‘મોદી લોકો પાસેથી ઇનપુટ લે છે, એડવાઇસ નથી લેતા જ્યારે રાહુલ ગાંધી એડવાઇસ વિના કંઈ ન કરી શકે...’

પ્રધાનમંત્રી મોદીની કહી-અનકહી પત્રકાર શીલા ભટ્ટની જુબાની

Wednesday 09th August 2023 07:39 EDT
 
 

- બાદલ લખલાણી
વરિષ્ઠ પત્રકાર શીલા ભટ્ટે તાજેતરમાં જ લંડનની મુલાકાત લીધી, જેમના માનમાં લંડનસ્થિત ગુજરાત સમાચારના એડિટર-ઇન-ચીફ સી.બી. પટેલ દ્વારા વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં શીલાબહેન ભટ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંગે રસપ્રદ વાતો કરી હતી.
શીલાબહેન ભટ્ટના પત્રકારત્વ અંગે વાત કરતાં સી.બી. પટેલે જણાવ્યું હતું કે, તેમની આગવી ભાષાશૈલીના કારણે તેઓ ઘણા જાણીતાં છે. ત્યાં સુધી કે તેમની ગેરહાજરીમાં પણ લોકો તેમનાં વખાણ કરતાં થાકતા નથી. એક વખત નરેન્દ્ર મોદીએ મને તેમનાં વખાણ કરતાં જણાવ્યું હતું કે, તેઓ એક એવા ઉત્સાહી રિપોર્ટર અને સ્પીકર છે, જેઓ ડબલ સ્ટાન્ડર્ડ નથી ધરાવતાં. નરેન્દ્ર મોદીએ મને કહ્યું હતું કે, શીલાબહેને કહ્યું હતું કે હું યુ.કે. ગઈ હતી સી.બી. પટેલ પાસે અને હું ફૂલીફાલી છું. હાલની સ્થિતિમાં તમારી ગેરહાજરીમાં તમારાં વખાણ કરે તેવાં પત્રકાર હોતાં જ નથી. પત્રકારોમાં આટલી ઉચ્ચતા હોય કે ‘હું લંડન ગઈ હતી અને...’ આવા પત્રકાર જ્વલ્લે જ હોય.
‘મેં જિંદગી બહુ વહેલા શરૂ કરી હતી...’
નરેન્દ્ર મોદી બહુ સબળ વ્યક્તિત્વ છે. તેમને કોઈએ ડિફેન્ડ કરવાની જરૂર નથી, કારણ કે તેઓ પોતે જ ખૂબ સક્ષમ છે. જેથી તમે કોઈ એવું ન સમજતા કે હું તેમને ડિફેન્ડ કરવા કે તેમના તરફથી બોલવા આવી છું. આપણે બધા જ બુદ્ધિશાળી અને સફળ લોકો છીએ, જિંદગી જોઈ છે. આજે જે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે, તો એ કોણ છે અને કેવા છે તે તમે વાંચતા જ હશો અને જાણતા જ હશો, પરંતુ હું તમને તેમાં થોડું વધારે ઇનપુટ આપું છું. તેમની જીવન સફર કદાચ તમે નહીં જાણી હોય, જે હું તમને જણાવું.
1979માં મેં ગુજરાત પોલિટિક્સ અંગે મુંબઈથી પત્રકારત્વની શરૂઆત કરી હતી. તમે જાણો જ છો કે ગુજરાતનો જન્મ 1960માં થયો હતો, જો કે 1979-’80માં બિહાર, યુપી, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરખામણીમાં ગુજરાત મોર્ડન સ્ટેટ ગણાતું હતું, માત્ર આપણા જુગાડ કરવાની આપણી વૃત્તિ, આપણી સાહસિક વૃત્તિના કારણે. 1979-’80નું ગુજરાત બહુ જ રસપ્રદ હતું. માધવસિંહ સોલંકી, ઓફિસર એચ.કે. ખાન, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી તમામ રસપ્રદ હતાં. પબ્લિક સેક્ટર બહુ જ સરસ કામ કરતાં હતાં. એ સમયે 1979થી મેં ગુજરાતનું જર્નાલિઝમ અને ગુજરાતનું પોલિટિક્સ રિપોર્ટ કરવાનું શરૂ કર્યું, જે હજુપણ કરું છું.
મેં જિંદગી બહુ વહેલાં શરૂ કરી હતી એવું કહી શકું. મારા પતિ મારા કરતાં 28 વર્ષ મોટા હતા, જેથી મારાં માતા-પિતાએ વિરોધ કર્યો હતો. મારાં માતા સાથે તો મારા સંબંધ સારા જ હતા, પરંતુ હું પિયર નહોતી જતી, બહુ એકલું લાગતું હતું. ગુજરાતીઓ તો પડોશીઓને પણ પ્રેમ કરવા લાગે છે. 1980માં ગુજરાતમાં રમખાણ ફાટી નીકળ્યાં હતાં. તે સમયે હિન્દુ-મુસ્લિમ રમખાણ થયાં જ કરતાં હતાં. ગુજરાતમાં અપર ક્લાસ એટલે કે બ્રાહ્મણ, વાણિયા, પટેલો અને દલિતોને આના કારણે ખૂબ ચિંતા રહેતી હતી, જેનું હું ખૂબ સરસ રિપોર્ટ કરતી હતી. એમાં જે બહુ જ એક્સપર્ટ કહેવાતા તેવા પ્રવીણ શેઠનો ઇન્ટરવ્યૂ લેવા ગઈ હતી. તે સમયે તેમની પાસે તેમનાં પત્ની સુરભિબહેન બેઠાં હતાં જેમણે કહ્યું, ‘શીલા તે તો ભાગીને લગ્ન કર્યાં, છાપામાં વાંચ્યું હતું. શીલા મને તો બહુ પ્રેમ આવે છે તારા પર, તું તો કેટલી નાની લાગે છે.’ પ્રોફેસર પ્રવીણ શેઠ અને સુરભિબહેને મને પહેલી જ મુલાકાતમાં એડોપ્ટ કરી લીધી. સુરભિબહેન કહેતાં કે તારે હવે અહીં જ રહેવાનું. જો કે હું દર શનિવાર-રવિવારે ત્યાં જતી હતી. 19 વર્ષની એ જિંદગીમાં પૈસા તો હતા જ નહીં, અને કાંતિ ભટ્ટે તો છેલ્લે સુધી પૈસા બનાવ્યા જ નહોતા.
મારે હવે ગુજરાત પોલિટિક્સનું રિપોર્ટિંગ મુંબઈથી કરવાનું હતું, પણ મારી પાસે પૈસા તો હતા જ નહીં. તેમણે મને એડોપ્ટ કરતાં હું અમદાવાદના તેમના ઘરે રહેવા લાગી, જે ઘર 5, સુમંગલ સોસાયટી, વિજય ચારરસ્તા, અમદાવાદ ખાતે હતું. એક દિવસ એમણે મને કહ્યું, ‘શીલા શું તું ખૂબ વ્યસ્ત છે? આજે તું કામ કરવા ન જતી, આજે કોઈ મહેમાન ઘરે આવવાના છે. મારો સ્ટુડન્ટ છે, જે ખૂબ બ્રાઇટ છે તું એને મળ’ – અને એ નરેન્દ્ર મોદી હતા.
‘ભારતમાં બે ભાગ પડી ગયા છેઃ પ્રો-મોદી અને એન્ટિ-મોદી’
આ અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ સહિત મોદીને ધુત્કારનારું અડધું ભારત છે. ભારતમાં બે ભાગ પડી ગયા છે પ્રો મોદી અને એન્ટિ મોદી. એન્ટિ મોદી તો એવું જ માને છે કે આ માણસ ભણેલો નથી, પરંતુ એ વાત સાચી નથી. હું મોદીના ફેક્ટસ આપવા નથી આવી, કે તેમને ડિફેન્ડ કરવા નથી આવી. તે મારું કામ નથી. હું નખ-શિખ પત્રકાર છું, એ મારું કામ નથી કે હું નેતાઓને ડિફેન્ડ કરું. પણ આ સત્ય છે.
હું તેમનું વર્ણન કરું તો નરેન્દ્રભાઈ આવ્યા. એકદમ કાળા વાળ ધરાવતા અને પોતાના પહેરવેશ પર પૂરતું ધ્યાન ધરાવતા તે માણસ લાગતા હતા. એ પહેલી મુલાકાતમાં યાદ રહી જાય તેવો માણસ હતો, એટલો ચીકણો માણસ હતો કે અંદર આવીને પોતાનાં ચંપલ પણ એલાઇન્મેન્ટ મુજબ મૂકતો હતો. અંદર આવીને પાનાં કાઢતાં કહ્યું, ‘સર મેં આ વાંચી લીધું છે, હવે તમે મને નવી બુક્સ આપો.’ તેઓ આરએસએસમાં એક્ટિવ હતા અને અમદાવાદના આરએસએસના હેડક્વાર્ટર મણિનગરમાં રહેતા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર નોર્મલી બાથરૂમ જેટલો તેમનો રૂમ હતો.
પ્રોફેસર પ્રવીણ શેઠ ગુજરાત યુનિવર્સિટીના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હતા અને નરેન્દ્રભાઈ પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરતા હતા પણ તેઓ ગેરહાજર ખૂબ રહેતા હતા. તેમના ગેરહાજર રહેવાથી શિક્ષકોએ તેમને એક્ટર્નલ કરાવવા નિર્ણય લીધો હતો, કારણ કે યુનિવર્સિટીની પણ ડિસિપ્લીન હોય. બાદમાં પ્રવીણ શેઠ તેમને દર અઠવાડિયે ઘરે જ અભ્યાસ કરાવતા હતા, જેથી મારે ઘણી વાર તેમને મળવાનું થતું હતું. આ રીતે મારે નરેન્દ્રભાઈને 42 વર્ષ પહેલાં 1981માં મળવાનું થયું. 42 વર્ષથી હું તેમનો વિકાસ જોતી આવી છું. વર્ષ 2007 સુધી અમે નિયમિત મળતાં હતાં. હું પણ તટસ્થ પત્રકાર છું અને મારી મરજી પ્રમાણે લખું છું, જેથી એક લેખમાં તેમને ખોટું લાગી ગયું હતું, બાદમાં અમે ઓછું મળતાં હતાં. તેમના એક ગુરુ હતા પ્રવીણ મણિયાર. તેમનો મેં એક ઇન્ટરવ્યૂ લીધો હતો, જેમાં તેમણે મોદીની એટલી બધી ટીકા કરી હતી કે નરેન્દ્રભાઈ મોદીને ખરાબ લાગ્યું હતું.
ઓવરઓલ વાત કરું તો તેઓ ખૂબ વાંચતા. તમે એમને કોઈ પણ વિષય પર સવાલ પૂછો તેનો જવાબ તેમની પાસે હોય જ. તેમનો ઓબ્ઝર્વેશન પાવર સાઇકોલોજિસ્ટ, પોલીસ ઓફિસર, જાસૂસો, સ્ક્રીપ્ટ રાઇટર અને નોવેલિસ્ટ જેટલો સારો હતો. રૂમમાં ચાલીને આવી બેસે ત્યાં સુધીમાં તમને અડધોઅડધ માપી લેતા હતા અને મોઢું ખોલો એટલે પૂરા માપી લે. એનું કારણ એ છે કે તેમને ગુજરાતી ભાષા અને ગુજરાતી બોલીની સમજ ખૂબ હતી. લોહાણા હોય, પટેલ હોય કે દરબાર હોય કોઈની પણ ભાષા પકડીને કોણ છે, કેવો માણસ છે અને કયા બેકગ્રાઉન્ડમાંથી આવે છે તે ભાષા પરથી જ પકડી લેતા.
1981થી 1997 સુધી તેમને ખૂબ મળતી, ત્યારે મેં જોયું કે લીડરશિપની ક્વોલિટી એટલી જોરદાર હતી કે શબ્દો અને આંખોના ત્રાટકથી જ ભાજપમાં લીડરશિપ ચલાવતા હતા. ભાજપના હાલ પહેલા ગુજરાતમાં ખરાબ હતા. તેઓ ચૂંટણી લડવાના હોય ત્યારે પાંચ મિનિટ જઈ આવતા અમે તેમની પાસે, કંઈ પૂછતા પણ નહીં, કારણ કે કોંગ્રેસ અને જનતા પાર્ટીનું તે સમયે વર્ચસ્વ હતું. એ સમયે અમે જાણતા હતા કે 182 પૈકી 10 બેઠક પણ ભાજપને નથી મળવાની, પરંતુ મોદીએ એક વાર પુરુષોત્તમ રૂપાલાને કહ્યું હતું, ‘રૂપાલાસાહેબ એક કામ કરો, 182 બેઠકો છે ને તો ફલાણા મેદાનમાં 182 રથ લગાવી દો.’ રૂપાલાએ આ અંગે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું, ‘આપણને કોણ પૂછે છે, આપણે તો 10 બેઠક જ જીતી શકીશું.’ મોદીએ કહ્યું, ‘તમે લગાવી દોને 182 રથ...’ અને ખરેખર એ સમયે મોદીના કહેવાથી એ મોટો ખર્ચ કર્યો. જો કે તે અંગે તમામ અખબારોએ આ અંગેના ફોટો પોતાના પ્રકાશનમાં પ્રકાશિત કર્યા હતા. તેઓ જનતાને કેવી રીતે આકર્ષિત કરવી તે સારી રીતે જાણે છે.
‘1971થી 2001 સુધી નરેન્દ્ર મોદી પાસે ઘર પણ નહોતું...’
તમે નરેન્દ્ર મોદીને જાણતા હશો, પણ આ રીતે નહીં જાણતા હો. તમે કોઈ એવો નેતા જોયો છે કે જે આટલો પાવરફુલ હોય. 1950માં જન્મેલા મોદી 15 વર્ષ સુધી તો ગામમાં ભણ્યા, બાદમાં તેમનાં લગ્ન થયાં હતાં. લગ્ન બાદ તેમનું દિલ તૂટી જતાં હિમાલય ગયા હતા, જ્યાં તેઓ પ્રથમ રાજકોટના રામક્રિષ્ન આશ્રમમાં ગયા, જ્યાંથી આશ્રમે તેમને બેંગલુરુ મઠમાં મોકલ્યા. જો કે થોડા સમય બાદ બેંગલુરુના સાધુઓએ તેમને ફરી હિમાલય મોકલ્યા હતા. આ બે વર્ષ અંગે નરેન્દ્રભાઈ વધારે બોલતા નથી, પણ ત્યાં રહ્યા છે તેના ફોટો પણ છે. 1971માં હિમાલયથી પરત ફર્યા બાદ તેમની પાસે વર્ષ 2001 સુધી એક પણ ઘર નહોતું. તેમની પાસે એક બેગ હતી, એક થેલો હતો અને 30થી 35 વર્ષ સુધી જાતે જ પોતાનાં કપડાં ધોઈ ઇસ્ત્રી કરતા હતા. તેઓ ગરમ પાણી લોટામાં ભરીને પોતાનાં કપડાં ઇસ્ત્રી કરતા હતા.
મોદીની એ પ્રથમ રાજકીય પરીક્ષા હતી
તેઓનું વાંચન વિશાળ હતું, ત્યાં સુધી કે વાંચ્યા વિના પણ જે-તે વ્યક્તિની માહિતી તેઓ રાખતા હતા. 1997ના ગાળામાં મુશર્રફનું એકપણ પુસ્તક વાંચ્યા વિના તેઓ મારી સાથે ચર્ચા કરતા કે મુશર્રફે આમ કર્યું અને મુશર્રફે તેમ કર્યું. 1991માં હરેન પંડ્યાએ મને કહ્યું હતું કે, મોદી પ્રાઇમ મિનિસ્ટર થઈ શકે. 1987માં અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણી હતી, જેમાં ભાજપે પ્રથમ વખત જીત મેળવી હતી. જો તે ચૂંટણી ભાજપ જીત્યો ન હોત તો મોદી આજે પ્રધાનમંત્રી ન હોત, કારણ કે એ આખી ચૂંટણીને મોદીએ એક જ રાતમાં ફેરવી નાખી હતી, તેઓ પોતે એના ઇન્ચાર્જ હતા. એ મોદીની પ્રથમ રાજકીય પરીક્ષા હતી. એક તરફ હિન્દુ બીજેપી નેશનલિસ્ટ પાર્ટીની પ્રોસેસ થઈ, તો બીજી તરફ જેલમાં હોવા છતાં પાંચ બેઠક પરથી અબ્દુલ લતીફ જીતી ગયો હતો. એ ગજબનાક ચૂંટણી હતી.
જે કોઈને મોદીની ટીકા કરવી હોય અને વિરુદ્ધ પણ થવું હોય, આ Modi@20 પુસ્તક જરૂર વાંચજો. તેમાં પ્રતીક ગુપ્તા અને અમિત શાહના બે લેખ છે, જેમાં આ ઘટનાનું ડિટેઇલમાં વર્ણન છે. જૂના અમદાવાદમાં ગાંધી રોડ છે, ત્યાં એક ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદી ખૂબ બેસતા અને ચર્ચા કરતા. પોલિટિકલ કામ કર્યા બાદ તેઓ સ્ટેશન ઉતરીને ચા અને ભજિયાં ખાવા જતા હતા. ત્યાં આ બે ઉગતા નેતાઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહે ચર્ચા કરી હતી કે, ‘આપણી પાર્ટીનું ભવિષ્ય શું?’ 1987માં ભારતીય જનતા પાર્ટીમાં એલ.કે. અડવાણી અને અટલ બિહારી વાજપેયી બે જ કદાવર નેતા હતા. તે સમયે વાજપેયીનું કદ ખૂબ મોટું હતું.
1987ના સમયમાં ભાજપ અને આરએસએસમાં ઘણો ફરક હતો. આરએસએસ સ્પષ્ટપણે માનતું હતું કે ભારતનો સાંસ્કૃતિક વારસો ખાસ કરીને હિન્દુ, હિન્દુત્વ, હિન્દુસ્તાનવાસી અને હિન્દુ ધર્મને પાળનારા લોકોનું પ્રભુત્વ અને ખૂબ ઊંડાણપૂર્વકનું અસ્તિત્વ હોવું જોઈએ. હવે વાજપેયી અને અડવાણીએ ક્યારેય સત્તા નહોતી જોઈ. નાની-નાની કન્સ્ટિટ્યુઅન્સી, બેઠકો અને કોર્પોરેશનમાં થોડા મેમ્બર આવતા હતા. મોદી અને અમિત શાહ વિચારતા હતા કે આ બંનેનો યુગ પૂરો થશે પછી કોઈ નેતા જ નથી. આ સમયે 1987માં તે બંનેએ આખા દેશનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. 1987માં અમદાવાદ કોર્પોરેશન જીત્યા ત્યારબાદ બધું જ બદલાઈ ગયું, કારણ કે આ દેશમાં હિન્દુવાદ અથવા હિન્દુ વિષય પર મ્યુનિસિપાલિટીનો કબજો મેળવી શકાય છે તે સાબિત થઈ ગયું હતું. તમે શું વિચારી વોટ આપો છો તે તેઓ સારી રીતે જાણી ગયા હતા.
નરેન્દ્ર મોદી અને રાહુલ વચ્ચેનો સૌથી મોટો ફરક એ છે કે નરેન્દ્ર મોદી લોકો પાસેથી ઇનપુટ લે છે, એડવાઇસ નથી લેતા. જેની સામે રાહુલ ગાંધી એડવાઇસ વિના કંઈ ન કરી શકે. એ બંનેની નેતાગીરીમાં પણ બહુ ફરક છે. કોઈપણ જાતના ટેકા, સપોર્ટ સિસ્ટમ, રિસોર્સ વિના તેમણે પોતાની લીડરશિપને બિલ્ડ કરી છે. નરેન્દ્ર મોદી જ્યારે 2014માં દિલ્હી આવ્યા, ત્યારે તે જુદી માટીના હતા. તેઓ સ્ટ્રોંગ લીડરશિપના ધનીની સાથે ઓટોક્રેટિક પણ ખૂબ હતા.

જોકે 2009માં મોદીએ પ્રાઇમ મિનિસ્ટર તરીકે પ્રમોટ કર્યા અને સતત મનમોહનસિંહને નબળા પ્રાઇમ મિનિસ્ટર તરીકે બદનામ કર્યા, છતાં પણ મનમોહનસિંહે અડવાણીને કન્વિન્સિંગલી હરાવી દીધા. તે દિવસે મોદીનો ઉદય શરૂ થયો. 2009થી 2014 સુધી નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઓફિસમાં મારો એકદમ લાઇવ કોન્ટેક્ટ રહ્યો.
નરેન્દ્ર મોદી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો 2013નો સરવે
2009માં અડવાણી આવતાં જ ગાંધીનગરમાં નક્કી થઈ ગયું કે ‘હી (મોદી) વિલ થ્રો હિઝ હેટ ઇન ધ અરેના, હી વિલ વિન ધ ઇન્ડિયા.’ 2009થી 2014માં હું તમને ખાતરીપૂર્વક કહું છું કે બે કલાક પણ મોદીએ રજા નથી લીધી અને અમિત શાહે 10 મિનિટ રજા નથી લીધી. જે દિવસ અડવાણી હાર્યા તે દિવસે મોદીએ ગાંધીનગરમાં કામ શરૂ કર્યું. લીડરશિપ બનાવતાં તેમણે તમામ સ્ટેટના નેતાઓ સાથે સંપર્ક કર્યો હતો. જયલલિથાનો જ્યારે ખૂબ રુઆબ હતો ત્યારે ગાંધીનગરથી અશોક ભટ્ટ અને અમિત શાહ મળવા ગયા હતા. 2013માં આરએસએસએ એક સરવે કરાવ્યો હતો, જે નરેન્દ્ર મોદી માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હતો.
