‘ડાઈવર્સિટી એન્ડ કોમ્યુનિટી’ કોરોનેશન સ્ટેમ્પમાં નીસડન ટેમ્પલનું ચિત્રણ

કિંગ ચાર્લ્સ તૃતીયની તાજપોશી નિમિત્તે રોયલ મેઈલ દ્વારા ચાર વિશિષ્ટ ટપાલટિકિટ જારી કરાઈ

Tuesday 25th July 2023 14:18 EDT
 
 

લંડનઃ નીસડન ટેમ્પલ તરીકે લોકપ્રિય બનેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડનનું રોયલ મેઈલના ‘ડાઈવર્સિટી એન્ડ કોમ્યુનિટી’ કોરોનેશન સ્ટેમ્પમાં ચિત્રણ કરાયું છે. આ સ્ટેમ્પ કિંગ ચાર્લ્સ તૃતીયના નવા રાજ્યશાસન નિમિત્તે જારી કરાયેલા ચાર સ્ટેમ્પ્સમાંથી એક છે. કિંગ ચાર્લ્સ તૃતીય અને ક્વીન કેમિલાની તાજપોશીને યાદગાર બનાવી રાખવા મે મહિનામાં સ્પેશિયલ સ્ટેમ્પ્સ - ટપાલટિકિટ જારી કરવામાં આવી હતી. કિંગ હેન્રી આઠમા દ્વારા 1516માં સ્થાપના કરાયેલ રોયલ મેઈલ યુકેના સ્પેશિયલ સ્ટેમ્પ્સ સહિત તમામ પોસ્ટેજ સ્ટેમ્પ્સની ડિઝાઈન અને ઉત્પાદન કરે છે. રોયલ મેઈલ મહત્ત્વપૂર્ણ એનિવર્સરીઝ ઉપરાંત, મહત્ત્વના રાષ્ટ્રીય પ્રસંગો અને સિદ્ધિઓની ઉજવણી કરે છે.

વર્તમાન બ્રિટિશ સમાજની બહુધાર્મિક કોમ્યુનિટી અને સાંસ્કૃતિક વૈવિધ્યનું પ્રતિબિંબ પાડતી ‘ડાઈવર્સિટી એન્ડ કોમ્યુનિટી’ સ્ટેમ્પ-ટપાલટિકિટમાં દેશભરના સૌથી પ્રતીકાત્મક પૂજાસ્થળોનું ચિત્રણ કરાયું છે જેમાં નીસડન મંદિરના કલામય ચિત્રનો પણ સમાવેશ કરાયો છે. આ બાબત નીસડન મંદિર યુનાઈટેડ કિંગ્ડમના ધાર્મિક ફલકમાં અખંડ હિસ્સો હોવાનું પ્રતિપાદિત કરે છે.

