લંડનઃ યુકેમાં ભારતીય સમુદાયના સભ્યો અને વિદ્યાર્થીઓને લક્ષ્યાંક બનાવતા બનાવટીફોન કોલ્સના રિપોર્ટ મળ્યા બાદ હાઇ કમિશને અરજન્ટ એલર્ટ જાહેર કર્યો છે. લંડન સ્થિત ઇન્ડિયા હાઉસે જણાવ્યું હતું કે, હાઇ કમિશન સાથે સંકળાયેલા ફોન નંબરનો ક્રિમિનલ અને ખંડણી ઉઘરાવવાની પ્રવૃત્તિઓ માટે કોપી કરવામાં આવી રહ્યાં છે.
ભારતીય હાઇ કમિશન દ્વારા આ મામલે મેટ્રોપોલિટન પોલીસને જાણ કરી દેવાઇ છે પરંતુ હાઇ કમિશનની કામગીરી માટે જેન્યુઇન કોલર્સને ઓફિશિયલ ફોન લાઇન્સનો ઉપયોગ કરતાં અટકાવી દેવામાં આવશે. હાઇ કમિશન દ્વારા જારી કરાયેલા એલર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, અમને માહિતી મળી છે કે કેટલાક ક્રિમિનલ અને અસામાજિક તત્વો ભારતીય મૂળના લોકો અને વિદ્યાર્થીઓને કાયદાકીય અને અન્ય પગલાંની ચેતવણી આપી ભારતીય હાઇ કમિશન અથવા ભારત સરકારની એજન્સીઓને નાણા આપવા હાઇ કમિશનના ટેલિફોન નંબરો સાથે ચેંડાં કરી છેતરપિંડીનો પ્રયાસ કરી રહ્યાં છે. સરકારી હેતૂઓ માટે હાઇ કમિશન ખાતેથી કોઇપણ વ્યક્તિ દ્વારા ભારતીય સમુદાયના લોકો પાસેથી નાણાની માગ કરાતી નથી. જો તમને આ પ્રકારના કોઇપણ કોલ આવે તો તે ફોન નંબર નોંધીને સ્થાનિક પોલીસને જાણ કરવા અને કોલર અંગે કોઇપણ જાણકારી હોય તો તે આપવા વિનંતી છે.
ભારતીય હાઇ કમિશને અગાઉ એપ્રિલ મહિનામાં પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ અંગે ચેતવણી આપતાં એલર્ટ જારી કર્યો હતો. જો કે આ વખતે અપરાધિક પ્રવૃત્તિએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે અને ભારતીય સમુદાયના લોકોને ટાર્ગેટ કરવા માટે હાઇ કમિશન દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર ફોન નંબરનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. અહેવાલો મળ્યા છે કે આ સ્કેમનો ભોગ કેટલાક લોકો બન્યાં છે.


