લંડનઃ 2024ની સંસદની ચૂંટણીમાં અને 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વડાપ્રધાન રિશી સુનાકના રાજકીય સલાહકાર એવા હેરોના કાઉન્સિલર અમિત જોગિયા એમબીઇ નોર્થ વેસ્ટ લંડનની હેન્ડન બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. એક્સબ્રિજની બેઠક પર તાજેતરની પેટાચૂંટણીમાં ટોરીઝના વિજય બાદ પસંદગી પ્રક્રિયામાં અમિત જોગિયાએ સંખ્યાબંધ સ્થાનિક ઉમેદવારોને પાછળ પાડી દીધા હતા. કન્ઝર્વેટિવ સાંસદ મેથ્યૂ ઓફફોર્ડે આગામી ચૂંટણી લડવાનો ઇનકાર કરતાં રાજીનામુ આપ્યું હતું જેના સ્થાને જોગિયાની પસંદગી કરાઇ છે. આ બેઠક પરથી અગાઉ પૂર્વ વડાંપ્રધાન માર્ગારેટ થેચર પણ પ્રતિનિધિત્વ કરી ચૂક્યાં છે.
નોર્થ વેસ્ટ લંડનમાં અમિત જોગિયાને કદાવર ઉમેદવાર ગણવામાં આવી રહ્યાં છે. હેરોના કાઉન્સિલર તરીકે તેમની લાંબી સેવાઓ રહી છે અને કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયાના સહાધ્યક્ષ તરીકે તેમની સેવાઓ માટે ગયા વર્ષે તેમને એમબીઇની ઉપાધિથી સન્માનિત કરાયા હતા. વડાપ્રધાન રિશી સુનાક અને લોર્ડ પોપટ સહિતના ભારતીય સમુદાય સાથેના તેમના સંબંધોને કારણે તેઓ આ વિસ્તારમાં ઘણા લોકપ્રિય છે.
અમિત જોગિયાએ ગુજરાત સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું જેને મારું ઘર ગણું છું તેવા વિસ્તારમાંથી સંસદની ચૂંટણીમાં ઉમેદવારી કરવાનું સન્માન મને પ્રાપ્ત થયું છે. હું કન્ઝર્વેટિવ મૂલ્યોને જાળવવાના તમામ પ્રયાસ કરીશ.