નીસડન મંદિરમાં 24 મે, 2023ના રોજ આયોજિત પ્રેરણાદાયી કોમ્યુનિટી ઈવેન્ટમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને હિન્દુ કોમ્યુનિટીને ‘ડાઈવર્સિટી એન્ડ કોમ્યુનિટી’ કોરોનેશન સ્ટેમ્પ સત્તાવારપણે અર્પણ કરાઈ ત્યારે રોયલ મેઈલના એક્સ્ટર્નલ એફેર્સ અને પબ્લિક પોલિસીના ડાયરેક્ટર ડેવિડ ગોલ્ડ, સ્ટેમ્પ્સ ડિઝાઈનર એન્ડ્રયુ ડેવિડસન અને એટેલીઅર વર્ક્સ ખાતે ડિઝાઈન કન્સલ્ટન્ટ ઈઆન શિલ્વર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ ટિકિટ સમૂહનું મહત્ત્વ સમજાવતા મિ. ગોલ્ડે જણાવ્યું હતું કે,‘ સાત દાયકા પછી આવેલી તાજપોશીના પ્રસંગને અનુરૂપ સ્ટેમ્પ્સ સમૂહ જારી કરવાનું ખરેખર પડકારજનક હતું. રોયલ મેઈલના પાંચસો વર્ષથી વધુના ઈતિહાસમાં અમે તાજપોશીની યાદગીરી સ્વરૂપે સ્ટેમ્પ્સ સમૂહ ઉત્પાદન કરતા હોઈએ તેવી આ માત્ર ત્રીજી ઘટના હતી ત્યારે અમને લાગ્યું હતું કે અમારે કાંઈક વિશિષ્ટ કરવું જોઈએ.’ મિ. ગોલ્ડે સામૂહિક રીતે ‘ન્યૂ રેઈન’ ટાઈટલ ધરાવતી ચાર સ્ટેમ્પ્સના વિષયો વિશે જણાવ્યું હતું. એક સ્ટેમ્પમાં વેસ્ટમિન્સ્ટર એબે ખાતે નવા રાજવીના તાજપોશી સમારોહનું ચિત્રણ કરાયું છે જ્યારે અન્ય ત્રણ ટિકિટ્સ નવા રાજવી તેમની કેટલાક દાયકાઓની જાહેર સેવામાં કોમનવેલ્થ, પર્યાવર્ણ અને ડાઈવર્સિટી વિષયોની સતત હિમાયત કરતા રહ્યા છે તે બાબતોનું પ્રતિનિધત્વ કરે છે.

તેમણે ઉમેર્યું હતું કે,‘આ દેશમાં આટલા બધા ધર્મો, ભાષાઓ અને સંસ્કૃતિઓ છે ત્યારે અમારા માટે નીસડન ટેમ્પલનું ચિત્રણ કરવું મહત્ત્વનું હતું કારણકે તે મહત્ત્વપૂર્ણ વૈશ્વિક સ્થાપત્યનું મહાન પ્રતીક હોવાંની સાથે જ આપણા દેશને વિશિષ્ટતા અર્પતી દીવાદાંડી પણ છે. આ એવું સ્થળ છે જે આપણા ધર્મ અથવા આપણે કોઈ ધર્મ માનતા નથી તેવી બાબતોને જરા પણ ધ્યાનમાં લીધા વિના તેના દ્વાર અને હૃદય આપણા સહુ માટે ખુલ્લા રાખે છે. મને એ બાબતનો ગર્વ છે કે આપણે સહુ અહીં કિંગની તાજપોશીની ઉજવણી કરવા જ એકત્ર થયા નથી પરંતુ, વિશ્વભરમાં દેખાનારી આ નમ્ર સ્ટેમ્પ સમગ્ર વિશ્વમાં આ મહાન મંદિરની છબી પણ પ્રદર્શિત કરશે.’

ગૂઆશ (અપારદર્શી જલરંગચિત્ર) પેઈન્ટિંગ્સ અને કાષ્ટ નક્શીકામમાં દીર્ઘકાલીન કારકિર્દી ધરાવતા આંતરરાષ્ટ્રીય પ્રખ્યાતિ ધરાવતા મિ. ડેવિડસને પણ આ સ્ટેમ્પની ડિઝાઈનિંગ બાબતે અંગત અનુભવ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે,‘તમે કલ્પના કરી શકો છો કે ડાઈવર્સિ્ટી સ્ટેમ્પની ડિઝાઈન કરવી સૌથી મુશ્કેલ અને સંવેદનશીલ હતી કારણકે આ નાનકડા ટાપુરાષ્ટ્રમાં પળાતા તમામ ધર્મોનું વાજબી અને આદરપૂર્વકનું ચિત્રણ થવું જરૂરી હતું. મારા અંગત દૃષ્ટિકોણ અનુસાર મને લાગ્યું કે આ મંદિર તમારી આસ્થા-ધર્મનું પ્રતિનિધિત્વ કરવામાં સંપૂર્ણ હતું.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter