હ્યુસ્ટનઃ પાટણનો માત્ર 24 વર્ષનો યુવાન દર્શિલ ઠક્કર અમેરિકા ફરવા ગયો હતો અને ત્યાં નાઈટવોક કરવા સમયે સિગ્નલ કોસ કરતો હતો ત્યારે અકસ્માત તેનું મોત નીપજ્યું હતું. દર્શિલ ઉપર એક પછી એક 14 વાહનો ફરી વળતા તેનું મોત નીપજ્યું હતું.
પાટણમાં ટીબી ત્રણ રસ્તા પાસે આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતા અને સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકની ફરજ બજાવતા રમેશભાઈ ઠક્કરનો નાનો પુત્ર દર્શિલ ટૂરિસ્ટ વિઝા પર 9 એપ્રિલ 2023એ અમેરિકા ફરવા ગયો હતો. દર્શિલ 26 સપ્ટેમ્બરે પરત ફરવાનો હતો, પરંતુ તે પહેલાં જ ટેક્સાસના હ્યુસ્ટનમાં તેનું અકસ્માતમાં મોત નીપજ્યું છે.
દર્શિલ ઠક્કર 31 જુલાઈએ સાંજે ટેક્સાસના હ્યુસ્ટનમાં વોકિંગ પર નીકળ્યો હતો, ત્યારે તે તેનાં મમ્મી-પપ્પા સાથે વીડિયો કોલમાં વાતચીત કરતો હતો. આ દરમિયાન સિગ્નલ બંધ હોવાથી દર્શિલ રોડ ક્રોસ કરી રહ્યો હતો. જો કે દર્શિલ રોડ ક્રોસ કરવા ગયો કે અચાનક સિગ્નલ ખૂલી જતાં ચિત્તાની ઝડપે આવતી એક બે નહીં પણ 14 ગાડી દર્શિલ પરથી નીકળી ગઈ. આમ 14 જેટલી ગાડીનાં ટાયર દર્શિલ પર ફરી વળતાં દર્શિલ થોડે સુધી ઢસડાઈને મોતને ભેટ્યો હતો. ફોન કપાઈ જતાં મોટા પુત્ર રિકુંજે ફરી ફોન જોડ્યો, પરંતુ અન્ય કોઈ વ્યક્તિએ ફોન ઉપાડી અકસ્માતની જાણકારી આપી હતી.
મૃતદેહને વતન પણ નસીબ નહીં
દર્શિલના અકસ્માતની જાણ પરિવારજનોને થતાં પરિવારે મૃતદેહને ભારત લાવવા માટે પીએમઓ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને રજૂઆત કરી હતી. સરકારનો સહકાર પણ મળ્યો હતો, પરંતુ ત્યાંના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે દર્શિલનો મૃતદેહ ભારત લઈ જવાની હાલતમાં ન હોવાથી દર્શિલના અંતિમ સંસ્કાર રવિવારે અમેરિકામાં જ કરવામાં આવ્યા.
પુત્ર સાથે પિતાનો અંતિમ વીડિયો કોલ
મૃતક દર્શિલના પિતા રમેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, મારા અને મારા બંને પુત્રોના 10 વર્ષના વિઝિટર વિઝા આવ્યા હતા અને અમારે ત્રણેયને સાથે અમેરિકા જવાનું હતું, પરંતુ કોરોના આવી જતાં જવાનું કેન્સલ રહ્યું હતું. જેથી 9 એપ્રિલે દર્શિલ એકલો ફરવા ગયો હતો અને 26 સપ્ટેમ્બરે પરત આવવાનો હતો. આ અકસ્માત પહેલાં જ મારા દીકરાનો વીડિયો કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે, પપ્પા હું અમેરિકાથી આવીશ એટલે આપણે બધા ફરી જઈશું. આ વાત ચાલતી હતી ત્યારે જ ફોન કટ થઈ ગયો હતો, ફોન પડી ગયો કે શું થયું ખબર ન પડી. બાદમાં મારા મોટા પુત્ર રિકુંજે દર્શિલને ફોન કર્યો પણ ફોન ઉપડ્યો નહીં.


