ઈન્ડિયામાં મોંઘવારી તો વધતી જ જાય છે, સાથે સાથે પૈસા બચાવવાની રીતો પણ વધતી જાય છે! ૨૫૦ ગ્રામની ટૂથપેસ્ટને બદલે ૧ કિલોની ટૂથપેસ્ટ ખરીદો અને ૫૦ રૂપિયા બચાવો! એકને બદલે છ સાબુ ખરીદો અને ૭૫ રૂપિયા બચાવો! પણ શું ખરા અર્થમાં પૈસા બચાવવાની કોઈ રીતો જ નથી રહી? કોણે કહ્યું? આ રહી પૂરી ઈન્ડિયન કંજુસી ટ્રીક્સ!
રીત - ૧
રોજનું છાપું બંધ કરાવો. વહેલા ઊઠો અને પડોશીના આંગણામાં પડેલા છાપામાંથી રોજેરોજ નીકળતાં જાહેરખબરનાં પેમ્ફ્લેટો કાઢી લો! છાપાંઓનો ધ્યાનથી અભ્યાસ કરશો તો સમજાશે કે તેમાં અમુક પાનાં એવા હોય છે જેમાં નકરી જાહેરખબરો જ હોય છે. આવાં પાનાં ફાડી લો.
જો પડોશીના જુવાન છોકરી પરણાવવાની ન હોય તો તે ટચૂકડી જાહેરખબર પણ નથી વાંચવાનો. અઠવાડિયામાં બે વાર ટચૂકડી જાહેરખબરનાં ચાર-ચાર પાનાં આવે છે, તે પણ સરકાવી લો. બધી પસ્તી ભેગી કરો. મહિનાના અંતે પસ્તીવાળાને પધરાવીને ખાસ્સી રકમની બચત કરો!
રીત - ૨
ખિસ્સામાં હંમેશા ૫૦૦ રૂપિયાની એક નોટ રાખો. અને જો શક્ય હોય તો આ નોટ પણ નકલી રાખો! ૫૦૦ની નોટ સિવાય છૂટા પૈસા ચોર ખિસ્સામાં સંતાડીને રાખો. હંમેશા ઓફિસના સ્ટાફ સાથે ચા-નાસ્તો કરવા જવાનો આગ્રહ રાખો. દર વખતે પેલી ૫૦૦ની નકલી નોટ કાઢો! ખાતરી રાખજો, એ પાછી જ આવશે અને તમારા રોજના ચા-પાણીના પૈસા બચી જશે!
રીત - ૩
સ્કૂટર જ્યારે પહેલા અને બીજા ગિયરમાં હોય છે ત્યારે તે વધારે પેટ્રોલ ખાતું હોય છે. નાનકડો ખર્ચો કરીને સ્કૂટરમાંથી આ બે ગિયર જ કઢાવી નાખો! શક્ય હોય ત્યાં સુધી સ્કૂટરને ૪૫ કિલોમીટરની ઝડપે જ હંકારો. આનાથી સ્કૂટરની એવરેજ તેની જાહેરખબરમાં દાવો કરેલી હોય તેટલી થઈ જશે! ૪૫ કિલોમીટરથી ઓછી ઝડપે ચલાવવાનો વારો આવે કે તરત સ્કૂટર બંધ કરી દો. એમને એમ ગબડવા દો. અને હા, તમારું ડ્રાઈવિંગ સુધારો. નહીંતર હોસ્પિટલનો ખર્ચો આવશે!
રીત - ૪
રાતના સમયે ટીવી જોતી વખતે રૂમની લાઈટો બંધ કરી દો. આજકાલ ટીવીમાં એટલી બધી ઝાકઝમાળ હોય છે કે ટીવીની લાઈટ જ પૂરતી છે.
