન કરે છે.
ઝહાવીએ એક લેખમાં જણાવ્યું હતું કે, એક આત્મનિર્ભર વ્યક્તિ તરીકે મને એ વાતનું ગૌરવ છે કે ચેરિટીને દાન આપ્યા પછી પણ હું આ દુનિયામાં મારા સંતાનો માટે વારસો મૂકતો જઇશ. આ એક માનવીય સ્વભાવ છે અને કોઇ અમીર માટે તો આ બાબત વધુ અસરકારક રહે છે. ટેક્સ પેયર્સ એલાયન્સ કહે છે કે, કૃષિ સંપત્તિ, વારસામાં મળેલી સંપત્તિ, ચોક્કસ પ્રકારની બિઝનેસ સંપત્તિને જે રીતે વારસાઇ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે તે જે તે સંપત્તિના હિતોમાં ન હોય તે પ્રકારના નિર્ણયો પર અસર કરે છે.
ઇલેક્ટ્રિક વાહનો માટે પબ્લિક ચાર્જિંગ પોઇન્ટની સ્થિતિ બદતર બની
લંડનઃ સડક પર દોડતા ઇલેક્ટ્રિક વાહનો અને પબ્લિક ચાર્જિંગ પોઇન્ટની સંખ્યા વચ્ચેની ખાઇ વધુ પહોળી બની છે. છેલ્લા એક વર્ષમાં આ તફાવત બમણો થયો છે. આ તફાવત દેશના દરેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત થતા આંકડા પ્રમાણે 2022માં યુકેમાં દર 36 ઇલેક્ટ્રિક વાહને એક ચાર્જિંગ પોઇન્ટ હતો. 2021માં દર 31 વાહને એક ચાર્જિંગ પોઇન્ટ હતો.નોર્થવેસ્ટ ઇંગ્લેન્ડમાં 2021માં દર 49 વાહને એક ચાર્જિંગ પોઇન્ટની સામે 2022માં દર 85 ઇલેક્ટ્રિક વાહન દીઠ એક ચાર્જિંગ પોઇન્ટની સ્થિતિ આવી ગઇ હતી. સાઉથવેસ્ટ ઇંગ્લેન્ડમાં 44 વાહને એક ચાર્જિંગ પોઇન્ટની સામે 2022માં 78 વાહને એક ચાર્જિંગ પોઇન્ટની સ્થિતિ સર્જાઇ હતી. નોર્ધન આયર્લેન્ડમાં 2021માં 17 વાહને એક ચાર્જિંગ પોઇન્ટની સામે હવે 43 વાહને એક ચાર્જિંગ પોઇન્ટ છે. સૌથી સારી સ્થિતિ લંડનમાં છે. લંડનમાં દર 11 ઇલેક્ટ્રિક વાહને એક ચાર્જિંગ પોઇન્ટ છે.
વિદ્યાર્થીઓમાં ભાષા અને આર્ટ્સ પ્રત્યે નીરસતા, કોમ્પ્યુટર અને બિઝનેસમાં રસ વધ્યો
લંડનઃ જીસીએસઇ અને એ લેવલના વિદ્યાર્થીઓમાં હવે ભાષાઓ અને ક્રિએટિવ આર્ટ્સ પસંદગીના વિષયો રહ્યાં નથી. હવે વધુને વધુ વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર અને બિઝનેસ સ્ટડીઝ જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમોની પસંદગી કરી રહ્યાં છે. ઇંગ્લેન્ડના આંકડા દર્શાવે છે કે એ લેવલમાં જર્મન ભાષા લેનારા વિદ્યાર્થીઓમાં 17 ટકા, સ્પેનિશ અને ફ્રેન્ચ ભાષાની પસંદગી કરનારા વિદ્યાર્થીઓમાં 13 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેની સામે એ લેવલમાં કોમ્પ્યુટરની પસંદગી કરનારા વિદ્યાર્થીઓમાં 15 ટકા અને જીસીએસઇમાં કોમ્પ્ટુરની પસંદગી કરનારા વિદ્યાર્થીઓમાં 12 ટકાનો વધારો નોંધાયો હતો. વિદ્યાર્થીઓમાં બિઝનેસ સ્ટડીઝ લોકપ્રિય બની રહ્યો છે. જીસીએસઇ સ્તરે બિઝનેસ સ્ટડીઝનો વિષય લેનારા વિદ્યાર્થીઓમાં 13 ટકા અને એ લેવલમાં 6 ટકાનો વધારો થયો હતો.
