લંડનઃ ભારતનું ટોચનું ઔદ્યોગિક જૂથ અને જેગુઆર લેન્ડ રોવરની માલિકી ધરાવતું ટાટા ગ્રુપ યુકેમાં તેની ઇલેક્ટ્રિક કાર બેટરીની ફેક્ટરી સ્થાપવાની યોજના બનાવી રહી છે. સમરસેટમાં સ્થપાનારા આ પ્લાન્ટના કારણે યુકેમાં 4000 નોકરીનું સર્જન થશે અને સપ્લાય ચેઇનમાં હજારો નોકરી ઊભી થશે. ટાટા જૂથે જણાવ્યું હતું કે, અમે સમરસેટ ખાતેના પ્લાન્ટમાં 4 બિલિયન પાઉન્ડનું રોકાણ કરીશું. તેની સાથે યુકે સરકાર દ્વારા પણ સેંકડો મિલિયન પાઉન્ડની સબસિડી કંપનીને અપાશે. 1980ના દાયકામાં જાપાનની નિશાન કંપનીના યુકેમાં આગમન બાદ ટાટાના આ પ્લાન્ટને યુકેમાં સૌથી મહત્વનું મૂડીરોકાણ માનવામાં આવે છે.
ટાટા દ્વારા સ્થપાનારી નવી ગિગાફેક્ટરી યુરોપની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક રહેશે અને રેન્જ રોવર અને જેગુઆર લેન્ડ રોવરના અન્ય મોડેલ માટે બેટરીનું ઉત્પાદન કરશે. આ પ્લાન્ટ દ્વારા અન્ય કાર ઉત્પાદકોને પણ કાર બેટરી સપ્લાય કરવાની ટાટા જૂથની યોજના છે. સમરસેટ ખાતેના પ્લાન્ટમાં વર્ષ 2026થી બેટરીનું ઉત્પાદન શરૂ કરાય તેવી સંભાવના છે.
ટાટાના આ પ્લાન્ટને યુકે સરકારની સહાય માટે મહિનાઓ સુધી મંત્રણાઓ ચાલી હતી. કંપની આ બેટરી પ્લાન્ટ સ્પેનમાં લગાવવાની પણ વિચારણા કરી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ટાટાના આ પ્લાન્ટ માટે યુકે સરકાર દ્વારા 500 મિલિયન પાઉન્ડની સબસિડી આપવામાં આવી છે. ટાટાને કેશ ગ્રાન્ટ, કોસ્ટ ઓફ એનર્જીમાં ડિસ્કાઉન્ટ, ટ્રેનિંગ અને રિસર્ચ ફંડિંગના સ્વરૂપે આ સબસિડી આપવામાં આવશે.
વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, ઝીરો એમિશન વ્હિકલ્સનું ગ્લોબલ ટ્રાન્ઝિશન ચાલી રહ્યું છે તેવા સમયે ટાટાના આ પ્લાન્ટ દ્વારા યુકેના અર્થતંત્રને મદદ મળશે. આ પ્લાન્ટની સ્થાપનાથી 4000 નોકરી સર્જાશે અને સપ્લાય ચેઇનમાં હજારો લોકોને રોજગાર પ્રાપ્ત થશે.


