લંડનઃ યુકેના માર્ગારેટ હેલન શેફર્ડને વર્ષ 2023 માટેના એસ્ટર ગાર્ડિયન ગ્લોબલ એવોર્ડથી સન્માનિત કરાયા છે. એસ્ટર ડીએમ હેલ્થકેરના ફાઉન્ડર ચેરમેન અને મેનેજિંગ એડિટર ડો. આઝાદ મુપેને આ એવોર્ડની જાહેરાત કરી હતી અને યુકે સરકારના ડેપ્યુટી ચીફ પબ્લિક હેલ્થ નર્સ પ્રોફેસર જેમી વોટરવોલે માર્ગારેટને આ એવોર્ડથી સન્માનિત કર્યાં હતાં. આ પ્રસંગે રોયલ કોલેજ ઓફ નર્સિંગના પ્રમુખ શીલા સોબરેની, એસ્ટર ડીએમહેલ્થકેરના ડેપ્યુટી મેનેજિંગ એડિટર એલિશા મુપેન પણ હાજર હતાં. આ પ્રસંગે વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસ દ્વારા એક વીડિયો સંદેશ પાઠવાયો હતો. આ પ્રસંગે શેફર્ડે જણાવ્યું હતું કે, આ પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત કરીને હું ગૌરવ અનુભવી રહી છું. આરોગ્ય કર્મચારી તરીકે આપણને આપણા દર્દીઓના જીવનો પર હકારાત્મક અસરો ઊભી કરવાનો વિશેષાધિકાર પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ ન કેવળ મારી વ્યક્તિગત સિદ્ધી પરંતુ આરોગ્ય સેક્ટરમાં નર્સિંગ અત્યંત મહત્વનો હિસ્સો હોવાનું પ્રસ્થાપિત કરે છે. આ એવોર્ડના ફાઇનલ રાઉન્ડમાં ભારતની બે નર્સોને પણ નોમિનેટ કરાઇ હતી. આંદામાન-નિકોબાર ટાપુઓમાં આદિવાસીઓ મધ્યે કામ કરતા શાંતિ ટેરેસા લાકરા અને કેરળમાં જન્મેલઅને હાલ આયર્લેન્ડમાં નર્સ તરીકે ફરજ બજવતા જિન્સી જેરીનો તેમાં સમાવેશ થતો હતો.


