યુકેના અર્થતંત્રને પુનઃપાટા પર લાવવાની ક્ષમતા વડાપ્રધાન સુનાકમાં છેઃ ગોપીચંદ હિન્દુજા

યુકે માટે સૌથી વધુ લાભકારક ભારત સાથેનો વેપાર કરાર રહેશેઃ હિન્દુજા ગ્રુપના વડા

Tuesday 01st August 2023 12:28 EDT
 
 

લંડનઃ બ્રિટનના સૌથી અમીર ગોપીચંદ હિન્દુજાએ બ્રેક્ઝિટની આકરી નિંદા કરી છે પરંતુ તેમનું માનવું છે કે દેશના ખાડે ગયેલા અર્થતંત્રને પુનઃ પાટા પર લાવવાની ક્ષમતા વડાપ્રધાન રિશી સુનાકમાં છે. હિન્દુજા ગ્રુપના ચેરમેને જણાવ્યું હતું કે, નવી વેપાર ભાગીદારીઓ કકરવાના યુકેના પ્રયાસો દેશના અર્થતંત્રને જરૂરી વેગ આપશે અને બ્રિટનને મૂડીરોકાણ માટેનું શ્રેષ્ઠ સ્થળ બનાવશે. બ્રેક્ઝિટ માટે લેવાયેલાં પગલાં બ્રિટન માટે સારા નીવડ્યાં નથી. તેને સુધારવા માટે હવે તેઓ આ 11 દેશો પાસે પાછા ગયાં છે જેની મદદ અર્થતંત્રને સુધારવામાં મળી રહેશે.

તાજેતરમાં કરાયેલા ટ્રાન્સ પેસિફિક કરારનો ઉલ્લેખ કરતાં હિન્દુજાએ જણાવ્યું હતું કે, આમાંની કોઇ વેપાર ભાગીદારી યુકે માટે એટલી મૂલ્યવાન નહીં નીવડે જેટલો મૂલ્યવાન ભારત સાથેનો પ્રસ્તાવિત વેપાર કરાર નીવડશે. યુકે સૌથી વધુ મદદ ભારત પાસેથી જ મેળવી શકે છે કારણ કે હાલમાં ભારતીય અર્થતંત્ર વિશ્વનું પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે અને 2027 સુધીમાં વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મોટી આર્થિક શક્તિ બની રહેશે. હું મારા અનુભવના આધારે આ કહી શકું છું.

ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરાર પરની 11મા રાઉન્ડની મંત્રણા હજુ ગયા સપ્તાહમાં જ પૂરી થઇ છે. હિન્દુજા આ મંત્રણાઓમાં સામેલ નથી પરંતુ તેમણે જણાવ્યું હતું કે, બ્યુરોક્રેસી સૌથી મોટી સમસ્યા છે તેમ છતાં ભારત સાથેના કરારથી યુકેને લાંબાગાળાના લાભ થશે.

2060 સુધીમાં ભારત વિશ્વની સૌથી મોટી આર્થિક મહાસત્તા બનશેઃ લોર્ડ બિલિમોરિયા

બ્રિટિશ સાંસદ લોર્ડ કરણ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, 2060 સુધીમાં ભારત વિશ્વની સૌથી મોટી આર્થિક મહાસત્તા બની જશે. ભારત યુકેને પાછળ પાડીને પાંચમી સૌથી મોટી આર્થિક શક્તિ બની ગયો છે. આજે સમગ્ર વિશ્વ ભારત તરફ મીટ માંડીને બેઠું છે. તે ટૂંકસમયમાં વિશ્વની 3 મહાસત્તા પૈકીનો એક બની જશે. 25 વર્ષમાં ભારતનો જીડીપી 32 ટ્રિલિયન ડોલરને પાર કરી જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter