લંડનઃ ગુજરાતના નવસારી જિલ્લામાં એક જૂના મકાનને તોડી નાખવા દરમિયાન ત્યાં કામ કરતા મધ્યપ્રદેશના મજૂરોને બ્રિટિશ યુગના 240 સોનાના સિક્કા મળ્યા હતા. રૂપિયા 3થી 4 લાખ પ્રતિ સિક્કાની કિંમત ધરાવતા આ સિક્કા તેઓ મધ્યપ્રદેશ લઇ ગયા હતા પરંતુ ત્યાં ચાર પોલીસ કર્મચારી દ્વારા આ સિક્કા ચોરી લેવાયા હતા. સિક્કા ચોરી લેનારા આ તમામ પોલીસ કર્મચારી ગાયબ થઇ ગયાં છે. મધ્યપ્રદેશની પોલીસે હવે આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે.
મધ્યપ્રદેશના અલિરાજપુર જિલ્લાની શ્રમિક રમકુબાઇએ આ સંદર્ભમાં નોંધાવેલી ફરિયાદ અંગે જણાવ્યું હતું કે, હું અને મારો પરિવાર ગુજરાતના નવસારી જિલ્લાના બિલિમોરા ખાતેની બજાર મસ્જિદની સામે આવેલા લંડનમાં રહેતા ઇમ્તિયાઝ બલિયા અને શબ્બીર બલિયાના મકાનને તોડવાનું કામ કરતાં હતાં. તે સમયે અમને આ સિક્કા મળી આવ્યાં હતાં. રમકુબાઇ કહે છે કે તે 240 સોનાના સિક્કા મધ્યપ્રદેશના અલિરાજપુર જિલ્લાના તેના ગામ બાજડા લઇ ગઇ હતી અને ઘરમાં દાટી દીધાં હતાં. રમકુબાઇ પાસે એક સિક્કો બચી ગયો હતો જે તેણે પોલીસ મથકમાં રજૂ કર્યો હતો.
આ સિક્કો બ્રિટિશ મિન્ટ દ્વારા 1922માં બહાર પડાયો હતો. તેનું વજન 7.08 ગ્રામ છે અને તેના પર કિંગ જ્યોર્જ છઠ્ઠાની તસવીર અંકિત કરેલી છે. આ સિક્કો 90 ટકા સોનાનો બનેલો છે. સરકાર દ્વારા રચાયેલી સીટનું માનવું છે કે ચોરાઇ ગયેલા અન્ય સિક્કા પણ આજ કેટેગરીના હશે.
લંડનમાં વસવાટ કરતા ઇમ્તિયાઝ બલિયાએ તેમનું પૌરાણિક મકાન તોડવાનું કામ એક કોન્ટ્રાક્ટરને આપ્યું હતું જેણે રમકુબાઇ અને તેના પરિવારના સભ્યોને કામ પર રાખ્યા હતા.
રમકુબાઇ કહે છે કે અમારા ઘરમાં સોનાના સિક્કા દાટેલા છે તેવી માહિતી યેનકેન પ્રકારે એક પોલીસ કર્મચારીને પહોંચી હતી. 19 જુલાઇની સવારે સોંડવા પોલીસ મથકના સ્ટેશન હાઉસ ઓફિસર વિજય દેવડા અને તેમના કોન્સ્ટેબલ રાકેશ, વિરેન્દ્ર અને સુરેન્દ્ર સાદા વસ્ત્ર અને પ્રાઇવેટ વાહનમાં રમકુબાઇના ઘેર પહોંચ્યા હતા અને તેમની સાથે મારઝૂડ અને ધાકધમકીથી સોનાના સિક્કા પડાવી લીધાં હતાં.
હાલ આ ચારેય પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયાં છે. તેમની સામે 20મી જુલાઇના રોજ આઇપીસીની ધારા 379 અંતર્ગત એફઆઇઆર નોંધવામાં આવી હતી.
એસઆઇટીના વડા એસ એસ સેંગરે જણાવ્યું હતું કે, અમે બે ટીમ બનાવી છે જેમાંથી એક ટીમ રમકુબાઇ અને તેના પરિવાર સાથે ગુજરાતના નવસારી જિલ્લાના બિલિમોરા ખાતે તપાસ માટે રવાના કરાઇ છે જ્યારે બીજી ટીમ સોનાના સિક્કા સાથે ફરાર થઇ ગયેલા પોલીસ કર્મચારીઓને શોધી રહી છે. એસઆઇટી ગુજરાત પોલીસ અને રેવન્યૂ ડિપાર્ટમેન્ટ પાસેથી સોનાના સિક્કા અંગે કોઇ ફરિયાદ મળી છે કે કેમ તે અંગે માહિતી માગી રહી છે.
મધ્યપ્રદેશના અલિરાજપુરના ધારાસભ્ય અને ભાજપના ઉપાધ્યક્ષ નાગરસિંહ ચૌહાણે સોંડવા પોલીસ મથકની મુલાકાત લઇ આરોપી પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી અને સોનાના સિક્કા પરત મેળવવાની માગ કરી હતી. જોકે આરોપી પોલીસ અધિકારી વિજય દેવડા અને કોન્સ્ટેબલ વિરેન્દ્રએ સોશિયલ મીંડિયા પર વીડિયો જારી કરી તેમના પર મૂકાયેલા આરોપો નકારી કાઢી જિલ્લા બહારના પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરાવવાની માગ કરી હતી.
લંડનમાં રહેતા ઇમ્તિયાઝ બલિયા અને શબ્બીર બલિયા બિલિમોરામાં સંયુક્ત પ્રોપર્ટી ધરાવે છે. ઇમ્તિયાઝ બલિયાએ તેમના મકાનનું રિનોવેશન કરાવવા કામ આપ્યા બાદ આ ખજાનો મળી આવ્યો હોવાનો દાવો કરાય છે.


