લંડનઃ લંડનના મેયર સાદિક ખાને રવિવાર 21 મેએ પૂજ્ય મહંત સ્વામી મહારાજને મળવા નીસડન ટેમ્પલના હુલામણા નામથી જાણીતા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. યુકે અને યુરોપમાં BAPSના મુખ્ય સ્વામી યોગવિવેકદાસ સ્વામી અને મંદિરના ટ્રસ્ટીગણે મેયરનું સ્વાગત કર્યું હતું.
આસ્થા, સેવા અને વૈશ્વિક સંવાદિતાની પ્રેરણા આપવા યુકેની મુલાકાતે પધારેલા વિશ્વમાં સન્માનિત હિન્દુ આધ્યાત્મિક નેતા પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે મેયરની અંગત મુલાકાત યોજાઈ હતી. મેયરે સ્વામી મહારાજના આશીર્વાદ માગવા સાથે નીસડન મંદિરના યોગદાન બદલ મંહતશ્રી પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો. મેયરે મહંત સ્વામીજી વારંવાર યુકે પધારતા રહે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
મેયર સાદિક ખાને સાંજની સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ‘હું મહંત સ્વામી મહારાજ પ્રતિ સન્માન દર્શાવવા અને આપણા મહાન દેશની રાજધાની માટે તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા આવ્યો છું. સ્વામી મહારાજ સાથે મારી બે મુલાકાત થઈ હતી. નીસડન મંદિર અને તેની સભાઓએ આપણા શહેરને જે વ્યાપક યોગદાન કર્યું છે તેના વિશે મેં સમજાવ્યું હતું. મહારાજશ્રીના સારા કાર્યોના વમળો દરેક દ્વારા- હિન્દુ, મુસ્લિમ્સ, શીખ, જ્યુઝ, ક્રિશ્ચિયન અને બૌદ્ધ સહિત તમામને સ્પર્શે છે. અમારા માટે પ્રેરણાનું સ્રોત બનતા રહેજો. કોવિડ મહામારીના કપરા કાળના વર્ષોમાં તમે અને તમારી કોમ્યુનિટીએ પ્રકાશ પાર્થર્યો હતો. હું અને મારો પરિવાર, તમે અને તમારા પરિવાર, આપણું શહેર અને આપણા દેશને પૂજ્ય મહંત સ્વામીજીના ઉપદેશ અને આશીર્વાદની જરૂર છે.’
મંદિરના ટ્રસ્ટી ડો. મયંક શાહે નીસડન મંદિરની મુલાકાત, ઉદાર શબ્દો તેમજ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે વાર્તાલાપ કરવા બદલ મેયર સાદિક ખાનનો આભાર માન્યો હતો.


