૧૯૮૯માં સચિને વન-ડે ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને ૧૯૯૨માં ઇંગ્લેન્ડ સામે સચિને વર્લ્ડ કપની પ્રથમ મેચ રમી હતી. જેમાં તેણે ૩૫ રન કર્યા હતા. જ્યારે ૨૦૧૧નો વર્લ્ડ કપ તેની કારકિર્દીનો અંતિમ વર્લ્ડ કપ હતો.
સૌથી વધુ ૬ સદી
આઇસીસીની સૌથી મોટી ટૂર્નામેન્ટ ગણાતા વર્લ્ડ કપમાં સચિન તેંડુલકરે સૌથી વધારે છ સદી ફટકારેલી છે જ્યારે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદીને મામલે પણ પોન્ટિંગ પાંચ સદી સાથે સચિન બાદ બીજા ક્રમે છે. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીના નામે ચાર સદીઓ નોંધાયેલી છે.
સૌથી વધુ અડધી સદી
વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનારા સચિનના નામે સૌથી વધુ અડધી સદી ફટકારવાનો પણ રેકોર્ડ છે. વર્લ્ડ કપ રમનારા અન્ય ખેલાડીઓમાં કોઇ પણ ખેલાડી ૧૦ અડધી સદી સુધી પણ પહોંચી શક્યો નથી જ્યારે સચિને વર્લ્ડ કપમાં ૧૭ અડધી સદીઓ ફટકારી છે. સચિન બાદ સાઉથ આફ્રિકાના પૂર્વ ખેલાડી જેક કાલિસના નામે નવ અડધી સદીઓ નોંધાયેલી છે.
સૌથી વધુ ચોગ્ગા
વર્લ્ડ કપની મેચોમાં સચિન એકમાત્ર ખેલાડી છે, જેણે ૨૦૦થી વધુ ચોગ્ગા ફટકાર્યા હોય. સચિનના નામે સૌથી વધુ ૨૪૧ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે જ્યારે અન્ય ખેલાડીઓ ચોગ્ગા ફટકારવામાં ૧૫૦નો આંક પણ પાર નથી કરી શક્યા.
એક વર્લ્ડ કપમાં સૌથી વધુ રન
સચિને ૨૦૦૩ના વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવ્યાં હતાં. સચિને ૨૦૦૩ના વર્લ્ડ કપની ૧૧ મેચોમાં ૬૧.૧૮ની સરેરાશથી ૬૭૩ રન કર્યા હતા. જે કોઇ એક જ વર્લ્ડ કપમાં સૌથી વધારે રનનો રેકોર્ડ છે.
છ વર્લ્ડ કપનો રેકોર્ડ
સચિને ભારત તરફથી છ વર્લ્ડ કપમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. સૌથી વધુ વર્લ્ડ કપ રમવાનો રેકોર્ડ સચિન અને પૂર્વ પાકિસ્તાની ખેલાડી જાવેદ મિયાંદાદના નામે છે. સચિન ૧૯૯૨, ૧૯૯૬, ૧૯૯૯, ૨૦૦૩, ૨૦૦૭ અને ૨૦૧૧નાં વર્લ્ડ કપમાં રમ્યો હતો જ્યારે મિયાંદાદે ૧૯૭૫થી ૧૯૯૬ના ગાળામાં છ વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
સૌથી વધુ રનનો રેકોર્ડ
વન-ડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવતા સચિન તેંડુલકરના નામે વર્લ્ડ કપમાં પણ સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ નોંધાયેલો છે. વર્લ્ડ કપમાં ૨૦૦૦થી વધુ રન કરનાર સચિન વિશ્વનો એકમાત્ર ક્રિકેટર છે. સચિને વર્લ્ડ કપમાં ૫૬.૯૫ની સરેરાશથી ૨,૨૭૫ રન કર્યા છે. સચિન બાદ સૌથી વધુ રન કરનાર ખેલાડીઓમાં પૂર્વ ઓસી. ખેલાડી રિકી પોન્ટિંગ બીજા ક્રમે છે, જેણે વર્લ્ડ કપની ૪૬ મેચોમાં ૧,૭૪૩ રન કર્યા હતા.
૩ વખત ૪૫૦થી વધુ રન
સચિન ત્રણ વર્લ્ડ કપમાં ૪૫૦થી વધુ રનનો સ્કોર કરનાર એકમાત્ર ક્રિકેટર છે. તેણે ૧૯૯૬માં ૫૨૩ રન, ૨૦૦૩ માં ૬૭૩ રન અને કારકિર્દીના અંતિમ વર્લ્ડ કપ ૨૦૧૧માં ૪૮૨ રન કર્યા હતા.