ઇન્ડિયા બહુ ડિફિકલ્ટ દેશ છે. સાઉથવાળાને નોર્થવાળા ગમતા નથી, નોર્થવાળાને સાઉથવાળા સમજાતા જ નથી. તમામ સાઉથવાળા મદ્રાસી જ છે તેમના માટે. ગુજરાતીને કોઈપણ દેશ તક આપે તો તે પૈસા લઈ જ લે. પંજાબી, સિંધી, મારવાડી અને ગુજરાતી માત્ર પૈસામાં જ માને છે. પબ્લિક સાથે ઓળખ કર્યા બાદ કોઈ વ્યક્તિ નેતા બને છે, જેમાં તેને વરસો લાગી જાય છે. રાહુલ ગાંધી 2005માં નેતા બન્યા અને અત્યારે 2023 ચાલે છે. આટલાં વર્ષો બાદ ‘ભારત જોડો’ બાદ લાગે છે કે તે નેતા બન્યો છે. તેની પાસે તમામ પોલિટિકિલ બેકગ્રાઉન્ડ અને નાણાં હોવા છતાં તે નેતા બની શક્યો નહોતો. બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા અને ઇન્ડિયામાં નેતા બનવા અંગે ખૂબ ફરક છે, કારણ કે કોઈ કોમનાલિટી જિયોગ્રાફિકલ નથી.
મણિપુરમાં મોદી અને સરકારની બદનામી થઈ રહી છે, ત્યારે લોકો જાણ્યા વિના જ પોતાનાં નિવેદનો રજૂ કરતા રહે છે. હજુ માત્ર 90 વર્ષ પહેલાં બ્રિટિશર્સ તેમને હેરાન કરે તેનું માથું કાપી ઘરમાં લટકાવતા હતા. આ એ જ પ્રજા છે, જેમને તેમની આ માનસિકતામાંથી બહાર આવતાં ઘણો સમય લાગશે. એક ભારત છે જે 19મી સદીની માનસિકતાથી કામ કરે છે, એક વીસમી, તો કોઈ એકવીસમી સદીની માનસિકતા ધરાવે છે. ભારતમાં એવા પણ છે જે ફ્યુચરિસ્ટિક છે.
મોદીના નેતૃત્વે જે કામ કર્યું છે તે અઘરું હતું
મોદીની લીડરશિપ માટે કહું તો તેણે આવીને જે કંઈ કામ કર્યું તે અઘરું હતું. દેશમાં છેવાડાના ગામ સુધી પહોંચી ડિગ્નિટી સાથે તેણે ટોઇલેટની વાત કરી. હું એમ માનું છું કે તે ખૂબ મોટી ક્રાંતિ છે. ઉત્તરપ્રદેશ-બિહારનાં ગામડાંમાં અમે પોતે મહિલા પત્રકારો બહાર ન નીકળતાં, કારણ કે ખુલ્લામાં લોકો શૌચક્રિયા માટે જતા હતા. આ દૃશ્ય અમે 25 વર્ષ જોયું.
એક મહાન નવલકથાકાર અશ્વિની ભટ્ટે મને કહ્યું હતું. આપણે પૈસા કમાઈને રિટાયર્ડ થઈએ ત્યારે શૌચાલય બનાવવાનું કામ શરૂ કરીશું. મોદીએ એક લાખ વીસ હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવી શૌચાલય બનાવ્યાં હતાં. તેમણે પ્રત્યેક શૌચાલય બનાવવા માટે રૂ. 12 હજાર ફાળવ્યા હતા. મોદીના દાવાના ત્રીજા ભાગના પણ બન્યાં હોય તે પણ બહુ મોટી વાત છે.
1987 બાદ નરેન્દ્ર મોદીને પોતાની લીડરશિપ બનાવવા અને મજબૂત બનાવવા ઘણાં વર્ષો મળ્યાં હતાં. આશરે 25 કરોડ ગરીબ પરિવારોના જનધન એકાઉન્ટ ખોલ્યાં હતાં. આનાથી વચેટિયાઓ દ્વારા થતો ભ્રષ્ટાચાર અટકી ગયો અને લાભાર્થીને સીધા જ બેન્ક એકાઉન્ટમાં નાણાં મળતા થયાં હતાં. મોદીના આવ્યા બાદ રૂ. 2 લાખ કરોડ નાણાં સીધા મળ્યાં છે. નરેન્દ્ર મોદી દ્વારા લોકોનાં આધારકાર્ડ કાઢવામાં આવ્યાં, જેનો ઉપયોગ દેશભરમાં રોજ 8 કરોડ વખત થાય છે.
