નીતીશકુમારને INDIAના કન્વીનર, સોનિયાને ચેરપર્સન બનાવાઈ શકે­

સંક્ષિપ્ત સમાચાર

Wednesday 09th August 2023 08:21 EDT
 
 

 લોકસભા 2024ની ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપ સામે બાથ ભીડવા ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇક્લુઝિવ અલાયન્સ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને ચેરપર્સન અને બિહારના સીએમ નીતિશકુમારને કન્વીનર બનાવાય તેવી શક્યતા છે.

• ડેટા લીક અંગે લોકસભામાં બિલઃ કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારે લોકસભામાં ડેટા પ્રોટેક્શન બિલ રજૂ કરાયું હતું, જેમાં વ્યક્તિનાં પ્રાઇવેટ ડેટાનો કાયદેસર સંગ્રહ, પ્રોસેસિંગ અને સુરક્ષાની જોગવાઈ કરાઈ છે. જો ડેટા લીક થાય કે નિયમોનો ભંગ થાય તો ડેટા લીક કરનારાને વધુમાં વધુ રૂ. 250 કરોડની પેનલ્ટી કરવાની જોગવાઈ છે.

• ભાજપના સાંસદ રામશંકર કઠેરિયાનું સાંસદપદ બચી ગયુંઃ પૂર્વ કેન્દ્રીયમંત્રી અને ઇટાવાના સાંસદ રામશંકર કટેરિયાની સજા સામે દાખલ કરવામાં આવેલી અપીલને સેશન્સ કોર્ટ દ્વારા સ્વીકાર કરવામાં આવતાં તેમને મોટી રાહત મળી છે અને તેમનું સાંસદપદ જતાં બચી ગયું છે.

• ભારતે એલએસી પર ચાર ગણા સૈનિકો તહેનાતઃ વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે, ભારતે ચીનના મુકાબલા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સૈન્ય તહેનાતમાં 4 ગણો વધારો કર્યો છે. ગલવાનમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચેની અથડામણ પછી એલએસી પર સૈન્ય તહેનાતી અને પેટ્રોલિંગમાં વધારો કરાયો છે.

• લેપટોપ, ટેબ્લેટની આયાત પર પ્રતિબંધ ટાળ્યોઃ કેન્દ્ર સરકારે લેપટોપ, ટેબ્લેટ અને પર્સનલ કોમ્પ્યુટર વગેરેની આયાત માટે લાઇસન્સની જરૂરિયાતની અમલવારી એક નવેમ્બર 2023 સુધી ટાળવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ આદેશને ઓછામાં ઓછો એક મહિના સુધી આગળ લંબાવી દીધી છે.

• બ્રિક્સ સમિટ માટે મોદી દ. આફ્રિકા જશેઃ વડાપ્રધાન મોદી દ.આફ્રિકામાં 22થી 24 ઓગસ્ટે આયોજિત બ્રિક્સ દેશોના શિખર સંમેલનમાં ભાગ લેવા જોહાનિસબર્ગ જશે. ગુરુવારે સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ પીએમ મોદીને ફોન કરીને બ્રિક્સ સમિટમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું.

• સહારાના રોકાણકારોના ખાતામાં નાણાં ટ્રાન્સફરઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સહારાના રોકાણકારોના ખાતામાં આ મળવાપાત્ર રકમ ટ્રાન્સફર કરી છે. સહારા રિફંડ પોર્ટલના માધ્યમથી રોકાણકારોને તેમની રકમ અપાઈ રહી છે. 112 લાભાર્થીઓને પહેલા હપતાની રકમ પેટે રૂ. 10 – 10 હજાર પાછા આપવામાં આવ્યા હતા.

• ગરીબી જ સૌથી મોટી જાતિઃ રામમંદિર અને કલમ 370ની નાબૂદી ભાજપની વિચારધારામાંથી જન્મ્યાં હતાં. જો કે તેનો અમલ થઈ જવા માત્રથી સાંસદોએ એમ ન માનવું જોઈએ કે આગામી લોકસભા ચૂંટણીમાં આપણને મત મળી જશે. હકીકતમાં ગરીબી જ સૌથી મોટી જાતિ છે.

• કેથલિક ચર્ચ એલજીબીટી સમુદાય માટે ખુલ્લાઃ ખ્રિસ્તી ધર્મના સૌથી મોટા ધર્મગુરુ પોપ ફ્રાન્સિસે કહ્યું કે, કેથલિક ચર્ચ સમલૈંગિક સહિત સમગ્ર એલજીબીટી સમુદાય માટે ખુલ્લાં છે. પોપ ફ્રાન્સિસે કહ્યું કે, આધ્યાત્મિકતાના પથ પર તેમનો સાથ આપવો અમારું કર્તવ્ય છે, પરંતુ નિયમોની મર્યાદામાં રહીને જ આ બધું થઈ શકે છે.

• ચીનમાં પૂરસંકટે તારાજી સર્જીઃ ચીનમાં ભારે વરસાદ અને પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. ચક્રવાત ડોક્સુરીને કારણે સર્જાયેલા પૂરસંકટે શુલાન શહેરમાં 14 લોકોનો ભોગ લીધો છે. એક સપ્તાહ પહેલાં ફુજિયાન પ્રાંતમાં ચક્રવાત ફૂંકાયા પછી પૂર્વોત્તર ચીન, બેઇજિંગ અને હેબેઇ પ્રાંતમાં ભારે વરસાદ થયો હતો.

• મેક્સિકોમાં બસ અકસ્માતમાં 6 ભારતીય સહિત 18નાં મોતઃ મેક્સિકોમાં ગુરુવારે સવારે એક વિનાશક માર્ગ અકસ્માત થયો હતો. અહીં બસ ખીણમાં ખાબકતાં 18 લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં છ ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. આ ઘટના નાયરિત રાજ્યની રાજધાની ટેપિકથી દૂર સ્થિત બેરાન્કા બ્લાન્કા વિસ્તારમાં બની હતી. બસ 40 મુસાફરોને લઈને તિજુઆના જઈ રહી હતી, ત્યારે ડ્રાઇવરે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને બસ રસ્તા પરથી ખીણમાં ખાબકી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.


comments powered by Disqus