સુરતઃ એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત શારજાહ ફલાઇટને એવરેજ 90% પેસેન્જર લોડ મળી રહ્યો છે, છતાં તેની ફ્રિકવન્સી વધારાતી નહોતી. ઘણા સમયથી માગણી કરાતી હતી કે, તેની ફ્રિકવન્સી વધારવામાં આવે. આખરે એર ઇન્ડિયા એક્સપ્રેસે આગામી વિન્ટર શિડ્યુલથી સુરત-શારજાહ-સુરતની આ ફ્લાઇટને સપ્તાહમાં ત્રણને બદલે પાંચ દિવસ ઉડાડવાનું જાહેર કર્યું છે.
સુરત એરપોર્ટ પર એર કનેક્ટિવિટી વધે તે માટે વી વોન્ટ વર્કિંગ એરપોર્ટ સુરત નામના ગ્રૂપ દ્વારા શાંત ચળવળ ચલાવાય છે. આ ગ્રૂપે એર ઇન્ડિયા એક્સપ્રેસને ખૂબ લાંબા સમયથી અપીલ કરી હતી કે, સુરત-શારજાહ-સુરત ફ્લાઇટને એવરેજ 90 ટકાથી વધારે લોડ મળી રહ્યો છે, ત્યારે તેની ફ્રિક્વન્સી અઠવાડિયામાં ત્રણ દિવસથી વધારી ડેઇલી કરવામાં આવે. છેવટે આ રજૂઆતને એર ઇન્ડિયા એક્સપ્રેસે સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે.


