અમદાવાદઃ રાજકોટના સોનીબજારમાં કામ કરતા અલકાયદાના 3 આતંકીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં આંતકીઓ રાજકોટ અને સૌરાષ્ટ્રનાં કેટલાંક શહેરોમાં સ્થાનિક મોડ્યુલ તૈયાર કરીને જન્માષ્ટમીના તહેવારમાં મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા. એટીએસના અધિકારીઓ દ્વારા 12 જેટલા શકમંદોની પૂછપરછ કરાઈ રહી છે, જેમાં સ્થાનિક મોડ્યુલ અંગેની વિગતો સામે આવી છે. સાથેસાથે મોબાઇલ ફોનની તપાસ કરતાં અનેક સંપર્કોની માહિતી મળી છે. ત્યારે આ કેસમાં એનઆઇએ પણ આતંકીઓની પૂછપરછ કરશે.
ગુજરાતના એટીએસના અધિકારીઓએ બાતમીને આધારે રાજકોટના સોનીબજારમાં કામ કરતાં સૈફ નવાઝ, અબ્દુલ્લા અલી શેખ અને અમલ અલી સિરાજ નામના શખ્સોને ઝડપી લીધા હતા. જે પ્રતિબંધિત આતંકી સંગઠન અલકાયદા સાથે મળીને સ્થાનિક સ્તરે આતંકી પ્રવૃત્તિને ફેલાવીને યુવાનોને ઉશ્કેરવાનું કામ કરતા હતા. તપાસમાં એટીએસને તેમની પાસેથી 10 કારતૂસ અને એક પિસ્તોલ મળી આવી હતી, તેમજ વાંધાજનક સાહિત્ય અને પેનડ્રાઇવ સહિતનો જથ્થો મળી આવ્યો હતો. એટીએસને આ ત્રણેય આતંકીઓ સાથે સંપર્કમાં રહેનારા બે હેન્ડલર વિશે પણ પ્રાથમિક માહિતી મળી હતી. જે બાદ 12 જેટલા શકમંદોની અટકાયત કરીને પૂછપરછ પણ શરૂ કરી છે. જેમાં ત્રણેય આતંકી સૌરાષ્ટ્રમાં સ્થાનિક મોડ્યુલ તૈયાર કરીને આગામી જન્માષ્ટમીમાં મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારી કરતા હતા. જો કે આ અંગે સમગ્ર બાબતે તપાસ કર્યા બાદ જ વિગતો બહાર આવે તેમ છે. જો કે તેઓ રાજકોટમાં કે અન્ય સ્થળોએ કોઈ કાવતરું ઘડતા હતા કે કેમ તે અંગે કોઈ માહિતી મળી નથી, એટીએસ અને એનઆઇએના અધિકારીઓ ત્રણેય શખ્સની છ મહિનાની ગતિવિધિ અંગે તપાસ કરી રહ્યા છે.
સોનીબજારનો કર્યો હતો સરવે
રાજકોટમાં અલકાયદા સાથે જોડાયેલાં ત્રણ આતંકી તત્ત્વો પકડાયાં છે, ત્યારે એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. સોનીબજારના જાણકાર સૂત્રોમાં થતી ચર્ચા પ્રમાણે હાલમાં રમજાન માસમાં કેટલાંક કટ્ટરવાદી તત્ત્વો સોનીબજારમાં, સોની વેપારીઓના ટર્નઓવર, દુકાનો, શોરૂમ્સ વગેરેનો સરવે કરી ગયા હતા.
સોનીબજારનાં એવી વાતો પ્રસરી છે કે, રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ સોનીબજારમાં મોટી સંખ્યામાં રોહિંગ્યા, બાંગ્લાદેશી મુસ્લિમો ઘૂસી ચૂક્યા છે, જે પોતાના આકાઓના ઇશારે કામ કરે છે.


