લંડનઃ એક બ્રિટિશ અખબા દ્વારા કરાયેલા અંડર કવર ઇન્વેસ્ટિગેશનમાં ચોંકાવનારી બાબત સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે, યુકેમાં નકલી રાજ્યાશ્રયના દાવાઓ માટે સંખ્યાબંધ વકીલો ગેરકાયદેસર આવેલા ભારતીયોને પોતે ખાલિસ્તાની હોવાનો ડોળ કરવાની સલાહ આપી રહ્યાં છે. બ્રિટિશ અખબાર ડેઇલી મેઇલના અંડરકવર રિપોર્ટર દ્વારા આ સ્ટિંગ ઓપરેશન કરાયું છે. આ રિપોર્ટર યુકેમાં ઇંગ્લિશ ચેનલ પાર કરીને ગેરકાયદેસર રીતે આવેલા ભારતીય નાગરિક તરીકે વકીલોને મળ્યો હતો.
રિપોર્ટરને યુકેમાં રાજ્યાશ્રય મેળવવા માટે એમ કહેવા જણાવવામાં આવ્યું હતું કે, સરકાર વિરોધી રાજકીય જોડાણો હોવાના કારણે ભારતમાં તેના જીવને જોખમ છે અથવા તો અન્ય જાતિની વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે અથવા તો સજાતીય સંબંધો હોવાના કારણે જીવને જોખમ છે. રિપોર્ટરને પોતે પંજાબનો ખેડૂત હોવા અને તે હાલ યુકેમાં તે તેના કોઇ સગા સાથે રહેતો હોવાનો અને તે ખાલિસ્તાનનો સમર્થક હોવાનો ડોળ કરવાની પણ સલાહ અપાઇ હતી.
એક વકીલે રિપોર્ટર પાસેથી 5500 પાઉન્ડની ફી વસૂલી સલાહ આપી હતી કે તે રાજ્યાશ્રય માટે એમ જણાવે કે તેણે તાજેતરમાં ભારતમાં થયેલા ખેડૂત આંદોલનમાં હિસ્સો લીધો હતો. કોઇ વ્યક્તિએ તેને ખાલિસ્તાની અલગતાવાદી અમરિતપાલસિંહ સાથે જોડાવા આમંત્રણ આપ્યું હતું અને હવે તેને ભારતની સિક્યુરિટી એજન્સીઓ તરફથી જોખમ રહેલું છે.
બીજા એક વકીલે રિપોર્ટર પાસેથી 10,000 પાઉન્ડની ફી વસૂલીને તેને જણાવ્યું હતું કે, તે ખાલિસ્તાનનો ઉગ્ર સમર્થક હોવાનો દાવો કરે પછી ભલે તેને ખાલિસ્તાન સાથે કોઇ લેવાદેવા ન હોય. આ રીતે રાજ્યાશ્રયનો કેસ જીતી શકાશે. રાજ્યાશ્રય માટેના બનાવટી દાવાઓ માટે હાલ સત્તાવાળાઓ દ્વારા યુકેની 40 કાયદા કંપનીઓની સામે તપાસ ચાલી રહી છે.
વકીલો અને ક્રિમિનલ ગેંગ સિસ્ટમનો ગેરલાભ ઉઠાવી રહ્યાં છેઃ રિશી સુનાક
વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, લેબર પાર્ટી, કેટલાંક વકીલ અને ક્રિમિનલ ગેંગ સિક્કાની એક જ બાજુ પર છે. તેઓ સિસ્ટમનો દુરુપયોગ કરી યુકેમાં ગેરકાયદેસર રીતે આવતા લોકો પાસેથી નફો રળી રહ્યાં છે.
એસઆરએ દ્વારા 3 સોલિસિટર કંપનીને તાળા મારી દેવાયાં
સ્ટિંગ ઓપરેશન પર પ્રત્યાઘાત આપતા સોલિસિટર્સ રેગ્યુલેશન ઓથોરિટી (એસઆરએ)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, દરેક સોલિસિટરે પ્રજા આપણી પાસે ઇચ્છે છે તેવા વ્યવસાયના ઉચ્ચ ધોરણો જાળવી રાખવા જોઇએ. ઇમિગ્રેશન જેવા સેક્ટરમાં મૂલ્યો ઊંચા જ રહેવા જોઇએ કારણ કે તેની સાથે સંકળાયેલ વ્યક્તિ સમાજનો સૌથી નબળો વ્યક્તિ હોઇ શકે. લો સોસાયટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ખોટું થયાના પુરાવા હોય તો રેગ્યુલેટરે તપાસ કરીને યોગ્ય પગલાં લેવાં જોઇએ. આ મામલાની તપાસ કર્યા બાદ એસઆરએ દ્વારા 31મી જુલાઇએ ઇમિગ્રેશન કંપનીઓ સાઉથ વિમ્બલ્ડનમાં આવેલી રાશિદ એન્ડ રાશિદ, બર્મિંગહામમાં આવેલી કિંગ્સરાઇટ સોલિસિટર્સ અને હૌન્સલોમાં આવેલી લિંકન લોરેન્સને તાળા લગાવી દેવામાં આવ્યાં હતાં.