ઊનાળામાં ચપ્પલ પહેરીને ડ્રાઇવિંગ 100 પાઉન્ડના દંડને નિમંત્રણ આપી શકે છે
લંડનઃ ઊનાળો આવતાની સાથે જ યુકેના વાહનચાલકોને ડ્રાઇવિંગ કરતી વખતે કેવા પ્રકારના જૂતા પહેર્યા છે તે અંગે સાવચેત રહેવા ચેતવણી અપાઇ છે. સામાન્ય રીતે ઊનાળામાં ચપ્પલ પહેરવા રાહતભર્યા રહે છે પરંતુ વાહનચાલકો માટે ડ્રાઇવિંગ કરતી વખતે ચપ્પલ પહેરવા હિતાવહ નથી. હાઇવે કોડ કહે છે કે ડ્રાઇવિંગ કરતી વખતે ચપ્પલ પહેરવા જોઇએ નહીં કારણ કે તે પેડલ પરથી સ્લીપ થવા અથવા તો તેમાં ભરાઇ જવાનું જોખમ રહેલું છે. આમ તો ચપ્પલ પહેરવા ગેરકાયદેસર નથી પરંતુ તમારા માટે મુશ્કેલીરૂપ બની શકે છે. ચપ્પલના કારણે તમારું ડ્રાઇવિંગ ભયજનક બને તો તમને ભારે દંડ પણ થઇ શકે છે. હાઇવે કોડનો રૂલ 97 કહે છે કે તમારા જૂતા અને કપડાં એ પ્રકારના હોવા જોઇએ જેથી તમે તમારા વાહનના કન્ટ્રોલનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો. બૂટ તમને તમારા વાહનના કન્ટ્રોલ સાચી રીતે ઉપયોગ કરતાં અટકાવી શક્તાં નથી. બેદરકારીભર્યા ડ્રાઇવિંગ માટે 100 પાઉન્ડનો દંડ કરાય છે અને તમારા લાયસન્સને 3 પેનલ્ટી પોઇન્ટ અપાય છે. બેદરકારીના વધુ ગંભીર કેસમાં મહત્તમ 5000 પાઉન્ડનો દંડ થઇ શકે છે અને લાયસન્સને9 પેનલ્ટી પોઇન્ટ અપાય છે. કોર્ટ તમારા પર ડ્રાઇવિંગ પ્રતિબંધ પણ લાદી શકે છે.
હેરોમાં પંખીઓને ચણ ખવડાવવા માટે 100 પાઉન્ડનો દંડ ફટકારવાની યોજના
લંડનઃ નોર્થ વેસ્ટ લંડનમાં હેરો કાઉન્સિલ પાર્કમાં બતકને ખોરાક આપનારાને ભારે ભરખમ દંડ કરવાની તૈયારી કરી રહી છે. કાઉન્સિલનું માનવું છે કે પક્ષીઓ પ્રત્યેની માનવીઓની દયા તેમને મોતને હવાલે કરી રહી છે. હેરો કાઉન્સિલ પબ્લિક સ્પેસ પ્રોટેક્શન ઓર્ડરનો વિસ્તાર કરવા ઇચ્છે છે જેના પગલે ટાઉન સેન્ટરથી પિન્નર મેમોરિયલ પાર્ક સુધી પંખીઓને ખોરાક ખવડાવી શકાશે નહીં. જો આ નિર્ણયનો અમલ કરાશે તો નિયમનું ઉલ્લંઘન કરનારને 100 પાઉન્ડનો દંડ થશે. જો વ્યક્તિ દંડ ચૂકવવાનો ઇનકાર કરશે અને કોર્ટમાં કેસ જશે તો 1000 પાઉન્ડનો દંડ ચૂકવવાની નોબત આવી શકે છે.


