લંડનઃ પબ્લિક સેક્ટરમાં કરાયેલા પગાર વધારાના બોજાન પહોંચી વળવા માટે વિઝા અને એનએચએસ ફીમાં કરાયેલા વધારાને પાછો ખેંચવા સરકાર સમક્ષ માઇગ્રન્ટ ઓર્ગેનાઇઝેશનો સહિત ડોક્ટર અને શિક્ષકોના યુનિયનોએ પણ ઉગ્ર માગ કરી છે. લાખો લોકોનું પ્રતિનિધિત્વ કરતી 60 જેટલી સંસ્થાએ ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જને પોષાય નહીં તેવો ગણાવીને સરકારના નિર્ણયને વિભાજનકારી પ્રયાસ ગણાવ્યો છે. તેમની માગ છે કે પગાર વધારાના કારણે પડનારા બોજાને પહોંચી વળવા સરકારે પ્રગતિશીલ કર નીતિ અપનાવવી જોઇએ.
બ્રિટિશ મેડિકલ એસોસિએશન, શિક્ષક યુનિયન એનએએસયુડબલ્યૂટી અને માઇગ્રન્ટ સંગઠનોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે કોઇપણ કામદાર તેના ઇમિગ્રેશન સ્ટેટસના કારણે ગરીબીમાં ધકેલાઇ જવો જોઇએ નહીં, દેવામાં ડૂબવો જોઇએ નહીં કે ઘરવિહોણો બનવો જોઇએ નહીં. વડાપ્રધાન રિશી સુનાક કામદારની સામે કામદાર ઊભો કરી રહ્યા છે.
સંગઠનોએ જણાવ્યું હતું કે, પબ્લિક સેક્ટરના કર્મચારીઓને પગારવધારાનો હક છે પરંતુ સરકારે વિઝા ફી અને એનએચએસની ફીમાં કરાયેલા વધારાને પાછો ખેંચવો જોઇએ અને પગાર વધારાના બોજા માટે પ્રગતિશીલ કરવેરા નીતિ અપનાવવી જોઇએ.
યુનિયનોએ જણાવ્યું હતું કે, એનએચએસ સરચાર્જ પક્ષપાતી છે. ચાર સભ્યોના એક માઇગ્રન્ટ પરિવારને યુકેમાં રહેવા માટે 10 વર્ષમાં 50,000 પાઉન્ડ ચૂકવવાના થાય છે જે આ વધારા બાદ 68000 પાઉન્ડ ચૂકવવા પડશે.
બ્રિટિશ મેડિકલ એસોસિએશન ખાતેની કાઉન્સિલના ચેરમેન પ્રોફેસર ફિલિપ બેનફિલ્ડે જણાવ્યું હતું કે, માઇગ્રન્ટ હેલ્થ વર્કર્સ પર લદાયેલો પ્રસ્તાવિત સરચાર્જ શરમજનક છે. એનએચએસને કરવેરામાંથી થતી આવકમાંથી જ ભંડોળ ઉપલબ્ધ કરાવવું જોઇએ. વ્યક્તિગત સમુદાયો પર સરચાર્જ લાદવો અન્યાયી છે. પગારવધારાના બોજાને પહોંચી વળવા માટે સરચાર્જ લાદવો એ અપમાનજનક છે.
વિરોધમાં સાંસદો, લોર્ડ્સ અને ટ્રેડ યુનિયનો પણ જોડાયાં
ઇમિગ્રેશન સિસ્ટમમાં રેસિસ્ટ ચાર્જિસ લાદવાની સામે જારી કરાયેલા બીજા એક જોઇન્ટ સ્ટેટમેન્ટમાં સાંસદો, હાઉસ ઓફ લોર્ડ્સના સભ્યો સહિત 3000 લોકોએ હસ્તાક્ષર કર્યાં છે. તેમણે જણાવ્યું છે કે માઇગ્રન્ટ્સ માટેના હેલ્થકેર ચાર્જિસમાં વધારો એનએચએસના મૂળ હેતૂનો જ નાશ કરે છે. સરકાર દાયકાઓથી પબ્લિક સર્વિસિઝમાં અપુરતા પગારના પાપનો બોજો માઇગ્રન્ટ સમુદાયો પર નાખી રહી છે.
સરકારની યોજના અંગે મને કોઇ અફસોસ નથી, સરકારે સાચો નિર્ણય લીધો છેઃ રિશી સુનાક
તાજેતરમાં એક પત્રકાર પરિષદમાં વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, સરકારે નાણા એકઠા કરવા માટે આ નિર્ણય લીધો છે. અમે યુકેમાં આવતા વિદેશી નાગરિકોની વિઝા ફી વધારી છે અને ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જમાં વધારો કર્યો છે. આ વધારાના કારણે સરકારને 1 બિલિયન પાઉન્ડની વધારાની આવક થશે. સરકારને તેની આ યોજના માટે કોઇ અફસોસ નથી કારણ કે સરકારે સાચો નિર્ણય લીધો છે.


