લંડનઃ યુકેમાં અભ્યાસ કર્યા બાદ ફુલ ટાઇમ હાઇ સ્કીલ્ડ જોબ મેળવવામાં ભારતીય વિદ્યાર્થીઓ સંઘર્ષ કરી રહ્યાં છે. યુકેમાંથી 2019માં માસ્ટર્સ ડિગ્રી હાંસલ કરનાર એક વિદ્યાર્થિની નામ નહીં આપવાની શરતે કહે છે કે મેં અંગ્રેજી લિટરેચરમાં માસ્ટર્સ ડિગ્રી હાંસલ કરી છે પરંતુ મને નોકરી મળી રહી નથી. તેના જેવા તો ઘણા વિદ્યાર્થી છે જેમને ડિગ્રી મળ્યા બાદ નોકરી ન મળતાં ભારત પરત ફરવું પડ્યું છે. માસ્ટર્સ ડિગ્રી માટે 10,000 પાઉન્ડ કરતાં વધુ રકમ ખર્ચ્યા બાદ પણ આ હાલ છે.
ઓફિસ ફોર સ્ટુડન્ટ્સના આંકડા અનુસાર યુકેમાં દર 10 ભારતીય સ્નાતકમાંથી 3ને હાઇ સ્કીલ્ડ જોબ મેળવવામાં ફાંફાં પડી જાય છે. યુકે સરકારે પણ નિર્દેશ આપી દીધાં છે કે નોકરી ન અપાવી શકે તેવા અભ્યાસક્રમો પર લગામ કસવામાં આવે.
સ્ટુડન્ટ્સ સર્કલના ડિરેક્ટર તૃપ્તિ ત્રિપાઠી કહે છે કે યુકેમાં અભ્યાસ પૂરો કર્યા પછી તરત નોકરી મળી જશે તેવા સ્વપ્ન ભારતીય વિદ્યાર્થીઓને બતાવવામાં આવે છે પરંતુ આવી સ્થિતિ નથી. દ મોન્ટફોર્ટ યુનિવર્સિટીમંથી એમએસસી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરનાર શ્રેય ઉપાધ્યાય કહે છે કે યુકે સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપતો દેશ હોવા છતાં મને નોકરી મળી રહી નથી. યુનિવર્સિટી ઓફ આર્ટ્સ લંડન ખાતેથી ફેશન મીડિયા પ્રોડક્શનમાં એમએ કરનાર સિદ્ધી ડોલાસ કહે છે કે મેં 200 જગ્યાએ નોકરી માટે અરજી કરી હતી પરંતુ મને હજુ સકારાત્મક જવાબ મળ્યો નથી.
જયપુરના અક્ષત વશિષ્ઠને 500 કંપનીમાં અરજી કર્યા પછી માંડ બે જગ્યાએથી જવાબ મળ્યો હતો. તેને માંડ માંડ ઇન્વેસ્કો કંપનીમાં નોકરી મળી છે. સિદ્ધી કહે છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને નોકરી આપવામાં દસ્તાવેજી જટિલતાના કારણે કંપનીઓ તેમને નોકરી આપતાં ખચકાય છે.


