પોરબંદરઃ પોરબંદરના બંદરે આવેલા સુભાષનગર વિસ્તારમાં ઝેરી કેમિકલ પી જતાં બે ખલાસીનાં મોત થયાં છે, જ્યારે છને ઝેરી અસર થતાં સારવારઅર્થે ખસેડાયા છે. પોરબંદરના શિરીઝ ટર્મિનલ નજીક આવેલા માછીમારોના વિસ્તાર સુભાષનગરમાંથી મોડી રાત્રે દોઢેક વાગ્યે વિઠ્ઠલ સીદી પરમાર નામના ખલાસીને પેટમાં દુખાવો થતાં સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. થોડીવારમાં આ જ વિસ્તારના સુરેશ જેબરને મૃત હાલતમાં હોસ્પિટલે લવાયો હતો. જ્યાં સામે આવ્યું હતું કે આ બંનેની સાથે છ લોકોએ ઝેરી કેમિકલ પીધું હતું.


