મોદી સરકારના 9 વર્ષના શાસનકાળમાં વિપક્ષ દ્વારા સરકાર વિરુદ્ધ બીજીવાર અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો. આ પહેલાં 2018માં વિપક્ષ દ્વારા મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરાયો હતો. સંખ્યાની દ્રષ્ટિએ લોકસભાના ફ્લોર ટેસ્ટમાં સરકારની સામે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ કોઇપણ હિસાબે ટકી શકે તેવી સ્થિતિમાં હતો નહીં તેમ છતાં વિપક્ષ દ્વારા પ્રસ્તાવ રજૂ કરાયો હતો. 3 દિવસની ચર્ચા બાદ લોકસભાએ બહુમતીથી અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દીધો. લોકસભામાં અત્યાર સુધીમાં વિવિધ સરકારો વિરુદ્ધ અવિશ્વાસના 28 પ્રસ્તાવ રજૂ થઇ ચૂક્યાં છે અને તેમાંથી તમામ પરાજિત થયાં છે. સૌથી વધુ 15 અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો ઇન્દિરા ગાંધીએ કર્યો જ્યારે લાલ બહાદૂર શાસ્ત્રી અને પી વી નરસિંહ રાવ સામે 3-3 વાર અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરાયાં હતાં. મોરારજી દેસાઇ અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ 2-2 વાર જ્યારે જવાહરલાલ નેહરૂ, રાજીવ ગાંધી, વી પી સિંહ અને એચ ડી દેવગોવડાની સરકારો સામે એક-એક અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરાયાં હતાં. તાજેતરમાં મોદી સરકાર વિરુદ્ધ લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચામાં દુર્ભાગ્યપૂર્ણ બાબત એ રહી કે ભારતની લોકસભામાં એવો એકપણ સાંસદ નથી જેણે ગંભીરતાથી તર્ક સાથે ચર્ચામાં રજૂઆતો કરી હોય. સત્તાપક્ષ કે વિપક્ષ તરફથી ચર્ચામાં ભાગ લેનારા સાંસદોની રજૂઆતો મહદ્દ અંશે આરોપ-પ્રત્યારોપથી વિશેષ કશું જ નહોતું. ભડકે બળી રહેલા મણિપુર મુદ્દે ગંભીરતાથી ચર્ચા કરવા, રાજ્યમાં શાંતિની સ્થાપનાના ઉપાયો વિચારવા જેવી બાબતો સાંસદોના ભાષણોમાંથી ગાયબ રહી હતી. ભાષાની સૌમ્યતા, તર્કપૂર્ણ દલીલો, એકબીજાની દલીલો પ્રત્યેનું સન્માન અને તાર્કિક પ્રતિપ્રહાર જાણે કે ગધેડાના માથા પરથી ગાયબ થયેલા શિંગડાની જેમ ગાયબ થઇ ગયાં હોવાનું પ્રતીત થતું હતું. અસંસદીય શબ્દપ્રયોગ જાણે કે હવે ભારતીય સંસદનું ચલણ બની ગયું છે. હવે એ જમાનો વીતી ગયો છે જ્યારે પક્ષ-વિપક્ષના સાંસદો ગૃહની ગરિમાની સાથે સાથે એકબીજાના આદર સન્માનની પણ પુરતી કાળજી લેતાં હતાં. એકબીજા પરના પ્રહારો પણ શાલિનતા અને શિષ્ટતાથી કરતા હતા. એકતરફ આપણે ભારતને વૈશ્વિક લોકશાહીની જનની ગણાવીને ગૌરવ લેવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ લોકશાહીના મંદિર સ્વરૂપ સંસદમાં જ લોકશાહીનું ચીરહરણ રોજિંદી ઘટનાઓ બની રહી છે તેનો મોટો વસવસો છે.


