લંડનઃ DFCU બેન્ક અને તેના શેરહોલ્ડરોને છેતરપિંડી દ્વારા ક્રેન બેન્ક ટેક ઓવર કરવાના મામલામાં મુક્તિ આપતા નીચલી અદાલતના અગાઉના ચુકાદાને ઇંગ્લેન્ડની હાઇકોર્ટ ઓફ જસ્ટિસ બિઝનેસ એન્ડ પ્રોપર્ટી કોર્ટની કોર્ટ ઓફ અપીલે રદ કરી નાખ્યો છે. કોર્ટ ઓફ અપીલે સુધીર રૂપારેલિયા અને અન્ય 7 અરજકર્તાઓની અપીલ મંજૂર રાખતાં જણાવ્યું હતું કે, DFCU બેન્ક અને તેના શેરહોલ્ડરોએ બેન્ક ઓફ યુગાન્ડાના અધિકારીઓ સાથેની સાંઠગાંઠમાં સુનિયોજિત રીતે ઘડાયેલી ભ્રષ્ટ યોજના દ્વારા ક્રેન બેન્ક લિમિટેડને ખરીદી હતી. અદાલતે તેના ચુકાદામાં ભલામણ કરી હતી કે આ ટ્રાન્ઝેક્શનના કેન્દ્રમાં રહેલા બેન્ક ઓફ યુગાન્ડાના અધિકારીઓ સામે પણ ભ્રષ્ટાચારના આરોપોસર કેસ ચલાવવામાં આવે. આ પહેલાં 19 ઓક્ટોબર 2022ના રોજ હાઇકોર્ટ ઓફ જસ્ટિસ ઓફ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સના ચુકાદામાં જજ લોર્ડ પેલિંગ ક્યુસીએ DFCU અને બેન્ક ઓફ યુગાન્ડાને 211 મિલિયન ડોલરના ખટલામાં દોષમુક્ત જાહેર કર્યાં હતાં.
લંડન કોર્ટ ઓફ અપીલે DFCU બેન્ક, તેની હોલ્ડિંગ કંપની DFCU લિમિટેડ તેમજ બેન્કના પૂર્વ બોર્ડ ચેરમેન અને હાલના DFCU લિમિટેડના ચેરમેન જિમી મુગેરવા, બેન્કના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર જુમા કિસામે અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વિલિયમ સેકામેમ્બેને ક્રેન બેન્ક લિમિટેડના શેરહોલ્ડરોને 18,75,000 પાઉન્ડ કોર્ટ કોસ્ટ પેટે ચૂકવવા આદેશ આપ્યો છે.
એપેલેટ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે પૂર્વ ક્રેન બેન્ક લિમિટેડના શેર હોલ્ડર ડો. સુધીર રૂપારેલિયા, જ્યોત્સના રૂપારેલિયા, મીરા રૂપારેલિયા, રાજીવ રૂપારેલિયા, ટોમ મુગેન્ગા અને શીના રૂપારેલિયાના કેસમાં એવા ગંભીર મુદ્દા છે જેના પર સુનાવણી થવી જોઇએ. ક્રેન બેન્ક લિમિટેડના શેરહોલ્ડરોએ કોર્ટ કોસ્ટ માટે 25,00,000 પાઉન્ડની માગ કરી હતી પરંતુ અદાલતે ફક્ત 75 ટકા રકમ કોર્ટ કોસ્ટ પેટે ચૂકવવાનો આદેશ આપ્યો છે.
આ કેસમાં ક્રેન બેન્ક લિમિટેડના શેર હોલ્ડરોનો આરોપ હતો કે 2016માં બેન્ક ઓફ યુગાન્ડાના અધિકારીઓ સહિતના વરિષ્ઠ સરકારી અધિકારીઓએ યુગાન્ડાની આ મોટી બેન્ક પર નિયંત્રણ હાંસલ કરવા માટે એક ભ્રષ્ટ યોજના તૈયાર કરી હતી જેથી તેમના અંગત લાભો માટે બેન્ક અને તેની સંપત્તિઓને વેચી શકાય. આ ભ્રષ્ટ યોજનામાં ચીનના રાજદ્વારી ડો. પેટ્રિક હોની સંડોવણીનો પણ આરોપ મૂકાયો હતો.


