મકાન માલિકો વ્યાજબી કારણ વિના મકાન ખાલી કરાવી શકશે નહીં

ભાડૂઆતોને બખ્ખાં, સરકાર લાવી રહી છે રેન્ટર્સ રિફોર્મ બિલ

Tuesday 23rd May 2023 13:43 EDT
 
 

લંડનઃ ઇંગ્લેન્ડમાં પ્રાઇવેટ રેન્ટલ સેક્ટરમાં ધરમૂળથી બદલાવ લાવવાના વચનનું પાલન કરતાં સરકાર નવો કાયદો લાવી રહી છે જે અંતર્ગત કોઇ મકાનમાલિક વાંક-ગુના અને વ્યાજબી કારણ વિના ભાડૂઆતને મકાન ખાલી કરાવી શકશે નહીં. સંસદમાં રજૂ થનારા નવા કાયદામાં નો ફોલ્ટ ઇવિક્શન પર પ્રતિબંધ લવાશે અને સરકારી લાભ મેળવતા લોકોને મકાન નહીં આપવા પરનો પ્રતિબંધ દૂર કરાશે. તે ઉપરાંત મકાનમાલિકો માટે અસામાજિક ભાડૂઆતો પાસે મકાન ખાલી કરાવવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે.

હાઉસિંગ કેમ્પેનર્સનું કહેવું છે કે, ઇંગ્લેન્ડના 1 કરોડ 10 લાખ ભાડૂઆતોને જીવન સુધારવાની આ સૌથી મોટી તક સમાન કાયદો છે. નવા કાયદા અંતર્ગત ભાડૂઆતને ભાડાના મકાનમાં પાલતૂ પ્રાણી રાખવાની વિનંતી કરવાનો કાયદાકીય અધિકાર મળશે અને મકાનમાલિક તેને ઇનકાર કરી શકશે નહીં. તેવી જ રીતે મકાન માલિકો બાળકો સાથેના પરિવારોને મકાન ભાડે આપવાનો ઇનકાર કરી શકશે નહીં. આ અંગેની તમામ માહિતી અને કાયદામાં કરાયેલા સુધારા રેન્ટર્સ રિફોર્મ બિલમાં જાહેર કરાશે.

સરકારે જણાવ્યું છે કે કાયદામાં સુધારો કર્યા પછી ભાડૂઆત તેની ઇચ્છા હશે તો જ અથવા તો મકાનમાલિક પાસે વ્યાજબી કારણ હશે તો જ મકાન ખાલી કરવાનું રહેશે. હાઉસિંગ ચેરિટી શેલ્ટરના એક રિસર્ચ પ્રમાણે એપ્રિલ 2019થી અત્યાર સુધીમાં 2,30,000 ભાડૂઆતને નો ફોલ્ટ ઇવિક્શન નોટિસ પાઠવવામાં આવી હતી.

શું છે નો ફોલ્ટ ઇવિક્શન

હાઉસિંગના કાયદાની કલમ 21 અંતર્ગત મકાનમાલિકને કોઇપણ કારણ આપ્યા વિના મકાન ખાલી કરાવવાનો અધિકાર અપાયો છે. જેને નો ફોલ્ટ ઇવિક્શન કહેવાય છે. કલમ 21 અંતર્ગત મકાન માલિક નોટિસ પાઠવે પછી ભાડૂઆતે બે મહિનામાં જ મકાન ખાલી કરી દેવાનું રહે છે. જો ભાડૂઆત મકાન ખાલી ન કરે તો મકાન માલિક અદાલતમાંથી આદેશ મેળવીને મકાન ખાલી કરાવી શકે છે.

કાયદામાં કેટલાક સુધારા સામે મકાન માલિકોને વાંધો

કાયદામાં થઇ રહેલા કેટલાક સુધારા સામે મકાન માલિકોએ ચિંતા વ્યક્ત કરી છે. નેશનલ રેસિડેન્સિયલ લેન્ડલોર્ડ્સ એસોસિએશનના વડા બેન બીડલેએ જણાવ્યું હતું કે, સરકારે મકાન માલિકો તેમના મકાન ઝડપથી ખાલી કરાવી શકશે તે પ્રકારની બાંયધરી આપવી પડશે. જો આ પ્રકારની બાંયધરી નહીં અપાય તો ભાડૂઆતોને મકાન મેળવવામાં વધુ મુશ્કેલી પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter