ભાજપના પત્રિકાયુદ્ધ વચ્ચે પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું

Wednesday 09th August 2023 06:36 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાત ભાજપમાં ચાલી રહેલા આંતરકલહના પત્રિકાયુદ્ધ વચ્ચે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું લખાવી લેવાયું છે. કહેવાય છે કે ગુજરાત યુનિવર્સિટીમાં બાંધકામ કૌભાંડ અને સાણંદ પાસે જમીનના કેસ સબબ 27 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતના ત્રીજા જ દિવસે હોદ્દા પરથી વાઘેલાની હકાલપટ્ટી કરી દેવાઈ હતી, પરંતુ અમદાવાદ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ- SOGમાં ચાલતી તપાસમાં થઈ રહેલી હલચલને કારણે સપ્તાહથી દબાવી રાખાયેલું ‘રાજીનામું’ બહાર આવ્યું હતું.
અલબત્ત વાઘેલાની હકાલપટ્ટી મુદ્દે ભાજપના મોવડીઓ મોઢું ખોલી રહ્યા નથી. વાઘેલા પાસે રહેલો પ્રદેશ કાર્યાલય શ્રી કમલમનો (હેડ ક્વાર્ટર) ચાર્જ સંભાળી રહેલા મહામંત્રી રજનીકાંત પટેલને આ મુદ્દે પૂછવામાં આવ્યું ત્યારે મીડિયાના કેમેરા સામે તેમણે વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું કહ્યું હતું. જો કે તેમણે વાઘેલાએ ક્યારે રાજીનામું આપ્યું અને તેનો સ્વીકાર કરાયો છે કે કેમ તે અંગે ફોડ પાડ્યો નહોતો. કહેવાય છે કે, એસઓજી યુનિવર્સિટીના બાંધકામમાં કૌભાંડ અંગે તપાસ કરે છે, જેમાં વાઘેલાની સામેલગીરી બહાર આવતાં પ્રદેશ મહામંત્રીના પદ પરથી રુખસદ આપી દેવાઈ છે.


comments powered by Disqus