શ્રીહરિકોટાઃ ઇસરોએ મોકલેલું ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. ચંદ્રયાને ચંદ્રની સપાટીની પહેલી તસવીર મોકલી છે, સાથે મેસેજ પણ મોકલ્યો છે કે ‘હું ચંદ્રયાન-3 છું... હું ચંદ્રનું ગુરુત્વાકર્ષણ અનુભવું છું.’
આ યાન હવે ચંદ્રની આસપાસ 170 કિમી x 4313 કિ.મી.ની ભ્રમણકક્ષામાં છે. એટલે કે ચંદ્રયાન એવી લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે, જેમાં ચંદ્રથી તેનું લઘુતમ અંતર 170 કિ.મી. અને મહત્તમ અંતર 4313 કિ.મી. છે. 22 દિવસની સફર બાદ ચંદ્રયાન શનિવારે સાંજે લગભગ 7:15 કલાકે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું હતું. ચંદ્રના ગુરુત્વાકર્ષણમાં તેને કેદ કરી શકાય તે માટે યાનની ગતિ ઓછી કરવામાં આવી હતી.
સ્પીડ ઓછી કરવા માટે ઇસરોના વૈજ્ઞાનિકોએ યાનના ફેસને પલટીને થ્રસ્ટર 1835 સેકેન્ડ એટલે લગભગ અડધા કલાક માટે ફાયર કર્યું. આ ફાયરિંગ સાંજે 7:12 વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું, જેનાથી ઓર્બિટમાં તેની સ્થિતિ બદલાઈ હતી.
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કરશે પ્રયોગો
મિશન વિશે માહિતી આપતાં ઇસરોએ ટ્વીટર પોસ્ટમાં ચંદ્રયાન દ્વારા મોકલવામાં આવેલા સંદેશને મૂક્યો હતો, ‘હું ચંદ્રયાન-3 છું, હું ચંદ્રનું ગુરુત્વાકર્ષણ અનુભવું છું.’
ચંદ્રયાન-3નું લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરશે અને ત્યાં 14 દિવસ સુધી પ્રયોગો કરશે.


