લંડનઃ યુકેની ટોચની યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓ માટેની બેઠકોમાં વધારો કરી દેવાતાં ઘરઆંગણાના મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રહેવું પડશે તેવી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. 2015થી રસેલ ગ્રુપની યુનિવર્સિટીઓએ ઘર આંગણાના વિદ્યાર્થીઓ માટેની બેઠકો કરતાં તગડી ફી ચૂકવતા વિદેશી વિદ્યાર્થીઓ માટેની બેઠકોમાં ઝડપી વધારો કર્યો છે. વિદેશી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીઓને પ્રતિ વર્ષ 40,000 પાઉન્ડ જેટલી ફી ચૂકવે છે જેના કારણે યુનિવર્સિટીઓને પોતાના બજેટ જાળવવામાં મદદ મળે છે. રસેલ ગ્રુપની કેટલીક યુનિવર્સિટીઓમાં તો ઘરેલુ વિદ્યાર્થીઓ કરતાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ચાર ગણી વધી છે.
ઓક્સફર્ડ અને સાઉધમ્પ્ટન યુનિવર્સિટીમાં 2015થી 2022 વચ્ચે ઘરેલુ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે જ્યારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઇ છે. ગયા વર્ષે ઇંગ્લેન્ડ ખાતેની રસેલ ગ્રુપની યુનિવર્સિટીઓમાં 25 ટકા બેઠકો વિદેશી વિદ્યાર્થીઓને ફાળે ગઇ હતી જે 2012થી 2017 વચ્ચે 16 ટકા હતી. યુનિવર્સિટી કોલેજ લંડન અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ખાતે 50 ટકા કરતાં વધુ અંડરગ્રેજ્યુએટ એડમિશન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના થાય છે.
નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે મધ્યમવર્ગીય ઘરેલુ વિદ્યાર્થીઓને સૌથી મોટું નુકસાન થઇ રહ્યું છે. યુનિવર્સિટીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે ઘરેલુ વિદ્યાર્થીઓની બેઠકોમાં ઘટાડો કરી રહી છે.
યુનિવર્સિટીઓને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ વધુ કમાણી કરી આપે છે
વર્ષ 2017થી સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની ફીની મર્યાદા 9250 પાઉન્ડ નક્કી થયેલી છે પરંતુ મોંઘવારીના કારણે આ રકમનું વાસ્તવિક મૂલ્ય 6000 પાઉન્ડ થઇ ગયું છે. વર્ષ 2010માં ફીની મર્યાદા 6000 પાઉન્ડ હતી. યુનિવર્સિટીઓની દલીલ છે કે એક સરેરાશ વિદ્યાર્થીના અભ્યાસના ખર્ચને પહોંચી વળવા માટે આ ફીની રકમ ઘણી ઓછી છે. સંખ્યાબંધ યુનિવર્સિટીઓ તેમને જતી ખોટ ભરપાઇ કરવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા વધારી રહી છે. યુકેમાં 18 વર્ષની વયના યુવાનોની સંખ્યા દર વર્ષે વધી રહી છે જેના કારણે યુનિવર્સિટીઓ સરકાર હસ્તક્ષેપ ન કરે ત્યાં સુધી વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને પહોંચી વળવાની સ્થિતિમાં નથી.
કઇ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓમાં કેટલો વધારો
યુનિવર્સિટી ઓફ ગ્લાસગો – 137 ટકા
ક્વીન્સ યુનિવર્સિટી, બેલફાસ્ટ – 105 ટકા
યુનિવર્સિટી કોલેજ લંડન – 90 ટકા
યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલ – 83 ટકા
યુનિવર્સિટી ઓફ લીડ્સ – 80 ટકા
યુનિવર્સિટી ઓફ એડિનબરો – 79 ટકા
ક્વીન મેરી યુનિવર્સિટી લંડન – 70 ટકા
યુનિવર્સિટી ઓફ યોર્ક – 60 ટકા
યુનિવર્સિટી ઓફ એક્સેટર – 56 ટકા