રીત - ૫
ઘરના લોકો અમથાઅમથા ફ્રિજ, વોશિંગ મશીન, ઘરઘંટી, પંખા, ગિઝર, ગ્રાઈન્ડર-મિક્સર જેવી વસ્તુઓ વાપર્યા કરતા હોય છે. એટલે ઘરના સભ્યોને ખબર ન પડે એ રીતે અઠવાડિયામાં બે વાર રાતના ટાઈમે ઘરનો ફ્યુઝ ઊડાડી દો!
રીત - ૬
એક જૂની જોક છે કે એક અમદાવાદી કાકા વધુ પૈસા બચાવવા માટે બસને બદલે રિક્ષાની પાછળ દોડીને ઘરે આવતા હતા! પણ હવે એવું કરવાની જરૂર નથી. શટલિયાં એટલે કે શટલ-રિક્ષાઓ બસના ભાવે જ પેસેન્જરો ભરીને લઈ જાય છે. તો પૈસા બચાવવા માટે રોજ જુદી જુદી રિક્ષામાં ઘૂસો અને સહુ ઊતરીને પૈસા આપતા હોય ત્યારે ચાલાકીથી છટકી જાવ! હવે તો ૨૦-૨૫ પેસેન્જરોને લઈ જતા છકડા નીકળ્યા છે. એમાં તો આ ખૂબ જ સહેલું છે!
રીત - ૭
ઘરની કામવાળીની આસપાસ આંટા મારો. તેની સાથે હસી હસીને વાતો કરો. તમારી પત્નીને શંકા જતાંની સાથે જ તે કામવાળીને કાઢી મૂકશે. અને નવી કામવાળીઓ કંઈ રસ્તામાં રેઢી પડી છે? નવીને આવતાં દિવસો જશે. ત્યાં સુધી તમારી પત્ની ઘરકામ કરશે અને તમે કામવાળીના પૈસા બચાવશો!
રીત - ૮
દર રવિવારે સાંજે પત્નીઓને બહાર હોટેલમાં જઈને ખાવાનું શૂર ચઢતું હોય છે. આમાં ખાસ્સા રૂપિયાની ચટણી થઈ જતી હોય છે. આ ખર્ચામાંથી બચવાનો એક ઉપાય છે. રવિવારે બપોરે જમતાં જમતાં જ પત્ની સાથે ઝઘડો કરો! તેના મૂડની પથારી ફેરવી નાંખો! બહુ બહુ તો શું થશે? સાંજે બળેલી ખીચડી ખાવી પડશે એ જ ને?
રીત - ૯
પત્નીના હાથમાં પૂરો પગાર પહોંચવા જ ન દો. પગારના દિવસે અચુક તમારું ખિસ્સું કપાઈ જવું જોઈએ! અથવા પાકીટ પડી જવું જોઈએ!
રીત - ૧૦
લગ્નો તથા રિસેપ્શનોમાં જવાનું ટાળો. જોકે ત્યાં ઓછા ચાંલ્લામાં મફતનું ખાવાનું પ્રલોભન હોય જ છે, પણ તે પ્રલોભન ટાળો. કારણ કે પત્નીને મોંઘીમોંઘી સાડીઓ તથા નવાંનવાં ઘરેણાં ખરીદવાની પ્રેરણા લગ્નો તથા રિસેપ્શનોમાંથી જ મળતી હોય છે. આને લાંબા ગાળાની બચત કહેવાય!
રીત - ૧૧
પત્ની સાથે મોટામોટા ઝઘડા અવારનવાર કરતા રહો. આને કારણે પત્ની વારંવાર પિયર જતી રહેશે. સરવાળે ઘણી બચત થશે. ચાર-પાંચ રજાઓ ભેગી થતી હોય ત્યારે જ પત્નીને પિયરેથી તેડવા જાઓ અને સસરાજીને ત્યાં રહીને પાંચ રજાઓ લહેરથી ભોગવો. જોકે તમે થોડો ખર્ચ કરીને કિફાયતી ભાવનો વકીલ રોકીને છૂટાછેડા મેળવી લો તો લાંબે ગાળે કેટલા પૈસા બચે તેનું ગણિત પણ માંડી જોજો!
