લંડનઃ ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સમાં કોવેન્ટ્રીના નવા લોર્ડ મેયર નિયુક્ત થઇને ભારતીય મૂળના શીખ કાઉન્સિલર જસવંતસિંહ બિરડીએ ઇતિહાસ રચ્યો છે. ભારતના પંજાબમાં જન્મેલા લોર્ડ મેયર જસવંતસિંહ બિરડી સિટી કાઉન્સિલના ચેરમેન અને કોવેન્ટ્રીના ફર્સ્ટ સિટિઝન તરીકે કામગીરી કરશે. તેઓ શહેરના બિન રાજકીય વડા રહેશે.
તેમણે જણાવ્યું હતું કે, લોર્ડ મેયર તરીકેની મારી નિયુક્તિથી હું ગૌરવ અનુભવી રહ્યો છું. આ શહેરે મને અને મારા પરિવારને ઘણું આપ્યું છે. આ શહેર પ્રત્યેના મારા પ્રેમ અને અહીં વસવાટ કરતા અદ્દભૂત લોકોને પ્રદર્શિત કરવાનું સન્માન મને પ્રાપ્ત થયું છે. કોવેન્ટ્રી કેથેડ્રલ ચર્ચ ખાતે આયોજિત સમારોહમાં બિરડીને સત્તાવાર રીતે મેયર જાહેર કરાયા હતા.