મૂકેશ અંબાણીએ પોતાનું નામ ઐતિહાસિક બનાવવા માટે એક મોટું સપનું જોયું તે છે જિયો ફોન. તેણે પોતાની જાતને જ ચેલેન્જ આપી 10 કરોડ ભારતીયોને 6 મહિનામાં પોતાના મેમ્બર બનાવી દીધા. તેણે રેજિમેન્ટ જેવી તેની ટીમને કહ્યું હતું કે, સામાન્ય માણસના એક આધારકાર્ડ પર જ જનતાને ફોન આપવો. જે આધારકાર્ડ નરેન્દ્ર મોદીએ જનતા માટે કઢાવેલાં તેનું એક્સપ્લોરેશન કરી ધંધો મેળવી લીધો.
દેશમાં તમામ લોકોના પ્રશ્નો હતા, એટલે કે 140 કરોડ લોકોના 140 કરોડ પ્રશ્નો હતા. દેશમાં 260 મિલિયન લોકો યુપીઆઇ વાપરે છે અને ભારતમાં એક મહિનામાં 30 બિલિયન વખત યુપીઆઇ ટ્રાન્ઝેક્શન થાય છે. ભારતમાં ડિજિટલાઇઝેશનનું ગાંડપણ છે. ભારતમાં ડિજિલોકર એપ 130 મિલિયન લોકો વાપરે છે. દેશમાં તમામ કારમાં ફાસ્ટટેગ છે. કોઈપણ નાણાં વિના રોડ ટેક્સ પણ પે થઈ જાય છે, જેથી નાકા પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી નથી. દેશમાં લોકો ફાસ્ટટેગને 310 બિલિયન વખત મહિનામાં વાપરે છે. આ પોલિટિકલ હિંમતથી જ શક્ય બન્યું છે.
દેશમાં 30.7 મિલિયન કંપની જીએસટીમાં આજે રજિસ્ટર્ડ છે. 1979થી 2014 સુધીના મારા મિલિયોનેર સંબંધી, મિત્રો પૈકી માત્ર 5 ટકા જ ટેક્સ ભરતા હતા. જ્યારે આજે રજિસ્ટર્ડ થયેલી તમામ કંપનીઓ ટેક્સ પે કરતી થઈ ગઈ છે.
ઈન્ડિયાની ડેમોક્રેસી ફર્સ્ટ ક્લાસ ચાલે છે પ્રોબ્લેમ સાથે...
ઇન્ડિયાની ડેમોક્રેસી ફર્સ્ટ ક્લાસ ચાલે છે પ્રોબ્લેમ સાથે, દેશની વસ્તી 140 કરોડ હોય ત્યારે પ્રોબ્લેમ રહેવાના જ છે, તેને ભૂલી ન શકાય. નરેન્દ્ર મોદી ત્રણ વસ્તુ નથી કરી શક્યા - કાસ્ટિઝમ, તે ઓછું નથી થયું, કારણ કે ભારતીય પદ્ધતિ મુજબનું જે પોલિટિક્સ છે તેમાં અનેક ફાંટા છે. નેતા બનવા માટે મારા ફોલોઅરને ટિકિટ અપાવવી પડે. ટિકિટ અપાવવી તે સૌથી મોટો પાવર અને પોલિટિક્સ છે. નરેન્દ્ર મોદી અમિત શાહને ટિકિટ આપે ત્યારે જ તે મજબૂત થાય. તમારા ફોલોઅર્સ નથી તો તમારી પાસે લીડરશિપ પણ ન રહે. દેશમાં જે પોલિટિક્સ ચાલે છે તેમાં પાર્લામેન્ટ કે જ્યુડિશિયરી મજબૂત નથી, પોલિટિકલ પાર્ટી સૌથી મજબૂત છે. જે નેતા ટિકિટ આપે એ જ અસલમાં પોલિટિક્સ અને પાવર છે, જેમાં મોદી કાસ્ટિઝમ હટાવી નથી શક્યા. ભ્રષ્ટાચારથી દૂર રહેલા લોકો, ક્વોલિફાઇડને ટિકિટ મળે તે વાત તો જવા જ દો, પરંતુ કોઈ અભણ કે લોકો પર વર્ચસ્વ ધરાવતો માણસ સ્ટેજ પર ઊભો થઈ જાય અને પાંચ લાખ મત એમ જ મળી જાય તેવા અનેક લોકો છે અને તેમનું મહત્ત્વ છે. આ પાસું એવું છે જેમાંથી કાસ્ટિઝમ હટાવી શકાયું નથી, ઊલટાનું વધી ગયું છે.
