પોરબંદરઃ વર્લ્ડ બેન્કમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર એનાલિસ્ટ તરીકે પોરબંદરની યુવતી હિરલ કેશવાલાની નિમણૂક થઈ છે. વર્લ્ડ બેન્કમાં નોકરી મેળવનારી મહેર જ્ઞાતિની એ પ્રથમ દીકરી છે. વાર્ષિક રૂ. 1.20 કરોડના પેકેજથી તેની નિમણૂક યુરોપના ઓસ્ટ્રિયા દેશમાં થઈ છે.
પોરબંદ૨ની માધવાણી કોલેજના બીબીએના વ્યાખ્યાતા રામભાઈ કેશવાલાની પુત્રી હિરલે વિદ્યાર્થીકાળથી જ પોતાની પ્રતિભા સિદ્ધ કરી હતી. તેણે ધો. 10માં પોરબંદર જિલ્લામાં દ્વિતીય અને મહેર જ્ઞાતિમાં પ્રથમ ક્રમ મેળવ્યા બાદ ધો. 12 સાયન્સમાં જિલ્લામાં ત્રીજા ક્રમે અને મહેર જ્ઞાતિમાં પ્રથમ આવી હતી. નિરમા યુનિ.માં બી.ટેક.ના અભ્યાસ બાદ ગોલ્ડમેન કંપનીમાં ફરજ બજાવી હતી, પછી યુરોપની બેન્ક બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કરી લંડન સિટી બેન્કમાં આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નોકરી સ્વીકારી હતી . હવે તેની નિમણૂક ઓસ્ટ્રિયા ખાતે વર્લ્ડ બેન્કમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્ક એનાલિસ્ટ તરીકે થઈ છે.


