લંડનઃ ફુગાવાનો દર ધારણા કરતાં નીચો રહેતાં મોર્ગેજ આપતી કંપનીઓએ મોર્ગેજ રેટમાં ઘટાડો શરૂ કરી દીધો છે. એચએસબીસી મોર્ગેજ રેટમાં ઘટાડો કરનારી સૌપ્રથમ મોટી બેન્ક રહી છે. બેન્કે જણાવ્યું હતું કે, તેની તમામ 16 મોર્ગેજ ડીલના રેટમાં બુધવારથી ઘટાડો અમલી બનશે. એચએસબીસીએ સપ્તાહના પ્રારંભે 0.35 પોઇન્ટ સુધીનો ઘટાડો જાહેર કર્યો હતો. એચએસબીસીની સાથે બ્રિટનના 3 સૌથી મોટા મોર્ગેજ લેન્ડરે પણ રેટમાં ઘટાડાની જાહેરાત કરી છે. નેશનવાઇડે જણાવ્યું હતું કે, તેના ફિક્સ્ડ મોર્ગેજ રેટમાં શુક્રવારથી 0.35 ટકાનો ઘટાડો થશે. ટીએસબીએ શુક્રવારથી અમલી બને તે રીતે બે વર્ષના પરચેઝ અને રિમોર્ગેજમાં 0.55 પોઇન્ટનો ઘટાડો કર્યો છે. બાર્કલેએ ગુરુવારે મોર્ગેજ રેટમાં 0.15 પોઇન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
કોવેન્ટ્રી બિલ્ડિંગ સોસાયટી અને સ્કિપટન બિલ્ડિંગ સોસાયટીએ પણ રેટમાં ઘટાડાની જાહેરાત કરી હતી. ડેટા ફર્મ મનીફેક્ટ્સના જણાવ્યા અનુસાર બે વર્ષના ફિક્સ્ડ મોર્ગેજના દર 6.86 ટકાથી ઘટીને 6.83 ટકા પર આવી ગયાં છે. પાંચ વર્ષની મોર્ગેજ ડીલ્સના વ્યાજદર 6.36 ટકાથી ઘટીને 6.34 ટકા જ્યારે બે વર્ષના બાય-ટુ-લેટ દરો 6.97 ટકાથી ઘટીને 6.94 ટકા પર આવી ગયાં છે.
માર્કેટ હવે 5.75થી 6.0 ટકા વચ્ચેના ટોચના બેન્ક રેટ વચ્ચે મોર્ગેજ રેટ નક્કી કરી રહ્યું છે જે અગાઉની 6.75 ટકાની ધારણાથી ઘણા નીચા રહ્યાં છે.
ખાદ્યાન્ન ફુગાવો 2023ની સૌથી નીચી સપાટી પર, શોપ પ્રાઇસિસમાં કડાકો
બ્રિટિશ રિટેલ કોન્સોર્ટિયમ અને નિલસેનઆઇક્યુ રિટેલ એનાલિસ્ટના જણાવ્યા અનુસાર જુલાઇમાં ખાદ્યાન્ન ફુગાવો જૂન મહિનાના 14.6 ટકાની સરખામણીએ ઘટીને 13.4 ટકા પર આવી ગયો હતો જે આ વર્ષની સૌથી નીચી સપાટી છે. વિવિધ પ્રકારના તેલ, માછલી અને બ્રેકફાસ્ટ સિરિયલની કિંમતોમાં ઘટાડો નોંધાતા ખાદ્યાન્ન ફુગાવામાં ઘટાડો થયો છે. જોકે ગયા વર્ષની સરખામણીમાં આ જુલાઇમાં ખાદ્યાન્ન ફુગાવો હજુ 7.6 ટકા વધુ છે. યુકેના સૌથી મોટા રિટેલરોએ પણ બે વર્ષમાં પહેલીવાર શોપ પ્રાઇસિસમાં માસિક ઘટાડો થયો હોવાનું સ્વીકાર્યું છે. જુલાઇમાં શોપ પ્રાઇસિસમાં 0.1 ટકાનો ઘટાડો નોંધાયો હતો. સ્ટોર્સ હવે ગ્રાહકોને આકર્ષવા માટે મોટા ડિસ્કાઉન્ટની ઓફર કરી રહ્યાં છે.
યુકેમાં મકાનોની કિંમતમાં સૌથી ઝડપી દરે ઘટાડો
યુકેમાં મકાનોની કિંમત છેલ્લા 14 વર્ષમાં પહેલીવાર ઝડપથી ઘટી રહી છે. ઊંચા મોર્ગેજ દરોના કારણે લોકો હવે સંપત્તિની ખરીદીમાં સક્ષમ રહ્યાં નથી. જુલાઇ 2009 પછી મકાનોની કિંમતમાં દર વર્ષે 3.8 ટકાનો ઘટાડો નોંધાયો છે. જૂન 2023માં મકાનની કિંમતોમાં 3.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.