કોવિડના કારણે ભારતની ઇકોનોમી ધાર્યો ગ્રોથ નથી કરી શકી, પરંતુ એમાં હું મોદી કરતાં કોવિડને વધારે જવાબદાર માનું છું. એક સમયે કહેવાતું હતું કે ઇન્દિરા ગાંધી જેટલી પોપ્યુલારિટી છે અને હવે લોકો કહે છે કે તેનાથી પણ વધુ પોપ્યુલારિટી છે. મોદી ગામડેગામ ખૂબ પહોંચ્યા છે. મોદીએ વેક્સિનેશનનું જે અભિયાન ચલાવ્યું તે ઇતિહાસમાં યુનિક છે.
ભારતમાં યુનિક રીતે જે થયું તેમાં જીએસટી, ઇકોનોમી સુધારણા, ઇન્ટર્નલ ટૂરિઝમમાં વધારો મુખ્ય છે. ધાર્મિક ટૂરિઝમને પ્રોત્સાહન આપી 9 વર્ષમાં કરોડો રૂપિયાના ખર્ચે તીર્થસ્થાનોનો અદભુત વિકાસ કર્યો અને ત્યાં પહોંચવું અને રહેવું સુગમ બનાવવા સાથે પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરી.
અમે બધા ન્યુટ્રલ પત્રકારો બાબરી મસ્જિદ ધ્વસ્ત થઈ ત્યારે ઘણા ડિસ્ટર્બ થયા હતા, અમે ક્યારેય નહોતું વિચાર્યું કે, બાબરી મસ્જિદના સ્થાને રામમંદિર બનશે, પણ મોદીએ કરી બતાવ્યું. હું માનું છું કે ભારત દેશના આ મુસ્લિમોને વાંધો નથી. 52 દેશના મુસ્લિમો કરતાં ભારતીય મુસ્લિમ શ્રેષ્ઠ છે. 1947 બાદ એક પણ પોલિટિશિયન પાર્લામેન્ટમાં આવ્યો નહોતો, જેણે વિચાર્યું હોય કે માખણમાંથી છરીની જેમ કાશ્મીરમાંથી 370 હટાવી શકાય, પરંતુ તે નરેન્દ્ર મોદી અને અમિત શાહે કરી બતાવ્યું. 370 હટાવ્યાના 6 મહિના પહેલાં જમ્મુ-કાશ્મીરનાં તમામ ગામમાં, તમામ પોલીસ સ્ટેશનમાં ડ્રોન, સીસીટીવી બધું જ વસાવી દીધું અને બધું ટાઇટ કર્યું અને પછી પાર્લામેન્ટમાં જઈને 370 કાઢી નાખી. આ કારણથી ત્યાં કોઈ અવાજ જ ન થયો.
હું માનું છું કે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ હોવો જોઈએ, પરંતુ સર્વસંમતિથી હોવો જોઈએ. નરેન્દ્ર મોદીએ પોલિસી રિફોર્મનું કામ ખૂબ કર્યું છે, 700-800 કાયદા જ કચરાપેટીમાં ફેંકી દીધા છે. તમામ વસ્તુને સરળ બનાવી દીધી.
કેન્દ્રીય મંત્રીમંડળમાં કોઈ એક વ્યક્તિને ક્રેડિટ નથી અપાતી, ટીમ મોદીને આપવામાં આવે છે. સુરક્ષાક્ષેત્રે અજિત ડોવાલ કોઈ કામ કરે, વિદેશનીતિ પર એસ. જયશંકર કોઈ કામ કરે તે તમામની ક્રેડિટ તેમને વ્યક્તિગત નહીં, ટીમ મોદીને મળે છે. કોંગ્રેસ કોઈ તર્કહીન પાર્ટી નથી, તે ખૂબ મેચ્યોર્ડ પાર્ટી છે, તેમની ઇન્સ્ટિટ્યૂશનલ હિસ્ટ્રી એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, પરંતુ ટીમ મોદીનો જે આઇડિયા છે તે કોંગ્રેસમાં નથી. કોંગ્રેસમાં ચિદમ્બરમ પોતાની ક્રેડિટ લે, મનમોહનસિંહ પોતાની, પ્રણવ મુખર્જી પોતાની, દિગ્વિજયસિંહ પોતાની... એમાં બધું તૂટી ગયું. ભાજપમાં 9 વર્ષ થયાં પણ આંતરિક ઝઘડા સામે નથી આવ્યા, તેનું કારણ ટીમ મોદી છે.


comments powered by Disqus