નવી દિલ્હીઃ છેલ્લા 20 મહિનાથી જર્મનીમાં ફસાયેલી ગુજરાતની બે વર્ષની બાળકી અરિહા શાહને મુદ્દે ભારત સરકારે પગલાં લેવાનું શરૂ કર્યું છે. અરિહાને છેલ્લા 20 મહિનાથી જર્મનીના ફોસ્ટર હાઉસમાં રાખવામાં આવી છે. અમદાવાદના ભાવેશ અને ધારા ભારતમાં છે, જ્યારે તેમની બે વર્ષની બાળકી દોઢ વર્ષથી માતા-પિતાથી હજારો માઇલ દૂર જર્મનીમાં છે. બાળકીની માતા સતત મોદી સરકારને હસ્તક્ષેપ કરવાની માગણી કરી રહી છે. આ કેસમાં સરકારે આ સપ્તાહે જર્મનીના રાજદૂત ફિલિપ એકરમેનને સમન કર્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમે બાગચીએ કહ્યું હતું કે, આ સપ્તાહે એકરમેનને સમન કરવામાં આવ્યા હતા. ભારતનું કહેવું છે કે બાળક માટે ધામિક સંસ્કૃતિ અને સામાજિક વાતાવરણ હોવું પણ જરૂરી છે.