રીત - ૧૨
ટૂથપેસ્ટનું કાણું નાનું કરી નાંખો. પ્લાસ્ટિકની ડટ્ટી ગરમ કરીને ટૂથપેસ્ટના મોં પર ચોંટાડો અને પછી ખીલી વડે કાણું પાડો. કોલગેટવાલા ભી ક્યા યાદ કરેગા!
રીત - ૧૩
હિંદુ તિથિઓની માહિતી આપતાં કેલેન્ડરો ગુમ કરી નાખો. કારણ કે આમાં વિગતવાર આપેલી અગિયારસો, પૂનમો અને સાતમો જોઈને જ પત્નીઓ ઉપવાસ કરતી હોય છે. ઉપવાસને બહાને શીરો, કાજુ-બદામ અને ફળફળાદિના ખર્ચા કરતી હોય છે!
રીત - ૧૪
તમારી સોસાયટીમાં અને અડોશપડોશની સોસાયટીઓમાં સત્યનારાયણની કથા ક્યાં થવાની છે તેની બરાબર તપાસ રાખો, અને શીરાના પ્રસાદના સમયે ઘરના તમામ સભ્યો ભૂખ્યા પેટે પહોંચી જાવ!
રીત - ૧૫
વાળ કપાવવા જાઓ ત્યારે ખૂબ જ ટૂંકા કરાવો. આને કારણે કમસે કમ ત્રણ મહિને ફરી વાળ કપાવવાનો વારો આવશે. ટૂંકા વાળને લીધે શેમ્પૂ, હેર-ઓઈલની બચત થશે! જોકે શ્રેષ્ઠ ઉપાય તો એ છે કે ખૂબ ચિંતા કરો. આને કારણે ડાયરેક્ટ ટાલ પડી જશે!
રીત - ૧૬
લાફિંગ ક્લબમાં જોડાઈને મફતમાં ખડખડાટ હસતાં શીખી લો. પછી ઓળખીતા-પાળખીતા, સગાં-વહાલાં સૌ પાસેથી રૂપિયા ઉધાર લો. અને જ્યારે સૌ ઉઘરાણી કરવા આવે ત્યારે લાફિંગ ક્લબની ટ્રેઈનિંગ મુજબ ખડખડાટ હસો.
રીત - ૧૭
પગારના સર્ટિફિકેટ ઉપર મળતી લોન દ્વારા હપ્તેથી ટીવી, ફ્રિજ વગેરે વસાવો. પછી હપ્તા ભરવામાં અખાડા કરો. આખરે એ લોકો ત્રાસીને તેમની વસ્તુઓ પાછી લઈ જશે. ત્યારે મનમાં મરક મરક હસો!
રીત - ૧૮
ચાના ગલ્લે તથા પાનના ગલ્લે ખાતું રાખો. થોડા થોડા પૈસા આપો અને ઘણા ઘણા પૈસા બાકી રાખો. પરિસ્થિતિ અંકુશ બહાર જાય ત્યારે ગલ્લો બદલી નાંખો!
રીત - ૧૯
ખૂબ દર્શનાર્થીઓ આવતા હોય તેવા મંદિરે જવાનું ટાળો. આને કારણે તમારી ચંપલો બચી જશે! પણ જ્યારે તમારી ચંપલો ઘસાઈ જાય ત્યારે અવશ્ય એ મંદિરે જાઓ. નવી ચંપલોનો ખર્ચો બચી જશે!
રીત - ૨૦
અને ખૂબ જ મોટી બચત કરવી હોય તો આવા સ્ટુપિડ લેખ વાંચવાના બંધ કરો. આને કારણે તમારે મેન્ટલ હોસ્પિટલનો ખર્ચ બચી જશે!
•••
લ્યો ત્યારે, તમે ન્યાં બેઠા બેઠાં પાઉન્ડ, શિલિંગને પેનીયું બચાવજો. અમે તો આંયાં લાખ્ખો રૂપિયાની ઈજ્જત બચાવી રહ્યા છીએ! ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઈટ છે!