સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો પ્રારંભઃ વડાપ્રધાન મોદીનું મૌન તોડીશું: કોંગ્રેસ

Wednesday 09th August 2023 07:54 EDT
 
 

નવી દિલ્હીઃ 8 ઓગસ્ટે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઇ છે. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ મણિપુર હિંસાથી લઈને વિદેશ નીતિ સુધીના મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી. ગોગોઈએ કહ્યું કે, ઠરાવ લાવવાનો હેતુ વડાપ્રધાનનું મૌન તોડવાનો છે. બીજેપી વતી નિશિકાંત દુબેએ કહ્યું કે, સોનિયા ગાંધીનો એક જ ઉદ્દેશ્ય છે ‘દીકરાને સેટ કરવાનો અને જમાઈને ભેટ આપવાનો.’
ગોગોઈએ એમ પણ કહ્યું કે, વડાપ્રધાને સ્વીકારવું પડશે કે તેમની ડબલ એન્જિન સરકાર મણિપુરમાં નિષ્ફળ ગઈ છે. એટલા માટે મણિપુરમાં 150થી વધુ લોકોનાં મોત થયાં છે. રાજ્યના મુખ્યમંત્રી, જેમણે સંવાદ - શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ બનાવવું જોઈતું હતું, તેમણે છેલ્લા 2-3 દિવસમાં ઉશ્કેરણીજનક પગલાં લીધાં છે જેના કારણે સમાજમાં તંગદિલી સર્જાઈ છે.
સંસદના ચોમાસુ સત્રના 14મા દિવસે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. હોબાળાને કારણે 12 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. 12 વાગ્યે લોકસભાની કાર્યવાહી ફરીથી શરૂ થતાં ફરી ભારે હોબાળો શરૂ થયો હતો.
રાજ્યસભામાં પણ વિપક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો. ટીએમસીના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયન સ્પીકર જગદીપ ધનખડની સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તેમને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
બોલવામાં 80 દિવસ કેમ લાગ્યા?
ગૌરવ ગોગોઈએ સવાલ ઉઠાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર કેમ ન ગયા. મોદીજીને મણિપુર પર બોલવામાં 80 દિવસ કેમ લાગ્યા? શા માટે પીએમ મોદી તરફથી કોઈ શોક કે શાંતિની અપીલ કરાઈ ન હતી? અમારો ત્રીજો સવાલ એ છે કે પીએમએ મણિપુરના મુખ્યમંત્રીને કેમ હટાવ્યા નથી. ગુજરાતમાં ચૂંટણી અગાઉ બે વખત મુખ્યમંત્રી બદલાયા હતા, ઉત્તરાખંડ અને ત્રિપુરામાં પણ મુખ્યમંત્રી બદલાયા હતા, પરંતુ મણિપુરના મુખ્યમંત્રીને ખાસ આશીર્વાદ શા માટે? આ પ્રકારની નીતિ અંગે કોંગ્રેસ દ્વારા સવાલ કરાયા હતા.


comments powered by Disqus