ભારત-યુકે મુક્ત વેપાર પર આ વર્ષે હસ્તાક્ષરની ઉજળી આશાઃ ભારત

બ્રિટિશ જનતા અને અર્થતંત્રના શ્રેષ્ઠ હિતો જળવાશે ત્યારે જ કરારઃ બ્રિટન

Tuesday 01st August 2023 12:27 EDT
 
 

લંડનઃ ભારત અને બ્રિટન વચ્ચેના મુક્ત વેપાર કરાર પર બંને દેશ વચ્ચે વ્યાપક સમજૂતિ સધાઇ ચૂકી છે અને આ વર્ષમાં બંને દેશ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરે તેવી આશા ભારતના વાણિજ્ય મંત્રાલયના એક અધિકારીએ વ્યક્ત કરી છે. ભારતના વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે જણાવ્યું હતું કે, અમે જેમ બને તેમ ઝડપથી આ કરાર મૂર્તિમંત કરવા ઇચ્છીએ છીએ. દરેક વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચા કરી લેવાઇ છે અને આ વર્ષના અંત સુધીમાં કરાર પર બંને દેશ હસ્તાક્ષર કરી શકે છે.

બ્રિટનના ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડના પ્રવક્તાએ જણાવ્યું છે કે અમે દરેક મુદ્દા પર સારી પ્રગતિ કરી છે. હવે અમે ગૂડ્સ, સર્વિસિઝ અને ઇન્વેસ્ટમેન્ટ સહિતના સૌથી મહત્વાકાંક્ષી મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. અમે એ બાબતે સ્પષ્ટ છીએ કે અમને જ્યારે એમ લાગશે કે આ કરાર ન્યાયી, સંતુલિત અને બ્રિટિશ જનતા અને અર્થતંત્રના શ્રેષ્ઠ હિતમાં છે ત્યારે જ અમે તેના પર હસ્તાક્ષર કરીશું.

તાજેતરમાં ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલની લંડનની મુલાકાત દરમિયાન બંને દેશ વચ્ચે મુક્ત વેપાર કરાર પર 11મા રાઉન્ડની બેઠક યોજાઇ હતી. આ કરારમાં કુલ 26 ચેપ્ટરમાંથી 19 ચેપટર પર સહમતિ સધાઇ ચૂકી છે. જેમાં સંવેદનશીલ ઓટોમોબાઇલ સેક્ટરનો પણ સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter