લંડનઃ ધર્મજ સોસાયટી ઓફ લંડન (DHASOL) દ્વારા છ ગામ નાગરિક મંડળ (CGNM)ની સાથે 23 જુલાઈ 2023ના દિવસે સત્તાવીસ ગામ પાટીદાર સેન્ટર, વેમ્બલી ખાતે હેરોના પૂર્વ મેયર કાઉન્સિલર નીતિનભાઈ પારેખ, પૂર્વ મેયરેસ હિતાબહેન પારેખ અને ગુજરાત સમાચાર, એશિયન વોઈસના ચેરમેન, એડિટર-ઈન-ચીફ સી.બી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સભ્યોની વાર્ષિક સભા અને ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું.
DHASOLના સેક્રેટરી રશ્મિબહેન કે. પટેલ દ્વારા સ્વાગત સાથે કાર્યવાહીનો આરંભ કરાયો હતો. ‘મારું ધર્મજ ’ગીત સાથે કાર્યક્રમ શરુ કરાયો હતો અને ઓડિયન્સે ઉભા થઈ તાળીઓના ગડગડાટ સાથે તેને વધાવી લીધું હતું. DHASOLના પ્રમુખ મુકુંદભાઈ પટેલે મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને સ્ટેજ પર ઉપસ્થિત છ ગામના પ્રમુખોનો પરિચય આપ્યો હતો. જેમાં ભાદરણ બંધુ સમાજના બિમલભાઈ પટેલ, કરમસદ સમાજના મહેન્દ્રભાઈ પટેલ, નડિયાદ નાગરિક મંડળના જયશ્રીબહેન પટેલ, સોજિત્રા સમાજના ભદ્રેશભાઈ પટેલ અને વસો નાગરિક મંડળના પ્રવીણભાઈ અમીનનો સમાવેશ થયો હતો. મુકુંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘ તેમના મૂળિયાઓ સુધી પહોંચતા સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાની સાથે સંપર્ક જાળવી રાખવા અને તેમની મૂળભૂત ઓળખને જાળવવાના હેતુસર આમાંની દરેક સંસ્થાની સ્થાપના 50 કરતાં વધુ વર્ષ પહેલાં કરવામાં આવી હતી.’
તેમણે કાર્યકારી ચેરમેન તરીકે CGNMની પ્રગતિ અને દરેક ગામની સંસ્થાઓના આગામી કાર્યક્રમો સંદર્ભે સભ્યોને માહિતગાર કરવા સાથે આપણા સમાજને આપેલા યોગદાન બદલ પૂર્વ CGNM ચેરમેન ધર્મેશ દેસાઈનો આભાર માન્યો હતો. CGNM અને મેટ્રિમોનીઅલ ડિવિઝન બાબતે જાહેરાત કરી હતી કે 17 સપ્ટેમ્બર 2023ના ઈવેન્ટ માટે જયરાજભાઈ ભાદરણવાળાએ કન્વેયર તરીકે કામગીરી આરંભી દીધી છે અને DHASOL દ્વારા નાત નાંદી સેન્ટર ખાતે તેમની વ્યવસ્થા કરી દેવાઈ છે. મુકુંદભાઈએ જાહેર કર્યું હતું કે DHASOLના ટ્રસ્ટીઓ અને કમિટી મેમ્બર્સને નોર્થવિક પાર્ક હોસ્પિટલ ખાતે ડીમેન્શીઆ અપીલ માટે મેયરની પસંદગીની ચેરિટીને 501.00 પાઉન્ડની ચૂકવણી કરવાની સત્તા અપાઈ છે. ગત વર્ષે વસમી વિદાય લેનારા પ્રતિબદ્ધ સભ્યો, કાન્તિભાઈ જી. પટેલ (ટ્રસ્ટી અને આરંભકાળના ટ્રેઝરર) અને પ્રવીણાબહેન પટેલ (પૂર્વ પ્રમુખ અને મહિલા પ્રવૃત્તિના સલાહકાર) તેમજ નિવૃત્ત થયેલા સભ્યો ભાસ્કરભાઈ એમ. પટેલ (ટ્રસ્ટી અને પૂર્વ પ્રમુખ), બિન્દેશભાઈ પટેલ (ટ્રેઝરર), સાગરભાઈ (સેક્રેટરી) અને ઈન્દુબહેન (પૂર્વ ઉપપ્રમુખ) દ્વારા DHASOLને અપાયેલી દીર્ઘ સેવા બદલ કદર કરવામાં આવી હતી.
પ્રમુખશ્રીએ તેમના DHASOLરિપોર્ટમાં વધુ જણાવ્યું હતું કે,‘ આવી અન્ય ચેરિટીઝ અને સંસ્થાઓમાં સામાન્ય હતું તેમ કોવિડ 19ના કારણે આપણી સામાન્ય પ્રવૃત્તિઓ પર તેમજ સારા ઉદ્દેશો માટે દાન એકત્ર કરવાની કામગીરી પર નોંધપાત્ર અંકુશ લાગી ગયો હતો. DHASOLટીમના મુખ્ય પ્રયાસો કોવિડ -19ના ગાળામાં 188 -190 કેન્ટોન રોડ, કેન્ટોન, હેરો HA3 8BL ખાતે લેવાયેલી અને ‘નાત નાંદી - Nat Nandi’ નામ અપાયેલી નાની પ્રોપર્ટીને વ્યવસ્થિત કરવાના રહ્યા હતા. આપણે અહીં કોમ્યુનિટીની જરૂરિયાતો પૂરી પાડી શકાય, સેલ્ફ-હેલ્પ કોમ્યુનિટી ગ્રૂપ્સને સબસિડાઈઝ્ડ પ્લેટફોર્મ ઓફર કરી શકાય તેવી આધુનિક સુવિધાઓ ઉભી કરી છે. સીનિયર લેડીઝ ગ્રૂપ, રિટાયર્ડ મેમ્બર્સ ગ્રૂપ, યોગા ક્લાસીસ જેવી સાંસ્કૃતિક અને સુધારાયેલી લાઈફસ્ટાઈલ્સને અનુરૂપ નિયમિત પ્રવૃત્તિઓ થકી સામાજિક કલ્યાણને આગળ વધારવા આ સુવિધાઓ કાર્યરત રહેશે.’
પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે,‘ આ પ્રવૃત્તિઓ હવે શરૂ કરી દેવાઈ છે અને લોકોને તેમાં ભાગ લેવા તેમજ સામુદાયિક સંપર્કો પર ધ્યાન કેન્દ્રિત કરતા ગ્રૂપ્સની સ્થાપનાને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. આપણી નાત નાંદી સીનિયર્સ સિટીઝન ક્લબે (NNSCC) જૂન મહિનામાં ભરચક હાજરી સાથે પહેલી વર્ષગાંઠ ઉજવી હતી અને હવે વધુ પ્રગતિ તરફ પ્રયાણ કર્યું છે. આપણા વડીલો મહિનામાં એક વખત મળે અને DHASOL દ્વારા ભારે સબસિડાઈઝ્ડ સેવા તરીકે હળવા ભોજન અને મનોરંજનના નહિવત ચાર્જ સાથે એકબીજાને મળે તે માટે પ્લેટફોર્મ સ્થાપ્યું છે. આપણી સફળતા પાછળ તમામ CGNMગામના સભ્યોની બનેલી સ્વયંસેવકોની ટીમનું સમર્પણ રહેલું છે જેમણે ટીમવર્કનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. આપણા બિનDHASOL સભ્યોએ NNSCC ની સ્થાપનામાં ભારે મદદ કરી છે તેમના આપણે આભારી છીએ. આ સભ્યોમાં ચંદ્રકાન્તભાઈ અને રેણુકાબહેન- KS, જયરાજભાઈ અને દેવિકાબહેન- BBS, ઠાકોરભાઈ અને ઉમાબહેન-સોજિત્રાનો સમાવેશ થાય છે. સમગ્ર દિવસ દરમિયાન, DHASOLની મહિલાઓ સાથે તાજી રસોઈને પીરસવામાં અને રસોઈઘરમાં સખત મહેનત કરનારા ઉમાબહેન, દેવિકાબહેન અને રેણુકાબહેનનાં અમે વિશેષ આભારી છીએ. આ ઉપરાંત, નિયમિત ધોરણે સેવાપ્રવૃત્ત DHASOLની મહિલાઓ પુષ્પાબહેન, ઈલાબહેન, અનસૂયાબહેના, નીલાબહેન, માલાબહેન, સોનાલીબહેન, જ્યોતિબહેન, ઈન્દુબહેન તેમજ અન્ય બહેનો અને પુરુષોના પણ વિશેષ આભારી છીએ.’ તેમણે કહ્યું હતું કે,‘ધર્મજ સોસાયટી ઓફ લંડનની ભાવનાના આપણા પ્રણેતાઓના સ્મરણાર્થે આગામી પેઢીઓ માટે DHASOLની અવિસ્મરમીય સ્મૃતિની જાળવણીમાં સભ્યોનો પ્રાપ્ત સમર્થન હજુ મળતું જ રહે તે માટે અમે આતુર છીએ’
કાઉન્સિલર નીતિનભાઈ પારેખે કોમ્યુનિટી એકસંપ થઈ કામ કરે તેના પર ભાર મૂકવા સાથે વડીલો સમક્ષની સમસ્યાઓ ઉકેલવાના હેતુસર સ્થાપિત કોમ્યુનિટી સેલ્ફ-હેલ્પ ગ્રૂપ્સમાં જોડાવા અને વિકસાવવા યુવાન પેઢીને પ્રોત્સાહિત કરવાની આવશ્યકતા વિશે જણાવ્યું હતું. તેમણે વખાણ કરતા કહ્યું હતું કે,‘કોઈ ગામનું પોતાનું જ ગીત હોય તેવું તો મેં આ પ્રથમ વખત જ જોયું છે.’
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને એડિટર-ઈન-ચીફ સી.બી પટેલે DHASOL વાર્ષિક મેળાવડામાં આમંત્રિત કરવા બદલ આભાર વ્યક્ત કરવા સાથે જણાવ્યું હતું કે ધર્મજ તેમનું મોસાળ હોવાથી તેની સાથે જોડાયેલા રહેવાનો તેમને ગર્વ છે અને તેઓ હંમેશાંથી પોતાને ધર્મજના અડધા વતની માનતા રહ્યા છે. સત્તાવીસ ગામ પાટીદાર સેન્ટર ખાતે આજના ઈવેન્ટમાં છ ગામ નાગરિક મંડળના ઈવેન્ટને સામેલ કરવા બદલ તેમણે DHASOLને વધાવી લીધી હતી. તેમણે આશરે 1968માં ધર્મજ સોસાયટીની પ્રાથમિક સ્થાપના થઈ હોવાનું કહેતા તે સમયે ટ્રિનિટી રોડ, ટૂટિંગ બેક. ખાતે રહેતા તેના સ્થાપક સભ્યો સાથે મુલાકાતને પણ ખાસ યાદ કરી હતી. તેમણે લાગણી વ્યક્ત કરી હતી કે અન્ય કોઈ પણ ગામની સંસ્થાની સરખામણીએ DHASOL દ્વારા ઘણું હાંસલ કરાયું છે તેમજ વતનના ગામ અને આસપાસના વિસ્તારોમાં વિકાસકાર્યો અને સૌથી વધુ સખાવતી કાર્યોમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે.
સેક્રેટરી રશ્મિબહેને સભ્યોને ટ્રસ્ટીઓ અને કમિટીના સભ્યોનો પરિચય આપ્યો હતો. DHASOLને આપેલી દીર્ઘકાલીન સેવાને યાદ કરતા સૌરભભાઈ પટેલે મેનેજિંગ ટ્રસ્ટી મનહરભાઈ એચ. પટેલને આદરાંજલિનું વાચન કર્યું હતું તેમજ સાથી ટ્રસ્ટીઓ ભુપેન્દ્રભાઈ અને દિનુભાઈએ તેમને શાલ ઓઢાવી સન્માન કર્યું હતું.


