નવી દિલ્હીઃ દેશભરમાં સ્વતંત્રતા દિવસથી શહીદોના સન્માનમાં વિશેષ અભિયાન ‘મેરી માટી મેરા દેશ’ શરૂ કરાશે. આ અભિયાન હેઠળ દેશના ગામેગામથી 7,500 કળશમાંથી માટી લઈને ‘અમૃત કળશ યાત્રા’ યોજાશે અને આ કળશ મારફત શહીદોના ગામની માટી દિલ્હી લવાશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.
દેશવાસીઓ સાથે સીધા સંવાદના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે, આજે દેશમાં અમૃત મહોત્સવની ગુંજ સંભળાય છે ત્યારે દેશમાં વધુ એક મોટું અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. દેશમાં શહીદોના સન્માન માટે ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન શરૂ થશે. આ અભિયાન હેઠળ દેશભરમાં આપણા અમર શહીદોની યાદમાં અનેક કાર્યક્રમો યોજાશે. આ અભિયાન હેઠળ સમગ્ર દેશમાં ‘અમૃત કળશ યાત્રા’ પણ યોજવામાં આવશે. દેશના ગામેગામથી 7,500 કળશમાં માટી લાવીને આ યાત્રા દેશની રાજધાની દિલ્હી પહોંચશે.
આ યાત્રા સાથે દેશના અલગ અલગ ભાગોમાંથી છોડ લાવવામાં આવશે. 7,500 કળશમાં લાવવામાં આવેલી માટી અને છોડ મેળવીને નેશનલ વોર મેમોરિયલની નજીક ‘અમૃત વાટિકા’નું નિર્માણ કરાશે. આ ‘અમૃત વાટિકા’ એક ભારત શ્રેષ્ઠ ભારતનું ભવ્ય પ્રતીક બનશે. આ શહીદોની યાદમાં દેશની લાખો ગ્રામ પંચાયતોમાં વિશેષ શિલાલેખ સ્થાપિત કરાશે.
વડાપ્રધાન મોદીએ શ્રાવણ મહિનાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વનો પણ મન કી બાતમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, શ્રાવણમાં શિવ આરાધના માટે અનેક ભક્તો કાવડ યાત્રા પર નીકળે છે. આ સાથે વડાપ્રધાને અયોધ્યા, મથુરા અને ઉજ્જૈન જેવા તીર્થસ્થળોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે મુસ્લિમ મહિલાઓના પુરુષ સાથી વિના હજ યાત્રા કરવાની બાબતને મોટું પરિવર્તન ગણાવ્યું હતું. તેમણે કહ્યું સરકારે હજ નીતિમાં ફેરફાર કરતાં 4,000 જેટલી મહિલાઓ એકલા જ હજયાત્રા કરી શકી હતી.


