હવે ફ્લાઇટ વિલંબિત કે રદ થશે તો પ્રવાસીને વળતરની સંભાવના વધી

પ્રવાસીઓને તેમના હાલ પર છોડી દેતી એરલાઇન્સ સામે સીએએનું કડક વલણ

Tuesday 01st August 2023 12:26 EDT
 
 

લંડનઃ બજેટ એરલાઇન વિઝ એર વિરુદ્ધ આવેલા સીમાસ્થંભરૂપ ચુકાદાના કારણે હવે હવાઇયાત્રા કરનારા પ્રવાસીઓને જો તેમની ફ્લાઇટ વિલંબિત થાય તો વળતર મળવાની સંભાવના છે. સિવિલ એવિએશન ઓથોરિટી (સીએએ)એ સ્પષ્ટતા કરી છે કે પ્રવાસીઓ પ્રત્યેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જનારી કંપનીઓ સામે પગલાં લેવાશે. તેનો અર્થ એ થયો કે હજારો પ્રવાસી વળતરને પાત્ર બની શકે છે. સીએએએ માગ કરી છે કે રદ થયેલી ફ્લાઇટ માટે કરાયેલા દાવાઓને ખોટી રીતે રદ કરી નાખનાર વિઝ એર પ્રવાસીઓને તેમની ટિકિટના નાણા પરત કરે.

પ્રવાસીઓને વળતર ચૂકવવું જોઇએ તેવા સંજોગોમાં પણ વળતર ચૂકવાયું નથી તેવા ઘણા પ્રસંગ તપાસમાં સામે આવ્યા બાદ સીએએ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. એવિએશન રેગ્યુલેટરે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ થવાની સ્થિતિમાં વિઝ એર દ્વારા પ્રવાસીઓને વૈકલ્પિક ફ્લાઇટ ઉપલબ્ધ કરાવાઇ નહોતી અને તેમને નિઃસહાય હાલતમાં છોડી દેવાયાં હતાં.

સીએએએ જણાવ્યું હતું કે, છેલ્લા 15 મહિનામાં જે પ્રવાસીઓના વળતરના દાવા ખોટી રીતે નકારી કાઢવામાં આવ્યા છે તેમના કેસોની પુનઃસમીક્ષા કરાશે. એમ માનવામાં આવે છે કે 15000 પ્રવાસીના દાવાની સમીક્ષા કરાશે.

ગોલ્ડન અવર, પ્રવાસીઓના ખિસ્સા ખંખેરવાનો એરપોર્ટ માટેનો મહત્વનો સમય

લંડનઃ વધુ નાણા કમાવા માટે એરપોર્ટ સત્તાવાળાઓ પ્રવાસીઓ સાથએ જાતજાતની ચાલાકીઓ અપનાવી રહ્યાં છે. એરપોર્ટને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે જેથી પ્રવાસી સમય વીતાવવા માટે વધુ નાણા ખર્ચે. સિક્યુરિટી પસાર કર્યા બાદ બોર્ડિંગ ગેટની જાહેરાત કરાય ત્યાં સુધી પ્રવાસી જાણે કે એરપોર્ટનો કેદી બની જાય છે અને નાણા ખર્ચવા મજબૂર બને છે. એરલાઇન્સ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો કહે છે કે સિક્યુરિટી પસાર કર્યા બાદ બોર્ડિંગ થાય ત્યાં સુધીના સમયને ગોલ્ડન અવર તરીકે ઓળખવામાં આવે છે. આ ગોલ્ડન અવરનો લાભ લેવા માટે એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા જાણીજોઇને છેલ્લી ઘડી સુધી બોર્ડિંગ ગેટની જાહેરાત કરવામાં આવતી નથી. તેના કારણે પ્રવાસી માટે આ સમય અત્યંત કંટાળાજનક બની રહે છે. તે સમય પસાર કરવા માટે એરપોર્ટની અંદર નાણા ખર્ચવા મજબૂર બને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter