લંડનમાં ઉલેઝ વિસ્તરણ પર હાઇકોર્ટની મહોર

બૃહદ લંડનના વિસ્તારોમાં 29 ઓગસ્ટથી પ્રદૂષણ ફેલાવતા વાહનો પાસેથી પ્રતિ દિવસ 12.50 પાઉન્ડની વસૂલાત કરવાના મેયર સાદિક ખાનના નિર્ણયને હાઇકોર્ટે કાયદેસર ઠરાવ્યો

Tuesday 01st August 2023 12:24 EDT
 
 

લંડનઃ લંડનના મેયર સાદિક ખાનને રાહત આપતા મોટા ચુકાદામાં હાઇકોર્ટે સમગ્ર લંડનમાં અલ્ટ્રા લો એમિશન ઝોન (ઉલેઝ)ના વિસ્તરણને કાયદેસર ગણાવ્યું છે. લંડનના લેબર મેયર સાદિક ખાને 29 ઓગસ્ટથી જૂના અને પ્રદૂષણ ફેલાવતા વાહનો પાસેથી પ્રતિ દિવસ 12.50 પાઉન્ડનો ઉલેઝ ચાર્જ વસૂલવાની જાહેરાત કરી હતી. તેમના આ પગલાને કન્ઝર્વેટિવ શાસિત પાંચ કાઉન્સિલ દ્વારા અદાલતમાં પડકાર અપાયો હતો. હાઇકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે ઉલેઝ વિસ્તરણ અંગેનો નિર્ણય મેયરના અધિકારક્ષેત્રમાં આવે છે.

હાઇકોર્ટના ચુકાદાને આવકારતા સાદિક ખાને જણાવ્યું હતું કે, આ સીમાસ્થંભરૂપ ચુકાદો સારા સમાચાર છે. આ ચુકાદાનો અર્થ એ છે કે આપણે બૃહદ લંડનમાં હવા શુદ્ધ કરવાની દિશામાં આગળ વધી શકીએ છીએ. મિસ્ટર જસ્ટિસ સ્વિફ્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, મેયર દ્વારા જાહેર કરાયેલા નિર્ણયનો મેં કાળજીપુર્વક અભ્યાસ કર્યો છે. તે માટે અપાયેલી માહિતીથી હું સંતુષ્ટ છું. વ્હિકલ સ્ક્રેપેજ પ્રોગ્રામના ખર્ચને પહોંચી વળવાની ગ્રાન્ટ પર નિર્ણય લેતા સમયે મેયરે યોગ્ય જોગવાઇ કરવાનું ઉચિત સમજ્યું છે તેથી તેમનો આ નિર્ણય કાયદેસર છે.

હાલમાં ઉલેઝના દાયરામાં લંડનના નોર્થ અને સાઉથ સરક્યુલર્સ આવે છે પરંતુ આ ચુકાદા બાદગ ઓગસ્ટના અંતથી તે સમગ્ર ગ્રેટર લંડનમાં લાગુ થઇ જશે. ઉલેઝના વિસ્તરણ સામે પોતાની લેબર પાર્ટીમાંથી પણ વિરોધનો સામનો કરી રહેલા મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે, ઉલેઝના વિસ્તરણનો નિર્ણય અત્યંત મુશ્કેલ રહ્યો છે. મેં સતત લંડનવાસીઓની ચિંતાઓ પર ધ્યાન આપવાનો પ્રયાસ કર્યો છે. હાઇકોર્ટનો ચુકાદો લંડનની હવા શુદ્ધ કરવાના મહત્વના લક્ષ્યાંકમાં આગળ વધવાની આપણને પરવાનગી આપે છે.

હવે ઉલેઝ વિસ્તરણ ક્યાં સુધી કરાશે

ચિંગફોર્ડ – સ્ટેનમોર – અક્સબ્રિજ – હિથ્રો – સર્બીટોન – ઓર્પિંગ્ટોન – અપમિન્સ્ટર – હેરો – હિલિંગ્ડન – બેક્સલી – બ્રોમલી - સરે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter