બ્રિટન દ્વારા ભારતને અપાતી સહાયમાં 70 ટકાનો તોતિંગ વધારો કરાશે

2022-23માં અપાયેલી 33.4 મિલિયન પાઉન્ડની સહાય 2024-25માં વધીને 57 મિલિયન પાઉન્ડ થશે

Tuesday 25th July 2023 11:52 EDT
 
 

લંડનઃ બ્રિટન દ્વારા ભારતને અપાતી સહાયમાં 70 ટકા સુધીનો વધારો કરાશે. ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસે વર્ષ 2022-23માં ભારતને 33.4 મિલિયન પાઉન્ડની સહાય આપી હતી. પરંતુ હવે તેના વાર્ષિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2024-25માં બ્રિટન દ્વારા ભારતને અપાતી સહાય 57 મિલિયન પાઉન્ડ પર પહોંચી જશે.

બ્રિટનમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ભારતે તાજેતરમાં ચંદ્ર પર પોતાનું યાન મોકલ્યું છે ત્યારે તેને આટલી મોટી સહાય આપવામાં આવી રહી છે. ટીકાકારો કહે છે કે જે દેશ પોતાનો સ્પેસ પ્રોગ્રામ ચલાવી શકે તેટલો સક્ષમ હોય ત્યારે તેને અપાતી સહાયમાં વધારો કરવો ખોટી બાબત છે.

ટેક્સ પેયર્સ એલાયન્સના ચીફ એક્ઝિક્યુટિવ જ્હોન ઓકોનેલ કહે છે કે બ્રિટન કરતાં પણ મોટા અર્થતંત્ર ધરકાવતા દેશોમાં શંકાસ્પદ પ્રોજેક્ટો માટે સેંકડો મિલિયન પાઉન્ડ સહાય તરીકે મોકલવામાં આવી રહ્યાં છે. સરકારે કરદાતાઓના નાણાનો યોગ્ય ઉપયોગ કરતાં જે દેશને ખરેખર જરૂર હોય તેમને જ સહાય આપવી જોઇએ.

એકતરફ બ્રિટન ભારત સાથે મુક્ત વેપાર કરાર માટે મંત્રણાઓ કરી રહ્યો છે. બિઝનેસ સેક્રેટરી કેમી બેડનોકને ભારતને વધુ પડતી રાહતો નહીં આપવાની ચેતવણીઓ આપવામાં આવી રહી છે ત્યારે જ ભારતને અપાતી સહાયમાં મોટો વધારો કરાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter