લંડનઃ અગ્રણી બ્રિટિશ એશિયન બિઝનેસમેન અને ફિલાન્થ્રોપિસ્ટ ડો. નિક કોટેચા OBE Dl નું સમાજ પ્રત્યે તેમના વિશિષ્ટ અને નોંધપાત્ર પ્રદાનની કદરરૂપે યુનિવર્સિટી ઓફ લેસ્ટર દ્વારા ઓનરરી ડોક્ટરેટ ઓફ સાયન્સ એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગુરુવાર 20 જુલાઈએ ડી મોન્ટફોર્ટ હોલમાં આયોજિત પદવીદાન સમારંભમાં ડો. નિક કોટેચાને તેમની નોંધપાત્ર સિદ્ધિઓ અને વિવિધ ક્ષેત્રો પર પોઝિટિવ અસર બદલ માનદ પદવી એનાયત કરાઇ હતી.
યુગાન્ડામાં ઇદી અમીનના જુલ્મી શાસનથી બચી પરિવાર સાથે બાળ શરણાર્થી તરીકે 1972માં લેસ્ટર આવેલા ડો. કોટેચાની જીવનયાત્રા સંઘર્ષ અને સફળતાની રહી છે. લેસ્ટરમાં ઉછરેલા ડો. કોટેચાએ મોર્નિંગસાઇડ ફાર્માસ્યુટિકલ્સની સ્થાપના કરી હતી અને ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીમાં નાની શરૂઆતને અત્યંત સફળ કારકિર્દીમાં રૂપાંતરિત કરી હતી. તેમના આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ્સ બિઝનેસના મૂળ લફબરોમાં નખાયા હતા.
ડોક્ટરેટ પદવી સમારંભ પછી ડો. નિક કોટેચાએ જણાવ્યું હતું કે,‘મારી કહાણી ઈનોવેટર્સ અને એન્ટ્રેપ્રીન્યોર્સની ભાવિ પેઢીને કઠોર મહેનત કરવા અને વિશ્વમાં સકારાત્મક પરિવર્તન લાવવાના તેમના સ્વપ્ના સાકાર કરવાની પ્રેરણા પૂરી પાડવામાં મદદરૂપ બનશે તેવી હું આશા રાખું છું.’ તેમણે માનદ ડોક્ટરેટ પદવી એનાયત કરવા બદલ યુનિવર્સિટી ઓફ લેસ્ટરનો નમ્રતાપૂર્વક આભાર માન્યો હતો.
પરોપકારિતા પ્રત્યે નિષ્ઠા અને સમર્પણ ડો. કોટેચાને રાંદલ ચેરિટેબલ ફાઉન્ડેશનની સ્થાપના તરફ દોરી ગયા હતા જેના થકી તેમણે ફાર્માસ્યુટિકલ્સ, લાઇફ સાયન્સીસ અને ઇનોવેશના ક્ષેત્રોમાં બહુમૂલ્ય આંતરરાષ્ટ્રીય યોગદાન આપ્યું હતું. તેમની નોંધપાત્ર સિદ્ધિઓ અને સમાજ પર વિધેયાત્મક અસરોના પરિણામસ્વરૂપ યુનિવર્સિટી ઓફ લેસ્ટર દ્વારા તેમની પ્રતિષ્ઠાજનક કદર કરવામાં આવી છે.


