નવી દિલ્હીઃ ચીન વિસ્તારવાદની નીતિમાંથી બહાર આવ્યું નથી. ઇન્ડો પેસિફિકમાં તે સાઉથ ચાઇના સીનો ઉપયોગ કરીને અમેરિકા, બ્રિટન તેમજ ભારત સહિત અન્ય દેશો પર તેનો સામુદ્રિક પ્રભાવ વધારવા સતત પ્રયાસો કરી રહ્યું છે. તેની આ રણનીતિના ભાગરૂપે તેણે કંબોડિયામાં તેનું નવું મિલિટરી બેઝ બનાવવાનું શરૂ કર્યું છે. આને કારણે સાઉથ-ઇસ્ટ એશિયામાં અને હિન્દ મહાસાગરમાં ભારત માટે ચિંતા વધી છે.
ચીને અગાઉ જિબુટીમાં તેનું મિલિટરી બેઝ બનાવ્યું છે, જેને કારણે ચીનનાં યુદ્ધ જહાજો હિન્દ મહાસાગર સુધી પહોંચી શકે છે. કંબોડિયા ખાતેનું લશ્કરી બેઝ હવે પૂરું થવાની તૈયારીમાં છે.
બ્રિટનની થિન્ક ટેન્ક ચૈદમ હાઉસ દ્વારા ચીન કંબોડિયામાં જે નેવલ બેઝ બનાવાઈ રહ્યું છે તેની સેટેલાઇટ તસવીરો જાહેર કરાઈ હતી, જેમાં નવી ઈમારતો તેમજ બેઝની ચારે તરફની ઊંચી દીવાલો જોવા મળી છે. આ નેવલ બેઝ ગલ્ફ ઓફ થાઇલેન્ડની નજીક છે.


