શહેરોમાં 10 લાખ નવા મકાનનું નિર્માણ થશેઃ સુનાક

શહેરોની મધ્યમાં નવા મકાનોના નિર્માણ માટે પ્લાનિંગ નિયમોમાં મોટી છૂટછાટ અપાશેઃ માઇકલ ગોવ, અમે ગ્રામીણ વિસ્તારોમાં કોંક્રિટના જંગલ ઊભા કરવા માગતા નથી, લોકોને જરૂર હોય ત્યાં મકાન બનવાં જોઇએઃ વડાપ્રધાન

Tuesday 25th July 2023 12:17 EDT
 
 

લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, ગ્રામીણ પ્રદેશોમાં કોંક્રિટના જંગલ ઊભા કરવાને સ્થાને બ્રિટનના મોટા શહેરોમાં નવા મકાનો બનાવવામાં આવશે. 2024ની સંસદની ચૂંટણી પહેલાં 10 લાખ નવા મકાન તૈયાર કરવાની સરકારની યોજના છે. બ્રિટનના લેવલિંગ અપ સેક્રેટરી માઇકલ ગોવે જણાવ્યું હતું કે, હું મોટા શહેરોમાં ખાલી પડેલી રેન્ટલ સંપત્તિઓને ફ્લેટ અને મકાનોમાં તબદિલ કરવા માગુ છું. વડાપ્રધાને જણાવ્યું હતું કે, આગામી ચૂંટણી પહેલાં 1 મિલિયન મકાનો તૈયાર કરવા મારી પાર્ટી પ્રતિબદ્ધ છે. માઇકલ ગોવે જણાવ્યું હતું કે, શહેરોની મધ્યમાં નવા મકાનો તૈયાર કરવા માટે પ્લાનિંગના નિયમોમાં વધુ છૂટછાટ અપાશે.

વડાપ્રધાન સુનાકે જણાવ્યું હતું કે, મારી સરકાર ગ્રામીણ પ્રદેશોમાં કોંક્રિટના જંગલ તૈયાર કરવા માગતી નથી. સ્થાનિક સપોર્ટ હોય અને સૌથી વધુ જરૂરીયાત હોય તેવા વિસ્તારોમાં યોગ્ય મકાનો તૈયાર કરવાની અમારી યોજના છે. અમે બ્રિટનના મોટા શહેરોની મધ્યમાં નવા મકાનો તૈયાર કરવા માગીએ છીએ. માઇકલ ગોવે જણાવ્યું હતું કે, સરકાર શહેરોના હાર્દસમાન વિસ્તારોમાં સૌથી વધુ પ્રયાસ હાથ ધરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અમે ગ્રામીણ જમીનો ગળી જવાના બદલે શહેરોમાં રિજનરેશનને પ્રોત્સાહન આપવા શક્ય તમામ પ્રયાસ કરીશું. અમે દુકાનો, ટેકઅવે અને બેટિંગશોપ્સને પણ મકાનોમાં તબદિલ કરવા ઇચ્છીએ છીએ.

સુનાકે જણાવ્યું હતું કે, કન્ઝર્વેટિવ રક્ષણાત્મક પ્રકારના નથી. આપણે લોકોને જ્યાં જરૂર છે ત્યાં મકાનો બનાવવા જોઇએ. કનમ્ઝર્વેટિવ્ઝે બેવડાં ધોરણો અપનાવવા જોઇએ નહીં. આ ગ્રામીણ વિસ્તારોના અનિયંત્રિત વિકાસની વાત નથી. મકાનો યોગ્ય સ્થાને બનવા જોઇએ. લોકોને જરૂર હોય અને ઇચ્છે ત્યાં મકાન બનવા જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter